Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

રેલરાજ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા મળીઃ સભાસદો માટેની સામાજિક પ્રવૃતિને બિરદાવતા મહેમાનો

રાજકોટઃ. શ્રી રેલરાજ ક્રેડિટ કો.ઓ. સોસાયટીની દશમી સાધારણ સભા રેલનગર ભગવતી હોલ ખાતે સભાસદોના ઉત્સાહ સાથે મળી ગઈ, ચેરમેનશ્રી વનરાજસિંહ જાડેજાએ સોસાયટીની પ્રગતિની જાણકારી આપી હતી કે, સભાસદોના સાથે અને સહકારથી સ્થાપના વર્ષથી સતત 'એ' મેળવેલ છે. સાથે સાથે નવા વર્ષ દરમ્યાન સભાસદોના હિતમાં જે નવી યોજના શરૂ કરવામાં આવી તેની જાણકારી આપી હતી. જેમા સામાન્ય ફી લઈને છેલ્લા દસ વર્ષથી ચાલતા શિવણ કલાસમાં આજ સુધીમાં સેંકડો બહેનોને સ્વરોજગાર મેળવવાની તાલીમ તેમજ નિઃશુલ્ક-કૂકિંગ કલાસ, મહેંદી અને બ્યુટીપાર્લરના કલાસ નિયમિત ચાલે છે તેની વિગતવાર માહિતી આપી સભાસદોને લાભ લેવા અપીલ કરી હતી. વાઈસ ચેરમેન શ્રી નટવરસિંહ ચૌહાણે શ્રી રેલરાજ ક્રેડિટ સો.ના સહકારથી યોગા કલાસ, એનિમલ હેલ્પલાઈન, પશુપંખીઓ માટે ચણ-ચારો અને પક્ષીઓના માળા તથા પાણીના કુંડાઓનું વિતરણ, વનીકરણ ઝુંબેશ તથા રોપા વિતરણ નિયમિત વિનામૂલ્યે તેમજ વૈવિધ્યસભર પ્રવૃતિઓનું સતત આયોજન થતુ રહે છે તેમ જણાવી સભાસદોને લાભ લેવા અનુરોધ કર્યો, તેમજ યુવા સભાસદ કુમારી હેમાલી સરવૈયાએ સ્પોકન ઈંગ્લીશ કલાસ તેમજ નેટ બેન્કીંગની પ્રવૃતિ વિષે જાણકારી આપી. આ ઉપરાંત સભાસદો પોતાની તંદુરસ્તી માટે જાગૃત થાય તે માટે મિટીંગ સ્થળ ઉપર મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ જેનો બહોળી સંખ્યામાં સભાસદોએ લાભ લીધેલ.  સભાસદોને માર્ગદર્શન આપવા માટે મહેમાનો શ્રી ઘોઘુભા જાડેજા (તાલુકા પંચાયત પ્રમુખ), અજીતસિંહજી જાડેજા (મનહર ઈન્ડસ્ટ્રી), આર.જી. વાઘેલા (નિવૃત ડીવાયએસપી), જાણીતા એડવોકેટ બી.બી. ગોગિયા તથા રવિભાઈ ગોગિયા, વિવેકાનંદ યુવક મંડળ તથા દીકરાનું ઘર (ઢોલરા)ના અનુપમભાઈ દોશી વગેરેએ સભાસદોને માર્ગદર્શન આપેલ તેમજ સોસાયટીની વિવિધ પ્રવૃતિથી પ્રભાવિત થઈ સંસ્થાની પ્રગતિના આશિર્વાદ આપ્યા હતા.  કાર્યક્રમનું સંચાલન મંત્રી શિરીશભાઈ કચ્છીએ કર્યુ હતું. સ્વાગત પ્રવચન હીનાબા ગોહિલે કર્યુ હતું. આભાર દર્શન શ્રીમતી પુનિતબા જાદવે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતિ સંગિતાબેન સરવૈયા, એમ.ડી. ઘનશ્યામભાઈ સંચાનીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, બલદેવસિંહ ગોહિલ, મયુરસિંહ જાદવ, કિશોરસિંહ જાડેજા, અમિત બારૈયા તેમજ કુમારી હેમાલી સરવૈયાએ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ.

(4:34 pm IST)