Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જશને નોકરીનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

દાદા જે.પી. વાસવાણીની જીવનગાથા કથાકડી - ૮

કિશોર અવસ્થામાં કદમ માંડી ચુકેલા યુવા જશન ઉમરના એવા પડાવ ઉપર હતા જયાં દરેક સ્વપ્ન એને હાથવેંતમાં જ લાગતા હતા. અને આ સમયે જશન શિક્ષણ અને આધ્યાત્મિક ચિંતન એ બંને કેડીઓ પર એક સાથે કદમ માંડી રહ્યા હતા. ચાચા સાધુ વાસવાણીના શ્બ્દોનું અક્ષરસઃ પાલન કરતા યુવા જશનને ઇ.સ. ૧૯૩૯માં ચાચા સાધુ વાસવાણી સાથે શ્રીલંકાના શાંતિ સંમેલનમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો. યુવા જશનની પ્રખર બુધ્ધિમતાને કારણે એમને ડી. જે. સિંઘ કોલેજમાં પ્રોફેસરની નોકરીનો પ્રસ્તાવ આવે છે.

પરંતુ યુવા જશનનું મન અને હદય આધ્યાત્મિકના રંગમાં એવા ઓતપ્રોત હતા કે તેઓ નોકરીના પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર ન હતા. આધ્યાત્મિકતાની લગન અને તેમાંથી મળતો નિષ્કામ આનંદ, આ બંને વસ્તુ જશન માટે અમુલ્ય હતી. કરાચીમાં પોતાની માતા પોતાનું ઉજ્જળ ભવિષ્ય અને હૃદયમાં રહેલી આધ્યાત્મિક પથ પર આગળ વધવાની ઇચ્છા આ ત્રણેય વચ્ચે અવઢવ અનુભવતા યુવા જશનને ચાચા સાધુ વાસવાણી ફરી એક વખત તેમનુ કર્તવ્ય યાદ અપાવે છે.

જો કે ફરી – ફરી જશનનું મન આધ્યાત્મિકતાની કેડીએ ચાલવા માટે આહવાન કરતું હતું. પોતાની ઇચ્છા તેઓ માતાને પત્ર લખીને વ્યકત કરે છે. કરાચીમા પત્ર વાંચી માતા આઘાત અનુભવે છે. યુવા જશનના સુંદર ભવિષ્ય માટે કરેલ સંદ્યર્ષ વ્યર્થ જતો તેમને લાગે છે. જે પદ પ્રતિષ્ઠા લાખો યુવાનો માટે સ્વપ્ન સમાન હોય છે. એ ગૌરવશાળી પદને જશન ઠુકરાવવા માગે છે એ વાત જ તેઓ માનવા તૈયાર ન હતા. પરંતુ પુત્ર જશનની ઇચ્છા, દ્રઢ નિશ્ચય અને આધ્યાત્મિક લગન જોઇને ખૂબ જ ધૈર્ય અને હિંમતથી યુવા જશનને પોતાની રીતે પોતાના ભવિષ્યમાં આગળ વધવાની અનુમતિ આપે છે. કદાચ માં ક્રિષ્નાદેવીને પણ અંદાજ આવી ગયો હતો કે વાસવાણી પરિવારનું આ પુત્રરત્ન માત્ર આસપાસના સમાજમાં નહીં પરંતુ વિશ્વભરના લાખો લોકોના હદયમાં રાજ કરવા માટે જ અવતાર પામ્યો છે.

માં ક્રિષ્નાદેવીની મંજૂરી મળતા જ સાગરમાં ઉઠતા અફાટ મોજાની જેમ જશનનું હદય આનંદથી ઝુંમી ઉઠે છે. અને એ યુવાનીમાં જ આવનાર સંતજીવનનું રેખાચિત્ર બનવાનું આરંભ થાય છે. ઘટનાઓનો એ ક્રમ જાણીશું આવતીકાલના અંકમાં........

શ્રી બી. બી. ગોગીયા સેક્રેટરી, સાધુ વાસવાણી સેન્ટર, રાજકોટ

(4:10 pm IST)