Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પોસ્‍ટલ હડતાલ : લોકોની ટપાલો-પાર્સલો પાછા જવા માંડતા દેકારો : આજથી રાજકોટમાં ૩ દિ' ધરણા

લોકોને સમયસર પાર્સલ-ટપાલ નહીં મળતા મચી ગયેલો દેકારો : વિવિધ સંગઠનો દ્વારા ટેકો જાહેર

રાજકોટ, તા. ર૯ : પોસ્‍ટલ કર્મચારીઓની હડતાલને આજે ૮ દિવસ થયા, પરંતુ સરકારે કોઇ નિવેડો નહીં લાવતા, ન્‍યાય નહિ આપતા આજથી ગુજરાતભરમાં કર્મચારીઓ દ્વારા ધરણા શરૂ થઇ ગયા છે.

બીજીબાજુ લોકોની ટપાલો-પાર્સલો ૬ દિવસ બાદ ડીલીવરીના અભાવે પરત જવા માંડતા પ્રજામાં દેકારો બોલી ગયો છે. હેડ પોસ્‍ટ ઓફીસ ખાતે પૂછપરછનો દોર શરૂ થઇ ગયો છે.

દરમિયાન આજથી તા.૩૧ સુધી, જી.ડી.એસ. કર્મચારીઓ રાજકોટ હેડ પોસ્‍ટ ઓફીસ ખાતે સવારે ૧૦થી સાંજે ૬ સુધી ધરણા કરશે.

આ હડતાલને પેન્‍શનર એસોસીયેશનના સ્‍ટેટ સેક્રેટરી શ્રી અતુલભાઇ શેઠે પણ ટેકો જાહેર કરેલ છે તેમજ પોસ્‍ટમેન/એમટીએસ અને પી-૩ યુનિયને પણ ટેકો જાહેર કરેલ છે. આ ઉપરાંત દરરોજ સવારે ૧૧ કલાકે તેમજ સાંજે ૬ કલાકે સુત્રોચ્‍ચાર કરી વિરોધ પ્રદર્શન કરાશે. આ હડતાલને યુનિયન પદાધિકારીયો શ્રી બી.એમ. દવે, જયંતીભાઇ સોરઠીયા, જયંતીભાઇ મકવાણા તેમજ પ્રભાતભાઇ ડાંગર, કડીવારભાઇ, મનુભાઇ ડવ, દિપક જોષી, પી.કે. વામજા વિગેરે માર્ગદર્શન આપી રહ્યા છે.

(3:59 pm IST)