Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

હવે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રિમોન્સૂન એકટીવીટીની શરૂઆત

કોઈ-કોઈ દિવસે કોઈ-કોઈ જગ્યાએ છાંટાછૂટી - ઝાપટા પડશે : અશોકભાઈ પટેલ : સમગ્ર દક્ષિણ અરબીસમુદ્ર, ઓમરેન, માલદીવ, કેરળના લગભગ ભાગો, તામિલનાડુના થોડા ભાગો અને બંગાળની ખાડીના ઘણા ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી : બે - એક દિવસમાં હજુ પણ આગળ વધે તેવા સંજોગો

રાજકોટ, તા. ૨૯ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રૂમઝૂમ કરતુ આગળ વધી રહ્યુ છે. હવે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં કોઈ-કોઈ દિવસે કોઈ-કોઈ જગ્યાએ પ્રિમોન્સૂનરૂપી છાંટાછુટી - ઝાપટાની શરૂઆત થશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે સમગ્ર દક્ષિણ અરબી સમુદ્ર, ઓમરેન, માલદીવ, સમગ્ર લક્ષદ્વીપ, કેરળના લગભગ ભાગો, તામિલનાડુના થોડા ભાગો અને બંગાળની ખાડીના ઘણા ભાગોમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી કરી દીધી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ પણ એકાદ બે દિવસમાં આગળ ચાલે તેવા સંજોગો છે.

એક વેલમાર્ક લો પ્રેશર કેરળના કર્ણાટકના દરિયાકિનારા નજીક હતુ જે હજુ તે જ વિસ્તારમાં જ છે અને તેને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ની ઉંચાઈ સુધી છવાયેલ છે.

બીજુ એક વેલમાર્ક લોપ્રેસર મધ્ય - પૂર્વ બંગાળની ખાડીમાં ગઈકાલે હતુ જે આજે મજબૂત બની ડીપ્રેશનની માત્રાએ પહોંચ્યુ છે. જેની પુષ્ટિ હવામાન ખાતાની બાકી છે અને હાલમાં મધ્યપૂર્વ અને લાગુ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં છે.

એક ઈસ્ટ - વેસ્ટ સીયરઝોન (સામસામા પવનો) ૧૨ ડિગ્રી નોર્થ, ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની ઉંચાઈએ છે.

હવે સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. જો કે સૌરાષ્ટ્રમાં બફારાનો અનુભવ થશે. પ્રિમોન્સૂન એકટીવીટી પણજોવા મળશે. કોઈ - કોઈ દિવસે છૂટાછવાયા સ્થળોએ છાંટાછૂટી ઝાપટા પડશે.

(3:04 pm IST)