Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

માસુમ હેતનું અપહરણ કરી રાજકોટના નિકુંજ બાવાજીએ પતાવી દીધો'તો

શાપર-વેરાવળના કોળી પરિવારના પુત્રના રહસ્યમય અપહરણ-હત્યાના બનાવ પરથી પડદો ઉંચકતી રાજકોટ રૂરલ પોલીસ : દેણુ ઉતારવા ખંડણી પડાવવાના ઈરાદે શાપરમાં મેડીકલ સ્ટોર ધરાવતા નિકુંજે નિર્દોષ હેતનો ભોગ લીધોઃ એસ.પી. અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના પી.આઈ. જે.એસ. પંડયા અને એલસીબીના જે.એમ. ચાવડાની ટીમના સફળતાઃ સાંજે પ્રેસ કોન્ફરન્સ

રાજકોટ, તા. ૨૮ :. શાપર-વેરાવળમાં ગત શનિવારે શ્રમિક કોળી પરિવારના પુત્ર હેત (ઉ.વ.૪)ના અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલવામાં  રૂરલ પોલીસને સફળતા મળી છે. માસુમ બાળકનુ અપહરણ અને હત્યા કરનાર રાજકોટના બાવાજી શખ્સને પોલીસે દબોચી લઈ પૂછતાછ કરતા તેણે દેણુ ઉતારવા ખંડણી પડાવવાના ઈરાદે માસુમ હેતનું અપહરણ અને હત્યા કર્યાની કબુલાત આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળના શાંતિધામ વિસ્તારમાં રહેતા હરેશભાઈ વાઢેર (કોળી)ના પુત્ર હેત (ઉ.વ.૪)નું ગત શુક્રવારે સાંજે અપહરણ થયા બાદ તેની શનિવારે સવારે રીબડાના ગુંદાસરા ગામ પાસે હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો હતપ્રભ થઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં માસુમ બાળક હેતનું અપહરણ કર્યા બાદ તેનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી લાશ રીબડા નજીક ફેંકી દેવાયાનું ખુલ્યુ હતું. શાપર

પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણ અને હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન રહસ્યમય આ અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલવા રૂરલ એસપી અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, રૂરલ એલસીબી-એસઓજી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ આ ટીમો દ્વારા ૨૫ થી ૩૦ શંકાસ્પદ શખ્સોના નિવેદનો અને મૃતક હેત જ્યાં રહેતો હતો તે વિસ્તારના આડોશી-પાડોશી અને જ્યાંથી હેતનું અપહરણ થયુ તે વિસ્તારના દુકાનદારોના નિવેદનો લેવાયા હતા પણ પોલીસને કોઈ ચોક્કસ કડી મળી ન હતી.

દરમિયાન આ હત્યા કેસની તપાસ રૂરલ એસ.પી. અંતરીપ સુદે એસઓજીને સોંપવાનો હુકમ કરતા પીઆઈ પંડયા તથા ટીમે તપાસ હાથ ધરી હતી. બનાવના દિવસે અપહૃત હેતના પિતાના મિત્રના મોબાઈલમાં ફોન આવ્યો હતો. પોલીસે આ નંબર ટ્રેસ કરતા અપહરણ કરનાર નિકુંજ બાવાજી હોવાનું ખુલતા પી.આઈ. પંડયા તથા એલસીબીના પીએસઆઈ જે.એમ. ચાવડા સહિતની ટીમે આરોપી નિકુંજ રમેશભાઈ ગોસ્વામી રહે. ગાંધીગ્રામ-રાજકોટને દબોચી લીધો હતો. પોલીસ પૂછતાછમાં નિકુંજે રૂપિયા પડાવવા માટે માસુમ હેતનું અપહરણ અને હત્યા કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ નિકુંજ ગોસ્વામી શાપર-વેરાવળમાં મઢુલી નામનો મેડીકલ સ્ટોર ધરાવે છે અને તેના પર ૧.૬૦ લાખનું દેણુ હોય આ દેણુ ઉતારવા ખંડણી પડાવવાના ઈરાદે કોળી પરિવારના માસુમ પુત્ર હેતનુ અપહરણ કર્યુ હતું. અપહરણ કર્યા બાદ આરોપી નિકુંજે અપહૃત હેતના પિતાના મિત્રને ફોન કરી હેતના પિતાનો નંબર માંગ્યો હતો પરંતુ હેતના પિતાનો નંબર ન મળતા અને ખંડણી નહિ મળે તેમ માની હેતને ગળાટુપો દઈ પતાવી દઈ લાશને રીબડાના ગુંદાસરા પાસે નાખી દીધી હતી.

રૂરલ એસઓજીના પી.આઈ. પંડયા તથા સ્ટાફે પકડાયેલ નિકુંજ ગોસ્વામીની વધુ પૂછતાછ હાથ ધરી છે. અપહરણ અને હત્યામાં નિકુંજ સાથે અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ ? તે અંગે તપાસ હાથ ધરાઈ છે. આ અંગે રૂરલ એસ.પી. અંતરીપ સુદ આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર વિગતો જાહેર કરશે.

‘અકિલા'એ પહેલા દિવસે જ ફોન આવ્‍યાની વિગતો જાહેર કરી હતી

નિકુંજ ગોસ્‍વામીએ પૈસા માટે હેતના પિતાના મિત્રને ફોન કર્યો'તોઃ કોલ ડિટેઇલને  આધારે હત્‍યાનો ભેદ ઉકેલાયો

ઞ્જ રૂરલ એસઓજીએ શાપરના માસુમ ચાર વર્ષના બાળક હેતની હત્‍યાનો ભેદ ઉકેલી નાંખી શાપરમાં મેડિકલ સ્‍ટોર ધરાવતાં અને રાજકોટ ગાંધીગ્રામમાં રહેતાં નિકુંજ રમેશભાઇ ગોસ્‍વામી નામના શખ્‍સને સકંજામાં લીધો છે. તેણે પોતાના પર ૧ લાખ ૬૦ હજારનું દેણું થઇ ગયું હોઇ આટલી રકમ બાળક હેતના પિતા પાસેથી મેળવવા માટે જ અપહરણ કરી હત્‍યા કરી નાંખ્‍યાનું હાલ તેણે રટણ શરૂ કર્યુ છે. નિકુંજે અપહરણ કર્યા બાદ હેતના પિતાનો નંબર ન હોઇ તેના પિતાના મિત્રના ફોનમાં કોન્‍ટેક્‍ટ કરી હરેશ વાઢેરનું કામ છે તેમ જણાવ્‍યું હતું. આ રીતે તેણે ત્રણેક ફોન કર્યા હતાં. જો કે એ પછી તેણે ફોન સ્‍વીચ ઓફ કરી દીધો હતો. હરેશભાઇ સામે ફોન કરતાં હતાં ત્‍યારે કોન્‍ટેક્‍ટ થઇ શક્‍યો નહોતો. ‘અકિલા'એ પહેલા જ દિવસે આ અંગે વિગતો જાહેર કરી હતી. હરેશભાઇના મિત્ર રસના ચીચોડાવાળા જયેશભાઇ કોળીના ફોનમાં ફોન કરી એક શખ્‍સે હરેશ વાઢેરનું કામ છે તેવી વાત કરી હતી. આ ફોન નંબરની કોલ ડિટેઇલને આધારે હત્‍યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

 

અપહરણ બાદ ખંડણી માટે પિતાનો સંપર્ક ન થતા હેતને સ્‍વીફટ કારમાં જ મોતને ઘાટ ઉતારી દેવાયો'તો

હત્‍યારા નિકુંજ ગોસ્‍વામીની પોલીસ સમક્ષ નફફટાઈભરી કબુલાતઃ

પિતાના મિત્રને ત્રણ ફોન કર્યા બાદ સીમકાર્ડ બદલાવી નાખેલ

રાજકોટ :. શાપર-વેરાવળના કોળી પરિવારના પુત્ર હેતના અપહરણ અને હત્‍યા કેસમાં પકડાયેલ રાજકોટના નિકુંજ ગોસ્‍વામીએ પોલીસ સમક્ષ એવી નફફટાઈભરી કબુલાત આપી હતી કે માસુમ હેતનું અપહરણ કર્યા બાદ ખંડણી માટે તેના પિતાનો સંપર્ક ન થતા તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નિકુંજ ગોસ્‍વામીએ પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે, પોતે અપહૃત હેત કે તેના પરિવારને ઓળખતો નથી. પોતાના પર દેણુ થઈ જતા આ દેણુ ઉતારવા ખંડણી પડાવવાના ઈરાદે મેડીકલ સ્‍ટોર પાસે પોતાની સ્‍વીફટ કાર નં. જીજે ૦૩  ૮૩૧૭ માસુમ હેતનું અપહરણ કર્યુ હતું. જો કે હેતના અપહરણ બાદ તેના પિતાના મિત્રને ફોન કરી હેતના પિતાનો નંબર માંગ્‍યો હતો. ત્રણ ત્રણ વખત પ્રયત્‍ન કરવા છતા હેતના પિતાનો નંબર ન મળતા અને હવે ખંડણીની રકમ પણ નહી મળે અને પોતાને હેત ઓળખી જશે તેવા ડરે હેતને લાલ કલરની ચૂંદડી અને પ્‍લાસ્‍ટીકની દોરીથી ગળાટુપો આપી દઈ પતાવી દઈ લાશને રીબડા પાસે ફેંકી દીધી હતી.

ત્‍યાર બાદ નિકુંજએ પોતાના મોબાઈલમાંથી હેતના પિતાના મિત્રને જે નંબર પરથી ફોન કર્યો હતો તે નંબરનું સીમકાર્ડ કાઢી ફેંકી દીધુ હતુ અને તેની જગ્‍યાએ બીજુ સીમકાર્ડ ચાલુ કર્યુ હતું. રૂરલ પોલીસે આ મોબાઈલના નંબરના આધારે જ આ હત્‍યાનો ભેદ ઉકેલ્‍યો હતો.

 

 

(4:02 pm IST)