Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પાંચ મહિના પહેલા આત્‍મહત્‍યા કરનાર કડવા પટેલ દંપતિના પુત્ર જૂગલનું અકસ્‍માતમાં મોત

દેવપરામાં પ્રિન્‍સીપાલ હરેશભાઇ મોરડીયા અને પત્‍નિ રમિલાબેને દિકરાએ વ્‍યાજે લીધેલા નાણા માટે વ્‍યાજખોરો ત્રાસ આપતાં હોઇ સજોડે જીવ દીધો'તો : રાત્રે મિત્ર સાથે મેટોડા ભજીયા ખાવા જતો'તો ત્‍યારે કારની ઠોકરે ચડયોઃ મિત્ર ચેતન ચોટલીયાનો ઇજા સાથે બચાવઃ માતા-પિતાએ આપઘાત કર્યો ત્‍યારથી એકના એક ભાઇનું મોઢુ જોવા તડપતી બહેનને આજે ભાઇનો નિષ્‍પ્રાણ દેહ મળ્‍યો

મેટોડા ગેઇટ નં. ૩ પાસે ઘટના સ્‍થળે અકસ્‍માતગ્રસ્‍ત સ્‍વીક્‍ટ કાર અને બાઇક તથા મૃત્‍યુ પામનાર જુગલકિશોર હરેશભાઇ મોરડીયા તથા ઘાયલ થયેલો તેનો મિત્ર ચેતન કાંતિભાઇ ચોટલીયા જોઇ શકાય છે. ઇન્‍સેટમાં મૃતક જુગલકિશોરનો ફાઇલ ફોટો નજરે પડે છે

રાજકોટ તા. ૨૯: પાંચ મહિના પહેલા ડિસેમ્‍બર માસમાં દેવપરાની મહેશ્વરી સોસાયટીમાં રહેતાં અને ભગવતીપરાની સ્‍કૂલમાં પ્રિન્‍સીપાલ તરીકે ફરજ બજાવતાં કડવા પટેલ હરેશભાઇ શંકરભાઇ મોરડીયા (ઉ.૫૦) અને તેના પત્‍નિ રમિલાબેન (ઉ.૪૫)એ પોતાનો એકનો એક દિકરો જુગલકિશોર (ઉ.૨૫) જુદા-જુદા લોકો પાસેથી વ્‍યાજે નાણા લઇ ભાગી ગયો હોઇ પાછળથી વ્‍યાજખોરો આ પતિ-પત્‍નિને હેરાન કરતાં હોવાથી ઝેર પી સજોડે આપઘાત કર્યો હતો. માતા-પિતાની અંતિમવિધીમાં પણ વ્‍યાજખોરોના ડરને કારણે નહિ આવેલા પુત્ર જુગલકિશોરનું ગત રાત્રે મેટોડા પાસે વાહન અકસ્‍માતમાં મોત નિપજ્‍યું છે. પાંચ માસથી એકના એક ભાઇનું મોઢુ જોવા તડપતી બહેનને આજે ભાઇનો નિષ્‍પ્રાણ દેહ જોવા મળતાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મેટોડા જીઆઇડીસીના ગેઇટ નં. ૩ નજીક રાત્રીના સ્‍વીફટ કાર નં. જીજે૩ઇએલ-૭૪૯૯ના ચાલકે હોન્‍ડા નં. જીજે૩ઇઇ-૫૧૫૧ને ઠોકરે લેતાં ચાલક બાલાજી હોલ પાસે મિત્ર સાથે રૂમ રાખીને રહેતાં ચેતન કાંતિભાઇ ચોટલીયા (કડીયા) (ઉ.૨૮) અને પાછળ બેઠેલા હેમુ ગઢવી હોલ પાછળ ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં રહેતાં જુગલકિશોર હરેશભાઇ મોરડીયા (કડવા પટેલ) (ઉ.૨૫)ને ગંભીર ઇજાઓ થતાં એક રાહદારીએ બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલે ખસેડયા હતાં. પરંતુ અહિ જુગલકિશોરનો મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કર્યુ હતું.

હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્‍નોતર અને ધીરેનભાઇ ગઢવીએ લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃતક પાસેથી મળેલા ફોન નંબરને આધારે તપાસ થતાં તેણીના સરધાર રહેતાં બહેન રિધ્‍ધીબેન પ્રિન્‍સભાઇ અઘેરા, બનેવી સહિતના લોકો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં.

વધુ માહિતી મુજબ ચેતન અને મિત્ર જુગલકિશોર હોન્‍ડામાં બેસી મેટોડા ભજીયા ખાવા-નાસ્‍તો કરવા જઇ રહ્યા હતાં ત્‍યારે સ્‍વીફટ કારની ઠોકરે ચડી ગયા હતાં. ચેતનના માતા-પિતા હયાત નથી, તે મિત્ર સાથે રૂમ રાખીને રહે છે અને છૂટક કામ કરે છે. તેના ભાઇને જાણ થતાં તે હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં.

જ્‍યારે મૃત્‍યુ પામનાર જુગલકિશોર મોરડીયા એક બહેનથી મોટો હતો. તેણે લવમેરેજ કર્યા હતાં પરંતુ પત્‍નિ છોડીને જતી રહી હતી. જુગલકિશોરે જુદા-જુદા લોકો પાસેથી લાખો રૂપિયા વ્‍યાજે લીધા હતાં અને બાદમાં તે ગામ છોડીને ભાગી ગયો હતો. આ કારણે વ્‍યાજખોરો તેની ઘરે જઇ તેના પિતા હરેશભાઇ અને માતા રસિલાબેનને સતત હેરાન કરી પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતાં હોઇ આ બંને પતિ-પત્‍નિએ ૧૧-૧૨-૧૭ના રોજ સજોડે ઝેર પી જિંદગી ટૂંકાવી લીધી હતી.

માતા-પિતાની આત્‍મહત્‍યા બાદ જુગલકિશોર અંતિમવિધીમાં પણ આવ્‍યો નહોતો. તેમજ તેની એકની એક નાની બહેન રિધ્‍ધીને પણ મળ્‍યો નહોતો. ત્‍યારથી ભાઇનું મોઢુ જોવા તરસતી બહેનને આજે જ્‍યારે ભાઇ જુગલકિશોર મળ્‍યો ત્‍યારે તે મૃતદેહ સ્‍વરૂપે હતો. ભક્‍તિનગર પોલીસે જે તે વખતે રિધ્‍ધીબેનની ફરિયાદ પરથી વિજયસિંહ પઢીયાર, આકાશ ભાવેશભાઇ, આકાશના મામા, નરેન્‍દ્રસિંહ, હાર્દિક પરષોત્તમ ભટ્ટી, તેના સાગ્રીતો, અનવર રજાકભાઇ માકડીયા, શિતલ સ્‍ટુડિયોવાળા તેમજ જુગલની પત્‍નિ, તેનો ભાઇ કિશન અને મળતીયાઓ સામે આઇપીસી ૩૦૬, ૩૮૬, ૧૧૪, મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો હતો. વ્‍યાજખોરીમાં ફસાયેલા ભાઇના કારણે માતા-પિતા ગુમાવનાર બહેને હવે અકસ્‍માતમાં એકનો એક ભાઇ પણ ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃતકના ચક્ષનું દાન કરાયું

મૃતક જુગલકિશોરના ચક્ષુનું તેના બહેન-બનેવીએ દાન કરી સ્‍તુત્‍ય પગલુ ભર્યુ છે.

 

(10:56 am IST)