Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સાગરનગરમાં સુનિલભાઇ પાનવાળા પર ૮ શખ્સોનો તલવાર-ધોકા-પાઇપથી હુમલો

મારા બાપુજી વિરૂધ્ધ કેમ અરજી કરી? કહી કુલદિપ અને સાથેના શખ્સોએ ધમાલ મચાવીઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૯: સાગરનગરમાં રહેતાં પાનના ધંધાર્થીને પાન મસાલાના બાકી નીકળતાં પૈસા બાબતે થયેલા મનદુઃખમાં સાત આઠ શખ્સોએ આવી તલવાર-ધોકા-પાઇપથી તૂટી પડતાં ઇજા થઇ હતી. તે કેમ મારા બાપુજી વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી? તેમ કહી ધમાલ મચાવાઇ હતી.

આજીડેમ પોલીસે આ બનાવમાં સાગરનગર-૪ ખટારા સ્ટેન્ડ સામે રહેતાં સુનિલભાઇ હસમુખભાઇ સોલંકી (ઉ.વ.૪૫) નામના પાનના ધંધાર્થીની ફરિયાદ પરથી કુલદીપ ભગુભાઇ ધાધલ, ઉદય, વિજય અને પાંચ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

સુનિલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘર પાસે જ પ્રિન્સ પાન નામે દૂકાન ધરાવું છું. મારી દૂકાને બેઠો હતો ત્યારે અલ્ટો કાર જીજે૧૩એએમ-૯૮૫૫માં કુલદિપ, તેના બનેવી ઉદય અને તેના માસીનો દિકરો વિજય આવ્યા હતાં. કુલદિપ હાથમાં તલવાર સાથે, ઉદય પાઇપ સાથે અને વિજય લાકડી સાથે નીચે ઉતરી મારી પાસે આવ્યા હતાં. આ વખતે બીજી એક સ્વીફટ પણ આવી હતી. તેમાંથી પાંચ અજાણ્યા શખ્સો ઉતર્યા હતાં. આ બધાના હાથમાં ધોકા-લાકડી હતાં.

કુલદિપે મારી પાસે આવી 'તે કેમ મારા બાપુજી વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી છે?' કહી ગાળો દીધી હતી અને માથામાં તલવારનો ઘા મારી દીધો હતો. બીજો ઘા મારવા જતાં મેં હાથેથી પકડી લેતાં લોહી નીકળવા માંડ્યા હતાં. માથામાંથી પણ લોહી નીકળતા હતાં. ત્યાં ઉદય અને વિજયએ પાઇપ-લાકડીથી હુમલો કર્યો હતો. બીજા શખ્સોએ પણ માર માર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં બધા શખ્સો ભાગી ગયા હતાં. મને મારા કાકાના દિકરાએ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સુનિલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે કુલદિપના પિતાજી સાથે મારે અગાઉ પાન મસાલાના બાકી પૈસા બાબતે બોલાચાલી થઇ હતી. તે બાબતનું મનદુઃખ હોઇ જેથી હુમલો કરાયો હતો. પીએસઆઇ એમ. ડી. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)