Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

લોહાણા જ્ઞાતિશ્રેષ્ઠી નવીનચંદ્રભાઇ રવાણીને અંજલી અર્પવા રાજકોટ લોહાણા મહાજન દ્વારા કાલે વર્ચ્યુઅલ શ્રધ્ધાંજલી સભા

આજે વહેલી સવારે ૩ વાગ્યે અમદાવાદ ખાતે હૃદયરોગના તીવ્ર હુમલાએ ગુજરાત કોંગ્રેસના કદાવર નેતાનો ભોગ લીધો

રાજકોટ તા. ર૯ :.. સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના ભીષ્મ પિતામહ સમાન જ્ઞાતિશ્રેષ્ઠી, અમરેલી જીલ્લાના પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ રાજયમંત્રી શ્રી નવીનચંદ્રભાઇ રવાણીનું આજરોજ વહેલી સવારે ૩ વાગ્યે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થની ફેફસામાં ઇન્ફેકશનની સારવારમાં તથા કીડની ડાયાલીસીસની સારવાર દરમ્યાન ખૂબ સારી તબીયત થઇ ગઇ હતી અને તેઓને એક - બે દિવસમાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ પણ આપવાના હતાં. પરંતુ અચાનક આવેલા હૃદયરોગના તીવ્ર હુમલાએ આજે વહેલી સવારે ૯ર વર્ષની વયે કોંગ્રેસના કદાવર નેતાનો ભોગ લીધો હતો.

સ્વ. નવીનચંદ્રભાઇના દુઃખદ અવસાનથી ગુજરાત કોંગ્રેસને તથા સમગ્ર વિશ્વના લોહાણા સમાજને કદી ન પુરાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી અર્પવા વિશ્વનું સૌથી મોટું ગણાતા રાજકોટ લોહાણા મહાજને આવતીકાલે સાંજે પ વાગ્યે મહાજન કારોબારીના તમામ સભ્યો માટે વર્ચ્યુઅલ શ્રધ્ધાંજલી સભાનું આયોજન અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાના અધ્યક્ષસ્થાને કરેલ છે.સ્વ. નવીનચંદ્રભાઇ રવાણીએ માત્ર ૧૯ વર્ષની ઉંમરે કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકીર્દી શરૂ કરી હતી. તેઓના નેતૃત્વનો લાભ સમગ્ર અમરેલી પંથકને મળ્યો હતો. અને તેઓ માત્ર રર વર્ષની ઉંમરે સાવરકુંડલાની નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સ્વ. નવીનચંદ્રભાઇની યશસ્વી કામગીરીને કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને ધારાસભાની ટીકીટ આપવામાં આવી અને નવીનચંદ્રભાઇ સાવરકુંડલા તેમજ રાજુલાના ધારાસભ્ય તરીકે પ્રચંડ બહુમતીથી ચૂંટાયા હતાં. ત્યારબાદ તેઓએ રાજયમંત્રી તરીકે પણ મહત્વની જવાબદારી નિભાવી હતી. અમરેલી જીલ્લાના સાંસદ તરીકે પણ તેઓ બે વખત ચૂંટાયા હતાં. અને લોહાણા સમાજ સહિત તમામ સમાજો માટે ઉત્કૃષ્ટ સમાજ સેવા કરીને દાખલો બેસાડયો હતો. સ્વ. નવીનચંદ્રભાઇ રવાણીની દુઃખદ વિદાયથી કોંગ્રેસમાં રાજકીય ક્ષેત્રે તથા લોહાણા સમાજમાં એક જાતનો ખાલીપો સર્જાઇ ગયો છે.

(3:45 pm IST)