Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

બોદર ટ્રસ્ટ દ્વારા ઓકસીજનના બાટલાનું વિતરણ, કોરોના નિવારણ માટે રસી અનિવાર્યઃ ભુપત બોદર

શ્રીમતી દુધીબેન જસમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી ઓકસીજનના ૮૦ બાટલાના વિતરણનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની હાજરીમાં યોજાયેલ તે પ્રસંગની તસ્વીર. (૪.૧૫)

રાજકોટ, તા., ૨૯: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તથા શ્રીમતી દુધીબેન જસમતભાઇ બોદર ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં ઓકસીજનના ૮૦ બાટલાનો વિતરણ કાર્યક્રમ ગઢકામાં યોજાયેલ જેમાં ટ્રસ્ટ સંચાલક અને પંચાયત પ્રમુખ ભુપત બોદરે કોરોનાને કાબુમાં સેવા માટે રસીકરણને અનિવાર્ય ગણાવ્યું હતું. પોતાના ત્રંબા મતક્ષેત્રમાં તા.૧ થી ૧૦ સુધીમાં રસીકરણ કરાવનારને પોતાના કાળીપાટ ખાતેના પેટ્રોલ પંપ પર લીટરે રૂપીયો વળતર આપવાની તેમણે જાહેરાત કરી છે. તેઓ પ્રમુખ બન્યા પછી આરોગ્યલક્ષી કેમ્પ સહીત વિવિધ પગલાઓ શરૂ કરાવ્યા છે.

ભુપત બોદરે પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટ ૪.૧૬ કરોડ સભ્યોના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે વાપરવાની જોગવાઇ કરાઇ છે. તેઓ સરકારી ગાડીના બદલે પોતાની ગાડીમાં પ્રવાસ કરે છે. વહીવટી ગતીશીલતા વધારવા પણ પ્રયાસો હાથ ધર્યા છે.

કેમ્પનો પ્રારંભ પ્રદેશ ભાજપના ડો.ભરતભાઇ બોઘરાના હસ્તે કરવામાં આવેલ. આ તકે ભુપતભાઇ બોદર, નરેન્દ્રસિંહ જાડેજા, કેયુરભાઇ ઢોલરીયા, શૈલેષભાઇ ગઢીયા, ગંગાબેન બથવાર, ભરતભાઇ મકવાણા, અશોકભાઇ કલોલા, રઘુભાઇ મુંધવા, વિનુભાઇ અસોદારીયા, શાંતુભાઇ ખાચર, ગોવિંદભાઇ કીહલા, બાબુભાઇ મોળીયા, છગનભાઇ મેર, ભુપતભાઇ મકવાણા, વિશાલભાઇ મકવાણા, રવજીભાઇ કિયાળા, કાનજીભાઇ કુમારખાનીયા, રઘુભાઇ કોરત, નિર્મલભાઇ બકુત્રા તેમજ તમામ ગામના સરંપચ  ઉપસ્થિત રહયા હતા.

(3:11 pm IST)