Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રાજકોટ જિલ્લામાં તળાવ ઉંડા ઉતારવાના ૪૨ કામો કરાશે

રાજકોટ તા.૨૯ : ચોમાસા પૂર્વે જળ સંગ્રહનો વ્યાપ વધારવા લોકભાગીદારીથી જળ સંચયના કાર્યો કરવા માટેનું રાજય વ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન તા.૩૧-૫-૨૧ સુધી ચાલનાર છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ અભિયાન અન્વયે જળસંચયના વિવિધ કામોનો પ્રારંભ થઇ ગયો છે.

રાજકોટ જિલ્લામાં કુલ ૪૨ કામો તળાવ ઉંડા ઉતારવાના થનારા છે. જેમાં ૯ કામોનો પ્રારંભ થઇ ચૂકયો છે. જેમાં ૯૫૯ મજૂરોને મનેરેગા યોજના હેઠળ રોજગારી મળી રહી છે. આ કાર્યમાં સરકારી તંત્ર ઉપરાંત લોકભાગીદારી, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, એ.પી.એમ.સી.નો પણ સહકાર મળી રહયો છે..

તળાવ ઉંડા ઉતારવાના કામો ધોરાજી તાલુકાના ભોલગામડા અને છત્રાસા ગામે,ગોંડલ તાલુકાના મેસપર,બેટાવડ અને હડમડિયા ગામે જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે,જસદણ તાલુકાના બાખલવડ ગામે તેમજ વિછિંયા તાલુકાના ભોયરા ગામે ચાલી રહયા છે.

(3:06 pm IST)