Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કેન્સર કોવીડમાં પુરવઠા ઇન્સ્પેકટરો દ્વારા રાઉન્ડ ધ કલોક ડયુટી ર૪ કલાક મોનીટરીંગઃ રર૦ દર્દીઓને સારવાર-વિડીયોકોલીંગ

૧૦૦ કિલો મોસંબીનો જયુસ કાઢવા મોટા મોટા જયુસર મશીનો ઘરેથી લાવી જાત મહેનત ઝીંદાબાદ : DSO પુજા બાવડા ૧૮ કલાક હાજરઃ દર્દીઓને સ્ટાફ દ્વારા જમાડવાનો સેવા યજ્ઞ

રાજકોટ તા. ર૯ :.. સીવીલ હોસ્પીટલમાં જેમની સ્થિતિ સારી બને તેમને કેન્સર કોવીડ સેન્ટર અને સમરસ હોસ્ટેલ ખાતે દાખલ કરાય છે, અને આ બંને સ્થળે મહેસૂલી સ્ટાફ દ્વારા જબરો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, ડોકટરો સાથે અધિકારીઓ - નાયબ મામલતદારો-તલાટીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે, કેન્સર કોવીડ સેન્ટર ખાતે કલેકટરશ્રી રેમ્યા મોહને પુરવઠાને જવાબદારી સોંપી છે, અને છેલ્લા ૧ મહિનાથી ડીએસપો શ્રી પુજા બાવડા અને તેમની ટીમ - ઇન્સ્પેકટરો રાઉન્ડ ધ કલોક ડયુટી-ર૪ કલાક મોનીટરીંગ કરી રહ્યા છે, રર૦ દર્દીઓને સારવાર અને ફોન તથા વિડીયો કોલીંગની સુવિધા અપાઇ રહી છે, અરે ઘણા દર્દીઓ પોતાના હાથે જમી શકતા ન હોય તેઓને સ્ટાફ દ્વારા પીપીઇ કીટ પહેરી દર્દીઓને જમાડવાનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.

ગઇકાલે ૧ર-૧ર કિલોના ૧૦૦ કોથળા ભરી એક સેવાભાવી કાર્યકર મોસંબી આપી ગયા હતા, દર્દીઓ પોતાના હાથે મોસંબી ખાઇ શકે તેમ ન હોય પુરવઠા  ઇન્સ્પેકટરો જાતે સમારવા બેસી ગયા, ઘરેથી મોટા જયુસર લઇ આવ્યા, રપ૦ થી ૩૦૦ નાની બોટલ સીધી અને જયુસ ભરી દરેક દર્દીઓને પીવડાવ્યો.

કોરોના દર્દીઓ માટે ખુશીને લહેરખી સાબિત થતુ 'સૌરાષ્ટ્ર કેન્સર કેર' માં કોવિડ હેલ્થ કેર યુનિટમાં કલેકટરશ્રી, રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પૂજા બાવડાના નેતૃત્વ હેઠળ નાયબ મામલતદાર શ્રી હરસુખ પરસાણીયા, શ્રી કિરીટસિંહ ઝાલા, શ્રી એ. ડી. મોરી, શ્રી એસ. આર. ગીણોયા, શ્રી એસ. એચ. હાસલીયા, શ્રી એમ. વી. ડઢાણીયા તથા તલાટી સ્ટાફ દ્વારા સતત ર૪ કલાક મોનીટરીંગ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર કેન્સર કેર કોવિડ હેલ્થ કેર યુનિટમાં હાલે ર૦૦ ઓકસીજન બેડ તથા ર૦ વેન્ટીલેટર બેડ મળી કુલ રર૦ જેટલા બેડમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પીટલમાં સીવીલ હોસ્પીટલ, રાજકોટ ખાતેથી દર્દીઓને દાખલ કરવામાં આવે છે.

અહીં દાખલ થતા તમામ દર્દીઓના પ્રશ્નોના તુરંત નિકાલ કરવામાં આવે છે. જે દર્દીઓ પાસે મોબાઇલ ન હોય તેમના સગા - સંબંધી સાથે વાત કરવા માટે કંટ્રોલ રૂમ મારફત દર્દી સાથે વાત કરાવી ખબર અંતર પૂછવામાં આવે છે. જે દર્દીઓને ભોજન લેવામાં તકલીફ છે તેને હોસ્પીટલના સ્ટાફ મારફત જમાડવામાં આવે છે. ડો. અંજના ત્રિવેદી, ડો. ઇલ્યાસ જુણેજા તથા મેડીકલ સ્ટાફ દ્વારા હોસ્પીટલમાં દાખલ દર્દીઓ પર સતત દેખરેખ રાખવામાં આવે છે તેમજ ડો. કોમલ જોશી કોરોના વાયરસના દર્દીઓને વિવિધ પ્રકારના વ્યાયામ તથા કસરત કરાવવામાં આવે છે. હોસ્પીટલમાં ઓકસીજનનો જથ્થો પુરતો જળવાઇ રહે તથા દર્દીઓ સુધી અવિરત પહોંચે તે માટે નાયબ મામલતદારો દ્વારા સતત કાર્યરત રહે છે.

(3:03 pm IST)