Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રાજકોટમાં રાહત

છેલ્લા ૧૦ દિ'માં સિવિલની ઓપીડીમાં ૨૮ ટકાનો ઘટાડો

જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા લેવાયેલ જનજાગૃતિની હકારાત્મક અસર : ૧૮મીએ ૭૧૧ કેસ હતા જે ૨૭મી એ ઘટીને ૫૧૨ થયા : ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓ ૪૧ ટકા ઘટયા : એન.આર.બી.એમ. દર્દીઓ ૧૧ ટકા ઘટયા : જીલ્લા કલેકટર રેમ્યા મોહને શહેર - જિલ્લાની કોરોના સ્થિતિની સમીક્ષા જાહેર કરી

રાજકોટ તા. ૨૯ : શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે કલેકટર રેમ્યા મોહને કરેલી સમીક્ષા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોના દર્દીઓમાં ૨૮ ટકા ઘટાડો નોંધાયો હોવાનું ખુલ્યું હતું.

આ અંગે કલેકટરશ્રીએ જાહેર કર્યા મુજબ રાજકોટ માટે કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં છેલ્લા એક અઠવાડિયાથી વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. આજે સવારે રાજકોટમાં સંક્રમણ ઘટવા તરફ જઇ રહ્યું હોય તેવા સંકેત સાથે દર્દીની સારવાર માટે રાહ જોતા વેઇટિંગ પરના વાહનોની કતારો જોવા મળી નહોતી. ચૌધરી હાઇસ્કુલ નું મેદાન ખાલી હતું. અને જૂજ વાહનોને લીધે લોકોને પણ ધરપત મળી હતી.

જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ સમગ્ર તંત્ર એ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા છેલ્લા એક અઠવાડિયાથી દિવસ-રાત લેવાયેલા પગલાં અને લોકજાગૃતિની અસરની સમીક્ષા કરી હતી.

રાજકોટ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ રાજકોટ શહેરના નાગરિકોને હજુ વધુ સાવધ રહેવા અને કોરોનાનુ સંક્રમણ ઘટવા તરફ સંકેત આપી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ જ રીતે કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અને અતિ આવશ્યક નીકળવાનુ થાય હોય તો ડબલ માસ્ક પહેરવા, વારંવાર હાથ સ્વચ્છ કરવા અને સોશિયલ ડીસ્ટન્સ રાખવા અપીલ કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને કોરોના સામે સાવધ રહેવા દવાઈ ભી કડાઈ ભી ના આપેલા સુત્રને સાર્થક કરવા અપીલ પણ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં એક અઠવાડિયા પહેલા જે સ્થિતિ હતી તે સ્થિતિ હળવી થઇ રહી છે તેની આંકડાકીય વિગતો પણ મળી રહી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા દસ દિવસમાં તબક્કાવાર ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત તા. ૧૮ એપ્રિલ ના ૭૧૧ કેસ નોંધાયા હતા જે તા. ૨૭ એપ્રિલના ઘટીને ૫૧૨ થયા હતાં. જે લગભગ ૨૮ ટકાનો જેટલો ઘટાડો ૧૦ દિવસ દરમ્યાન નોંધાયો છે. આ દિવસો દરમ્યાન ગંભીર દર્દીઓની ટકાવારીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓકસીઝન માસ્ક સાથે આવતા દર્દીઓમાં ૪૧ ટકા જેટલો ઘટાડો તેમજ એન.આર.બી.એમ. દર્દીઓમાં ૧૧ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતી ૧૦૪ની સેવામાં તા.૧૧/૦૪/૨૧ ની સ્થિતિ એ ૧૩૮૨ કોલ ની સરખામણી એ તા. ૨૮/૦૪/૨૧ ની સ્થિતિ એ ઘટીને માત્ર ૫૩૪ કોલ નોંધાયેલ છે તથા પોઝિટિવ રેટ તા .૨૨/૦૪/૨૧ની સરખામણીમાં ૨૮/૦૪/૨૧ ની સ્થિતિ એ ઘટી ને અડધો થયેલ છે. તેમજ તા. ૨૨/૦૪/૨૧ ની સ્થિતિ એ ટેસ્ટિંગ બૂથ માં ૧૦૯૧ લોકો ટેસ્ટ કરાવવા આવેલ હતા જેની સરખામણી એ ઘટી ને તા.૨૮/૦૪/૨૧ના રોજ લોકો ટેસ્ટ કરાવવા આવેલ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના વધેલા દર્દીઓને સારવાર આપી શકાય તે માટે યુદ્ઘના ધોરણે કામગીરી થઇ છે અને તબીબો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને ખાનગી તબીબીસંસ્થાઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સાથે મળીને કામ થતાં હાલ હવે હકારાત્મક પરિણામોની શરૂઆત થઈ છે. આ જ રીતે આગળ જતાં પણ લોકોની જાગૃતિ સાથે અને તંત્ર અને સંસ્થાઓના સંયુકત પ્રયાસોથી સારા પરિણામો મળશે તેવી આશા ને બળ મળી રહ્યું છે.

(3:03 pm IST)