Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રાજકોટમાં રેમડેસિવિર ખલાસઃ લોકો 'ભગવાન ભરોસે': ભારે દેકારો

દર્દીઓની લાઈનો ઘટી-ઓકસીજનનું થાળે પડયું ત્યાં ઈન્જેકશને દુઃખાવો ઉભો કરી દીધોઃ ડેપો ખાતે કલાકોથી લોકો ઉભા છે.. : આજનો સ્ટોક જ નથી આવ્યોઃ કલેકટર કહે છે.. ઈન્જેકશન રસ્તામાં છે બપોર પછી આવી જશેઃ રોજ આવે છે તે સ્ટોક આવશે

રાજકોટ, તા. ૨૯ :. કલેકટર, મ્યુ. કમિશ્નર અને જીલ્લા પંચાયતનું તંત્ર કોરોના સામે લડી રહ્યા છે, તંત્રે અથાગ મહેનત કરી પરિણામે આજથી કોરોના દર્દીઓની લાઈનો ઘટી છે. ઓકસીજનનું પણ તંત્રે થાળે પાડયું ત્યાં ઈન્જેકશને ઉપાડો લેતા અને દુઃખાવો ઉભો કરી અધિકારીઓને દોડધામ થઈ પડી છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે, સંપૂર્ણ ખલાસ થઈ જતા લોકો ભગવાન ભરોસે આવી ગયા છે. ઈન્જેકશન માટે આજ સવારથી કુંડલીયા કોલેજ ખાતેના ડેપો ઉપર સેંકડો લોકોની લાઈનો લાગી હતી. કલાકો સુધી હજુ પણ બપોરે ૧ાા વાગ્યે ઈન્જેકશન માટે લોકો લાઈનોમાં ઉભા છે. દરવાજો બંધ કરી દેવાયો છે. પોલીસ મુકાઈ છે અને કોઈને અંદર જવા દેવાતા નથી. ગઈકાલે જેમના મંજુર થયા તેમને જ આજે અપાયા હતા. આજે નવા કોઈના મંજુર થયા નથી અને તેના પરિણામે લોકો લાચાર બની ગયા છે.

દરમિયાન આ બાબતે આજે કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવ્યુ હતુ કે ઈન્જેકશનનો સ્ટોક નથી, રાજકોટ આવવા રવાના કરાયો છે, રસ્તામાં છે, બપોર બાદ આવી જશે અને દરરોજ આવે છે તે પ્રમાણે સ્ટોક આવી રહ્યો છે. જેમનું મંજુર કરાયુ હશે તેમને ઈન્જેકશન આપી દેવાશે, લોકો ધીરજ રાખે.

(3:02 pm IST)