Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સમરસ કોવિડ કેરમાં સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની ફરજમાં રૂકાવટઃ પત્રકાર તરીકે ઓળખ આપનાર હાર્દિક પકડાયો

વિજ્યાબેન નામના વૃધ્ધાને ડિસ્ચાર્જ આપવાનો હોઇ તેમના સગાને ફોન કરી બોલાવાતાં સગા અને તેની સાથે આવેલા શખ્સે અમારા માજી મળતા નહોતાં...કહી દેકારો મચાવ્યો, ગેરવર્તન કર્યુઃ યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૨૯: સમરસ હોસ્ટેલમાં દાખલ એક વૃધ્ધાને ડિસ્ચાર્જ આપવાનો હોઇ આ વૃધ્ધા બરાબર સાંભળી શકતા ન હોઇ સ્ટાફે તેમના સગાને ફોન કરી બોલાવતાં સગાએ આવી બૂમબરાડા કરી અમારા માજી કેટલાય દિવસથી મળતાં નહોતાં તેમ કહી માથાકુટ કરતાં અને તેની સાથે આવેલા શખ્સે 'હું પત્રકાર છું, તમને બતાવું?' કહી સ્ટાફ સાથે અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સાથે ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ બારામાં જામનગર રોડ સીએલએફ  ઓફિસર બંગલોમાં રહેતાં અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતાં ચરણસિંહ અમરસિંહ ગોહિલ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે મવડી વિશ્વનગર-૫ ચંદ્રેશનગર રોડ આરએમસી કવાર્ટર બી-૭/૨૦૬૨માં રહેતાં મુળ તાલાળા ગીરના હાર્દિક હરેશભાઇ પાઠક (ઉ.વ.૨૨) સામે આઇપીસી ૧૮૬, ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ચરણસિંહ ગોહિલે એફઆઇઆરમાં જણાવ્યું છે કે તા. ૨૮/૪ના હું સમરસ બોયઝ હોસ્ટેલ યુનિવર્સિટી રોડ ખાતે અધ્યક્ષ તરીકે કોવિડ કેર ખાતે ફરજ પર હતો. વિજ્યાબેન નામના દર્દીને સિવિલમાંથી સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તેમની કોઇ દેખભાળ રાખતું નથી કે તેમનો અતોપતો નથી એ મતલબની વાત  આવી હતી. પરંતુ તપાસ કરતાં વિજ્યાબેન નામના વૃધ્ધા સમરસમાં જ દાખલ હોવાનું અને ખુબ સારી સારવાર દેખભાળના અંતે તેમને ૨૮મીએ જ સારૂ થઇ જતાં ડિસ્ચાર્જ આપવાની કાર્યવાહી થઇ હતી.

પરંતુ આ માજી સરખી રીતે સાંભળી શકતાં ન હોઇ તેમના સગા સંબંધી બાબતે માહિતી આપી શકવા સક્ષમ ન હોઇ તેમના સગાનો મોબાઇલ નંબર શોધીને સંપર્ક કરતા અને સમરસ હોસ્ટેલ ખાતે આવવા જણાવતાં રાતે પોણા નવેક વાગ્યે વિજ્યાબેનના સગા જગદીશભાઇ ઘેલાભાઇ સાતોલા અને હાર્દિક પાઠક નામના લોકો આવ્યા હતાં.

આ સમયે જગદીશભાઇએ આવીને અમારા માજી કેટલાય સમયથી મળતાં નહોતાં તેવું બોલી બૂમબરાડા કર્યા હતાં. અમારા સ્ટાફે તેમને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ વખતે સાથેના શખ્સ હાર્દિક પાઠકે-હું પત્રકાર છું, તમને બતાવું? કહી  અમારા સ્ટાફને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને ગેરવર્તન કર્યુ હતું. મારી સાથે પણ તેણે ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કરી હતી અને કામગીરીમાં વિક્ષેપ કર્યો હતો.

યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ વી. એમ. ડોડીયા, સાજીદભાઇ ખિરાણીએ ગુનો નોંધી હાર્દિક પાઠકની ધરપકડ કરી છે. તેની પાસેથી એક ન્યુઝનું આઇકાર્ડ મળ્યું છે. આ કાર્ડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:55 pm IST)