Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

અપહરણ - બળાત્કારના ગુનાનો રાજકોટ જેલનો કાચો કેદી લખન કમેજડીયા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર

પરમ દિવસે સારવાર માટે જેલમાંથી ખસેડાતાં પ્રિઝન વોર્ડમાં રખાયો હતોઃ પ્ર.નગર પોલીસ મથકમાં જેલરે ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાંથી રાજકોટ જેલનો કાચા કામનો કેદી જાપ્તાના સ્ટાફની નજર ચુકવી ભાગી જતાં ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. છ વર્ષ પહેલા નોંધાયેલા અપહરણ-બળાત્કાર-પોકસોના કેસનો આ શખ્સ કાચા કામનો કેદી હતો.

આ અંગે મધ્યસ્થ જેલના ગ્રુપ-૨ જેલર કે. એસ. પટ્ટણીની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે કાચા કામના કેદી લક્ષમણ ઉર્ફ લખન વિક્રમભાઇ કમેજડીયા સામે આઇપીસી ૨૨૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જેલરે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી લક્ષમણ ઉર્ફ લખન વિક્રમભાઇ કમેજડીયા પ્ર.નગર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના ૨૩૩/૨૦૧૫ના રોજ આઇપીસી ૩૬૩,૩૬૬, ૩૭૬, પોકસો એકટના ગુનામાં તા. ૧/૦૪/૨૦૨૧થી રાજકોટ જેલમાં છે. ૨૭/૪ના રોજ તેની તબિયત બગડતાં રાતે જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય મુજબ તેને જેલ ગાર્ડ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલમાં તેને અંદરના દર્દી તરીકે ડોકટરે પ્રિઝન વોર્ડમાં દાખલ કરાવ્યો હતો. પ્રિઝન વોર્ડમાં જેલગાર્ડના હવાલદાર વિપુલભાઇ કલસરીયા, જેલસહાયક હિતેષ રાતડીયા, સાહિલ મંધરા ૨૮/૪ના સવારના ૯ સુધી બંદોબસ્તમાં હતાં. જાપ્તા અમલદાર વિપુલ કલસરીયાએ સાંજે પાંચ વાગ્યે જેલ ખાતે ટેલિફોનીક વર્દી લખાવી હતી કે કાચા કામનો કેદી લક્ષમણ ઉર્ફ લખન પ્રિઝન વોર્ડમાંથી સાંજે ચારેક વાગ્યા આસપાસ ભાગી ગયો છે. આ માહિતીને આધારે અમે ફરિયાદ નોંધાવી છે.

લખનને સાંજે નર્સ બાટલો ચડાવીને ગયા બાદ તે જાપ્તાની નજર ચુકવી નાસી ગયો હતો. હેડકોન્સ. વી. બી. રાજપુતે ગુનો દાખલ કરાવ્યો હતો. પીએસઆઇ કે. સી. રાણાએ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)