Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

દંપતિએ કોવિડ રિપોર્ટ કરાવ્યો, પત્નિને પોઝિટિવ આવ્યોઃ ડરી જઇ પતિએ આપઘાત કરી લીધો

હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટીમાં બનાવઃ પત્નિ-પુત્ર દવા લેવા ગયા બાદ ૫૫ વર્ષના હસમુખભાઇ ચાવડાએ ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૨૯: હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટી-૫માં રહેતાં કડીયા હસમુખભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૫૫)એ પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ બી. પી. સોલંકી અને પ્રવિણભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હસમુખભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. પોતે ત્રણ ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.

હસમુખભાઇ અને તેમના પત્નિ મધુબેનને મજા ન હોઇ ગઇકાલે બંનેએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પત્નિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી હસમુખભાઇના પત્નિ અને પુત્ર દવા લેવા માટે ગયા હતાં. પાછળથી હસમુખભાઇએ ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નિના કોવિડ રિપોર્ટથી ડરીને આ પગલુ ભર્યાની શકયતા પરિવારજનોએ જણાવી છે.

(11:44 am IST)