Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

હું જાનકી બોલુ છું, તમને મળવું છે...નેકનામના ખેડૂત નવ દિ'વાતો કર્યા બાદ હનીટ્રેપમાં ફસાયા

આજીડેમ પોલીસે ચુનારાવાડની જાનકી, અગાઉ હનીટ્રેપમાં સંડોવાયેલી ગીતા, બુટલેગર જીલુ, મિતાણાના ઉર્વેશ ગજેરા, માંડા ડુંગર પાસેના મંદિરની સંચાલીકા ગીતા અને તેના સગીરા દિકરા સામે ગુનો નોંધ્યો : ઉર્વેશે અગાઉ ખેડૂત પાસેથી ઇકો ગાડી ભાડે લીધી હોઇ તેના ફોન નંબર હતાં: પૈસાની ખેંચ દૂર કરવા ઉર્વેશે પરિચીત બે યુવતિઓ જાનકી અને ગીતા સાથે મળી ખેડૂતને ફસાવવાનો પ્લાન કર્યોઃ ખેડૂત ગઇકાલે રતનપર રામ મંદિરે આવ્યાઃ ત્યાંથી જાનકી હડાળાના પાટીયે રૂમમાં લઇ ગઇઃ બે મિનીટ બેઠા ત્યાં ગીતા અને ઉર્વેશ તથા પોલીસ બનીને આવ્યાઃ બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી દઇ માંડા ડુંગર પાસેની જગ્યાએ લઇ ગ્યાઃ ત્યાં જઇ અઢી લાખ માંગ્યાઃ ખેડૂતે બે-ત્રણ કલાક બહાર જવા દેવાય તો પૈસાનો મેળ થશે તેમ કહેતાં આધાર કાર્ડ લઇ જવા દેવાયા...તે સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા ને ટોળકી સકંજામાં આવી

રાજકોટ તા. ૨૯: હનીટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે. 'હેલ્લો હું જાનકી બોલુ છુ, રાજકોટમાં રહુ છું, તમને સારી રીતે ઓળખું છું, મારે તમને મળવું છે, ફ્રેન્ડશીપ કરવી છે'...ટંકારાના નેકનામના ખેડૂત સાથે સતત નવ દિવસ આ રીતે મીઠી મીઠી વાતો કરી તેમને ફસાવ્યા બાદ ગઇકાલે રાજકોટ મળવા બોલાવી હડાળાના પાટીયે રૂમમાં વાત કરવા લઇ જઇ બાદમાં સાગ્રીતોને બોલાવી  બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી અઢી લાખ પડાવવાનો કારસો ઘડનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. આજીડેમ પોલીસે બે યુવતિ, બે મહિલા અને એક યુવાન તથા એક સગીર સામે ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ કરી છે.

પોલીસે આ બનાવમાં ટંકારાના નેકનામ ગામે રહેતાં અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ મગનભાઇ દેત્રોજા  (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી રાજકોટ ચુનારાવાડની જાનકી કનકભાઇ કુંભાર, મિંતાણાના ઉર્વેશ ગજેરા, દારૂ અને નારકોટીકસના ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલી જીલુબેન, માંડા ડુંગરની ગોળાઇ પાસેઅ ાવેલા મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા ગીતાબેન તથા તેના સગીર પુત્ર સામે આઇપીસી ૩૮૭, ૧૨૦ (બી), ૪૧૯, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ  પુર્વયોજીત કાવત્રુ ઘડી પૈસા પડાવવાના ઇરાદે નિતીનભાઇ સાથે જાનકીએ ફોન પર દસેક દિવસ સુધી 'હું તમને ઓળખુ છું, તમને મળવું છે' એવી વાતો કરી છેલ્લે ગઇકાલે રાજકોટ મળવા બોલાવી રૂમમાં બેસાડી વાતો કરી ત્યાં બીજા શખ્સોએ પ્લાન મુજબ આવી જઇ પોલીસની ઓળખ આપી 'આ ખોટુ કહેવાય, ગુનો બને' કહી ધમકાવી બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી દઇ રૂ. અઢી લાખ કઢાવવા ગોંધી રાખી લાફા મારી બળજબરીથી આધાર કાર્ડ પડાવી લેવાનો ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી છે.

નિતીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી કામ કરી ગુજરાન ચલાવુ છુંઅનેસાથે ઇકો ગાડી પણ સ્પેશિયલ ભાડાથી કોઇને જોઇતી હોય તો આપુ છું.  સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. આશરે દસેક દિવસ પહેલા મારા ફોનમાં એક ફોન આવ્યો હતો. જે રિસીવ કરતાં ફોન કરનારે, 'મારું નામ જાનકી છે, હું રાજકોટથી બોલુ છું, હું તમને સારી રીતે ઓળખુ છું, અને મારે તમને મળવું છે' તેવી વાત કરતાં મેં તેને કહેલું કે-હું તમને ઓળખતો નથી, મારુ શું કામ છે? તેમ કહેતાં તેણે 'મારે એક વખત મળવું છે, અને આપણે બંનેને ફ્રેન્ડશીપ કરવી છે' તેમ કહેતાં મેં કહેલું કે-હું બાલ બચ્ચાવાળો માણસ છું, આ વસ્તુ મને ન શોભે.

આ પછી જાનકીએ સતત નવ દિવસ આવી વાતો કરી હતી. બુધવારે ૨૮મીએ બપોરે ફરીથી તેણે ફોન કર્યો હતો અને 'નિતીનભાઇ હું તમને ઓળખુ છું, મને એક વખત મળો મારે તમારું અંગત કામ છે' તેમ કહેતાં મને વિચાર આવેલો કે આ બહેન સતત ફોન કરે છે તો તેને એક વાર મળીને જાણી લઉ કે તેને શું કામ છે. આથી મેં તેને પુછેલુ કે તમે કયાં ભેગા થશો? જેથી તેણે રતનપર રામ મંદિર પાસે આવો ત્યાં ભેગા થશું તેમ કહેતાં હું મારું બાઇક લઇને આવ્યો હતો. મંદિર નજીક રિક્ષામાં એક બહેન બેઠી હતી. હું પહોંચતા જ એ આવી હતી અને પુછેલુ કે તમે જ નિતીનભાઇ છો ને? મેં હા પાડતાં તેણે હું જાનકી કુંભાર છું, હું જ તમને ફોન કરું છું, હું રાજકોટ ચુનારાવાડમાં રહુ છું. તેમ કહ્યું હતું.

મેં તેને શું કામ છે? તેમ કહેતાં તેણે અહિયા નજીકમાં મારા સગાનું ઘર છે ત્યાં જઇને વાત કરીએ. તેમ કહેલું અને મારા બાઇક પાછળ બેસી ગઇ હતી. એ પછી હડાળાના પાટીયા પાસે એક કમાને મને લઇ ગઇ હતી. ત્યાં રૂમમાં અમે બે-પાંચ મિનીટ માંડ બેઠા હતાં ત્યાં બીજી બે બહેનો અને એક ભાઇ આવી ગયેલ. જેમાં એક ભાઇ અને એક જાડા બહેન જેણે જીન્સ પહેર્યુ હતું આ બંનેએ 'અમે પોલીસમાં છીએ તમે આ જાનકી સાથે અહિ ખરાબ કામ કરવા માટે આવ્યા છો, પોલીસ સ્ટેશને લઇ જવાના છે' તેમ કહી મને ધમકાવેલ અને પોલીસ કેસમાં ફીટ કરી દેવાના છે તેમ કહ્યું હતું. મેં આજીજી કરી હતી પરંતુ મને ધમકાવીને મોટર સાઇકલમાં બવચ્ચે બેસાડીને ત્રણ સવારીમાં હડાળાના પાટીયેથી માંડા ડુંગર પાસેની ગોળાઇમાં આવેલા મોગલમાની જગ્યા જે આજી ડેમ કાંઠે છે ત્યાં લઇ ગયા હતાં.

આ જગ્યાએ બીજા એક જાડા બહેન હતાં. આ બધાએ મને એક રૂમમાં બેસાડ્યો હતો અને કહેલું કે તારે બળાત્કારના પોલીસ કેસમાં ફીટ ન થવું હોય તો રૂપિયા અઢી લાખ આપવા પડશે તેમ કહેતાં મેં કહેલું કે મારો કોઇ વાંક ગુનો નથી તો શેના પૈસા આપવાના? તો તેણે મારો મોબાઇલ પડાવી લીધો હતો. ખિસ્સામાંથી પાકીટ કાઢી આધાર કાર્ડ લઇ લીધું હતું. તેમજ જ્યાં સુધી તું પૈસા નહિ આપ ત્યાં સુધી તને અહિયાથી જવા દેવાનો નથી. તેમ કહી ધમકાવતાં મેં મારા મિત્ર ખોડુભાઇને ફોન કરી એક લાખની વ્યવસ્થા કરવા તથા બીજા મિત્ર વીરૂભાઇને એક લાખની અને ત્રીજા મનિષભાઇને ફોન કરી પચાસ હજારની વ્યવસ્થા કરવા કહેતાં આ ત્રણેયએ તાત્કાલીક વ્યવસ્થા ન થાય તેમ કહી દીધું હતું.

મેં આ વાત ચીત મારા મિત્રો સાથે કરી ત્યારે મારો ફોન સ્પીકર મોડમાં રાખીને બધા વાત સાંભળતા હતાં. આ લોકો અંદરો અંદર વાતચીત કરી એક બીજાના નામ બોલતાં હોઇ જેથી તેમાં એક ઉર્વેશ, એક ગીતાબેન, જીલુબેન, મંદિરવાળા ગીતાબેન હોવાની મને ખબર પડી હતી. જેણે પોલીસ તરીકે ઓળખ આપી હતી તેનું નામ ઉર્વેશ હતું. આ પછી મને ખબર પડી હતી કે આ ઉર્વેશ દોઢ મહિના પહેલા મારી ઇકો ગાડી ભાડેથી લઇ ગયો હતો અને મારે તેની પાસેથી રૂપિયા ત્રણ હજાર પણ લેવાના બાકી હતાં. મેં તેને ઓળખી લેતાં તેણે મને ગાળો દઇ બે ત્રણ જાપટ મારીલીધી હતી અને કહેલું કે આ લોકોને તારે પૈસા કરી જ દેવા પડશે નહિતર ફરિયાદ કરવાની થાય છે.

અંતે મેં તેઓને કહેલું કે મને બે-ત્રણ કલાક છુટો મુકો બહાર નીકળવા દો તો હું રાજકોટમાંથી જ પૈસાની વ્યવસ્થા કરીને આપી દઇશ. આ પછી એ લોકોએ મને જવા દીધો હતો. પરંતુ મારું આધાર કાર્ડ પડાવી લીધું હતું અને કહેલું કે જો પાછો નહિ આવ તો બળાત્કારના ગુનામં ફીટ કરાવી દઇશું. હું મોટર સાઇકલ લઇને આજીડેમ ચોકડીએ આવ્યોહ તો. મને કાવત્રુ ઘડી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી દઇ પૈસા પડાવવા મારકુટ કરી ધમકાવાયો હોઇ હું પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ કરી હતી.

નિતીનભાઇની ઉપરોકત વિતક સાંભળી પીઆઇ વી. જે. ચાવડા, જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ વૈશ્નાણીએ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ એમ. એમ. ઝાલા, કોૈશેન્દ્રસિંહ અને ટીમે તાકીદે આરોપીઓને દબોચી લેવા દોડધામ શરૂ કરી હનીટ્રેપમાં ખેડૂતને ફસાવનાર ટોળકીને સકંજામાં લઇ લીધી છે.

હાલમાં રૂપીયાની તંગી હોઇ મિતાણાના ઉર્વેશ ગજેરાએ રાજકોટની જાનકી અને ગીતા સાથે મળી પ્લાન ઘડ્યો હતો. ગીતા અગાઉ પણ એક હનીટ્રેપમાં પકડાઇ ચુકી છે. જ્યારે ઉર્વેશ બળાત્કારના ગુનામાં ટંૅકારામાં પકડાયો હતો. તે જાનકી અને ગીતાને ઓળખતો હોઇ જેથી તેનો સંપર્ક કર્યો હતો.

ઉર્વેશએ અગાઉ ફરિયાદી નિતીનભાઇ દેત્રોજા કે જે ખેતી કરવા સાથે ઇકો ગાડી પણ પ્રાઇવેટમાં ભાડે આપે છે તેની પાસેથી ગાડી ભાડે લીધી હતી. તે વખતના ૩ હજાર પણ ઉર્વેશે નિતીનભાઇને ચુકવવાના બાકી રાખ્યા હતાં. નિતીનભાઇના ફોન નંબર ઉર્વેશ પાસે હોઇ તેને ફસાવીને પૈસા પડાવી શકાશે તેવું લાગતાં જાનકી અને ગીતા સાથે મળી પ્લાન ઘડ્યો હતો. જે મુજબ દસેક દિવસથી જાનકી નિતીનભાઇને ફોન કરી વાતો કરતી હતી અને મળવા બોલાવતી હતી. અંતે ગઇકાલે નિતીનભાઇ મળવા આવ્યા હતાં અને ફસાયા હતાં. ટોળકીએ બીજા કોઇ ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ ધરપકડ બાદ થશે.

(12:53 pm IST)