Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જુનાગઢથી ખાલી ટ્રક લઇ અમદાવાદ જઇ સીમા હોટલે હોલ્ટ કર્યો, સવારે કાનમાં બુટીયા પહેરેલો શખ્સ આવ્યો ને ટ્રક દારૂથી ભરીને પાછો આપ્યો!

રાજકોટ એસીપી ક્રાઇમ ટીમે માર્કેટ યાર્ડ પાસેથી ૧૦.૪૬ લાખનો દારૂ ઝડપી લીધા બાદ ખુલેલી વિગતો : જુનાગઢનામુસ્તાક સીડા અને મુળ હરિયાણાના અમરજીત યાદવને પકડી લેવાયાઃ જુનાગઢના અમીન મટારીએ જથ્થો મંગાવ્યો હતો : એએસઆઇ આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાની બાતમીઃ એસીપી ડી. વી. બસીયાની ટીમને સફળતા

રાજકોટ તા. ૨૯: શહેરના એસીપી ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમી પરથી ગત સાંજે જુના માર્કેટ યાર્ડ સામેના રોડ પર પુલ ઉપરથી રૂ. ૧૦,૪૬,૪૦૦ના ૨૬૧૬ બોટલ દારૂ ભરેલા જીજે૨૩વી-૨૮૩૫ નંબરના ટ્રક સાથે જુનાગઢના સુખનાથ ચોક જેલ રોડ પર રહેતાં મુસ્તાક હસનભાઇ સીડા (ઉ.૪૦) તથા મુળ હરિયાણા પલહાવાસ રેવાડીના હાલ દોલતપરા જુનાગઢ અમીન મટારીના મકાનમાં રહેતાં અમરજીત કિશન યાદવ (ઉ.૨૯)ને પકડી લઇ દારૂ, પ લાખનો ટ્રક અને ૧ હજારના બે મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. બંનેની પુછતાછમાં આ દારૂ જુનાગઢના અમીન મટારીએ મંગાવ્યો હોવાનું અને અમદાવાદમાં સાણંદ ચોકડી નજીક હાઇવે પર આવેલી સીમા હોટેલ પાસેથી કાનમાં બુટીયા પહેરીને આવેલા શખ્સે આ જથ્થો ભરીને આપ્યાનું બહાર આવ્યું છે.

એએસઆઇ આર. કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ વિદેશી દારૂની પ્રવૃતિ બંધ કરવા સુચના આપી હોઇ એસીપી ડી. વી. બસીયા અને ટીમના એએસઆઇ આર. કે. જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. સુધીરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો જુનાગઢના અમીન મટારીએ મંગાવ્યો હતો. અમીન અગાઉ પાસા હેઠળ બરોડા જેલમાં હતો ત્યારે હરિયાણાના અમરજીત યાદવ સાથે ઓળખ થઇ હતી. જેલમાંથી છુટ્યા બાદ અમરજીત અમીન સાથે જુનાગઢ રહેવા આવી ગયો હતો. અમીને પરમ દિવસે સાંજે અમરજીત અને મુસ્તાકને જુનાગઢથી ખાલી ટ્રક લઇને અમદાવાદ હાઇવે પર સીમા હોટેલ ખાતે પહોંચી ત્યાં હોલ્ટ થઇ સુઇ જવા સુચના આપી હતી.

એ મુજબ બંને ત્યાં પહોંચ્યા હતાં. ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યે કાનમાં બુટીયા પહેરેલો રાજસ્થાની જેવો લાગતો શખ્સ મુસ્તાક અને અમરજીત પાસે આવ્યો હતો અને તેના હસ્તકનો ખાલી ટ્રક લઇને જતો રહ્યો હતો. એકાદ કલાક બાદ તે આ ટ્રક દારૂની પેટીઓથી ભરીને પાછો આપી ગયો હતો.

આ ટ્રક લઇ મુસ્તાક અને અમરજીત જુનાગઢ જવા નીકળ્યા હતાં ત્યારે બાતમી પરથી રાજકોટમાં એસીપી ક્રાઇમ ટીમે પકડી લીધા હતાં. અમીન ઝડપાયા બાદ તેણે અમદાવાદમાં કોના મારફત, કયાંથી જથ્થો ભરાવ્યો હતો તે વિગતો ખુલશે.

(11:01 am IST)