Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

જેના કારણે આજીડેમ પોલીસ મથકમાં ધમાસાણ મચી હતી તે દિવ્યેશે બબ્બે વખત બાળાનો દેહ પીંખ્યો'તો!

૧૨II વર્ષની બાળાને ચોટીલા લઇ ગયેલા બાવાજી યુવાન દિવ્યેશ ગોંડલીયાને બાળાના પિતા સહિતે બેફામ ધોકાવ્યો હોઇ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છેઃ આ ગુનાના આરોપીઓની ધરપકડ નહિ થયાની રજૂઆત માટે ગયેલા દિવ્યેશના પરિવારજનો, મહિલા કોર્પોરેટર સહિત ૩૭ જણાએ પોલીસ સાથે ૨૬મીએ ધમાલ મચાવતાં ગઇકાલે ગુનો દાખલ કરાયો : દિવ્યેશે ૨૩મીએ ચોટીલા લઇ જઇ શિવશકિત ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો'તોઃ એ પહેલા ૨૫ ડિસેમ્બરે મોડી રાત્રે રાજકોટમાં નવા બનતા એપાર્ટમેન્ટમાં લઇ જઇ કૂકર્મ આચર્યુ'તું: અપહરણ, બળાત્કાર અને પોકસો હેઠળ ગુનો

રાજકોટ તા. ૨૪: કોઠારીયા રણુજા મંદિર પાસે જયનગરમાં રહેતાં દિવ્યેશ તુલસીભાઇ ગોંડલીયા (ઉ.૧૯) નામના બાવાજી યુવાનને નજીકના વિસ્તારમાં રહેતી ૧૨II વર્ષની બાળા સાથે ફેસબૂક થકી ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટતાં આ બાળાને બાઇકમાં બેસાડી ચોટીલા દર્શન કરવા લઇ ગયો હતો. આ અંગે બાળાના પરિવારજનોને ખબર પડી જતાં ગત ૨૩મીએ સાંજે બાળાના પિતાએ તેને પોતાના કારખાને વાતચીત કરવા બોલાવ્યા બાદ બીજા ચાર જણા સાથે મળી ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી બેફામ માર મારતાં તે ગંભીરર હાલતમાં હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. આ યુવાનને મારકુટ કરનારા કોઇ સામે પોલીસે શા માટે પગલા નથી લીધા? તેની રજૂઆત કરવા તેના પરિવારજનો તેમજ વોર્ડ નં. ૧૮ના મહિલા કોર્પોરેટર સહિતના લોકો ૨૬મીએ આજીડેમ પોલીસ મથકે જતાં અને પોલીસ સાથે એલફેલ વર્તન કરી હુલ્લડ મચાવતાં આ મામલે ગતસાંજે ૩૭ જણા સામે ગુનો નોંધાયો છે. તો બીજી તરફ પથારીવશ દિવ્યેશે પણ ૧૨II વર્ષની બાળા સાથે ચોટીલા અને રાજકોટમાં બે વખત દૂષ્કર્મ આચર્યાનું ખુલતાં તેની સામે અપહરણ, બળાત્કાર, પોકસોની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.

દિવ્યેશ બાળાને ચોટીલા લઇ ગયાની જાણ તેના પરિવારજનોને થઇ જતાં તેને વાતચીત કરવા માટે માલધારી ફાટક પાસે  બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયા-૨માં આવેલા કારખાનામાં બોલાવી બેફામ માર મરાયો હતો. ત્યારથી એટલે કે ૨૩મીથી દિવ્યેશ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ અંગે નોંધાયેલા ગુનામાં આરોપી પકડાયા કે નહિ? શા માટે નથી પકડાયા? તે બાબતે રજૂઆત કરવા દિવ્યેશના પરિવારજનો તેમજ તેના વિસ્તારના વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર મેનાબેન જાદવ સહિતનું પચાસેક લોકોનું ટોળુ ૨૬મીએ સાંજે આજીડેમ પોલીસ મથકે પહોંચ્યું હતું.

રજૂઆત વખતે આ તમામે મંડળી રચી ઉશ્કેરણીજનક શબ્દો બોલી પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી અભદ્ર ભાષામાં પોલીસને ગાળો દઇ તેમજ કોન્સ. કલ્પેશભાઇનો શર્ટ પકડી નીચે પછાડી દઇ હુમલો કર્યો હતો. ટોળાને પોલીસે વિખેરાઇ જવા અને સુલેહ શાંતિ જાળવવા સુચના આપવા છતાં આ તમામે નહિ સમજી હુલ્લડ મચાવી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે રવિવારે સાંજે પીએસઆઇ આર. વી. કડછાની ફરિયાદ પરથી ૩૭ જણા સામે આઇપીસી ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૩૫૩, ૫૦૪, ૩૪ મુજબ ગુનો નોંધાયો છે.

જેની સામે ગુનો દાખલ થયો છે તેમાં અલ્પેશ ભુપતભાઇ ભાલુ, નિતીન દેવાભાઇ બુકત્રા, રમેશ દેવાભાઇ બકુત્રા, કાંતિભાઇ ચંદુભાઇ પાટીલ, રાજાભાઇ લક્ષમણભાઇ, પ્રવિણભાઇ મીઠાભાઇ જાદવ, દિપકભાઇ ભાનુભાઇ બારૈયા, મીઠાભાઇ સવશીભાઇ જાદવ, વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર મેનાબેન જાદવ, મેનાબેનના જેઠ શૈલેષભાઇ જાદવ, મેનાબેનના સાસુ ગંગાબેન મીઠાભાઇ જાદવ, ભરતભાઇ ચનાભાઇ કોળીા, વજા કણાભાઇ ભરવાડ, વલ્લભ પરમાર, બહાદુર ચોૈહાણ, અનિલ કુકડીયા, પરષોત્તમ પરાડીયા, લાખા મોરવાડીયા, સુભાષ દુકાનવાળા, બિપીન બાવાજી, અજય ગાબુ, ગોરધન ચોૈહાણ, મુન્નો ઉર્ફ નાગરાજ કોળી, મુકતાબેન ધીરૂભાઇ, રણજીત, વસંતબેન ચાવડા, રણછોડ ચાવડા, નાજા ચાવડા, ભરત નાજા ચાવડા, ચનાભાઇ, કલુબેન, વિનુભાઇ, બહાદુરસિંહ, માધાભાઇ ચોૈહાણ, મુન્નીબેન રાજુભાઇ, હંસાબેન, છગનભાઇ માતાજીના ભુવા અને અજાણ્યા શખ્સો સહિત પચાસના ટોણાનો સમાવેશ થાય છે.

બળાત્કારનો ગુનો

બીજી તરફ દિવ્યેશ તુલસીદાસ ગોંડલીયા (ઉ.૨૦) નામનો બાવાજી યુવાન કે જે બાળાના પિતા સહિતના લોકોના મારના કારણે હોસ્પિટલના બિછાને છે તેણે બાળાની લલચાવી ફોસલાવી તા. ૧૩/૪ના રોજ કોઠારીયા રોડનો એક ફલેટમાં લઇ જઇ બે વખત ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધાનું ખુલતાં બાળાના માતાની ફરિયાદ પરથી તેની સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (એન), ૩૭૬ (૩) તથા પોકસો એકટની કલમ ૬ મુજબ ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદીએ જણાવ્યું છે કે તેની મોટી દિકરી ૧૨ વર્ષ અને ૬ મહિનાની છે. ૧૩મીએ દિકરી સ્કૂલવેનમાં બેસી ભણવા ગઇ હતી. પરંતુ નિત્યક્રમ મુજબ બપોરે છુટીને સમયસર પાછી ન આવતાં દોઢ વાગ્યો તેણીએ પતિને જાણ કરી સ્કૂલમાં તપાસ કરતાં એ દિવસે તેણી સ્કૂલમાં આવી જ નહિ હોવાનું આચાર્ય તરફથી જણાવાયું હતું. ઘરનો મોબાઇલ ફોન ચેક કરતાં વ્હોટ્સએપમાં તેણીએ દિવ્યેશ ગોંડલીયા નામના છોકરા સાથે વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી સ્કૂલના સાહેબે દિવ્યેશના નંબર પર વાત કરતાં તેણે પોતે બાળાને ઘરે મુકી આવશે તેમ કહ્યું હતું. ત્યારબાદ સાંજે સાડા પાંચે બાળા ઘરે પહોંચી હતી. તેણીને પરિવારજનોએ પુછતાં કહ્યું હતું કે દિવ્યેશે લગ્ન કરી લઇશું તેવી વાતો કરી હતી અને ફરવા જવાનું કહી બાઇકમાં બેસાડી ચોટીલા લઇ ગયો હતો. ત્યાં શિવશકિત ગેસ્ટહાઉસમાં રૂમ નં. ૧૦૩માં રોકાયા હતાં અને મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. દિકરીની આ વાતથી પરિવારજનો ચોંકી ગયા હતાં. બાળાએ આગળ જણાવ્યું હતું કે બાદમાં ગેસ્ટ હાઉસથી નીકળી ચોટીલા દર્શન કર્યા હતાં અને છેલ્લે પોતાને હુડકો પાસેની શેરીમાં દિવ્યેશ ઉતારીને જતો રહ્યો હતો. આ ઉપરાંત ૨૫/૧૨ના રોજ પણ દિવ્યેશ તેણીને ઘરથી થોડે દૂર નવા બનતા એપાર્ટમેન્ટમાં રાત્રીના બારેક વાગ્યે નાસ્તો કરવાના બહાને લઇ ગયો હતો અને ત્યારે પણ શરીર સંબંધ બાંધ્યો હતો. આમ દિવ્યેશે ૧૨II વર્ષની બાળા સાથે ઇચ્છાવિરૂધ્ધ સંબંધ બાંધ્યા હોઇ ગુનો દાખલ કરાયો છે.

(3:42 pm IST)