Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

માસ્ક કાળાબજારીયાઓ પર કાર્યવાહી : જથ્થો જપ્ત કરાયો

ત્રણ મેડિકલ સ્ટોરમાંથી ૨૭૦૦ માસ્કનો જથ્થો જપ્ત : ૧૦૦ની કિંમતના માસ્ક ૪૦૦ના ઉંચા ભાવે વેચી લૂંટતા હોવાની ફરિયાદ મળતાં પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી

અમદાવાદ,તા.૨૯ : કોરોનાના કહેર વચ્ચે રાજકોટ શહેરમાં માસ્કનો કાળો કારોબાર ઝડપાયો છે. રાજકોટ જિલ્લાના કરણપરા, ભીલવાસ અને કાલાવડ રોડ પરના ત્રણ મેડિકલ સ્ટોરમાં સ્થાનિક પુરવઠા વિભાગે અચાનક ત્રાટકી ૨૭૦૦થી વધુ માસ્કનો જથ્થો જપ્ત કરી સ્ટોર માલિકો વિરૂધ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી હતી. માસ્કના કાળાબજારીયાઓ પર પુરવઠા વિભાગની કાર્યવાહીને પગલે કોરોનાના કપરા સમયમાં પૈસાની લાલચમાં લોકોને લૂંટતા આવા અન્ય કાળાબજારીયા તત્વોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ આજે કરણપરામાં આવેલ કેર એન્ડ કેર મેડિકલ, ભીલવાસમાં આવેલું શ્રીહરિ મેડિકલ અને કાલાવડ રોડ પર આવેલું હેલ્થકેર મેડિકલ સ્ટોર ખાતે રાજકોટના પુરવઠા વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા.

            પુરવઠા વિભાગે દરોડા દરમ્યાન ત્રણેય મેડિકલ સ્ટોરમાંથી લગભગ ૨૭૦૦ માસ્ક ઝડપાયા છે. આ માસ્ક ૧૦૦ રૂપિયાની કિંમતના હતા પરંતુ આ દુકાનદારો તે સામાન્ય જનતાને ૪૦૦ રૂપિયામાં વેચી લૂૂંટ ચલાવતા હતા. હાલ પુરવઠા વિભાગે જથ્થો સીલ કરી મેડિકલ સંચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પુરવઠા વિભાગની આ કાર્યવાહીને પગલે  રાજયના અન્ય કાળાબજારીયા તત્વોમાં પણ ભારે ફફડાટની લાગણી પ્રસરી ગઇ  હતી. રાજય સરકારની સૂચના મુજબ, પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજયના જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

(9:36 pm IST)