Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રાજકોટની હદ વધવા વિશે અનિશ્ચિતતા: ચૂંટણી હાલના સીમાંકન મુજબ જ ?

કોર્પોરેશનની સામાન્ય સભાએ ઠરાવ કરીને મોકલી દીધો છે, સરકારનું જાહેરનામુ હજુ બાકીઃ વસતી ગણતરીનો મુદ્દો ઉભો થયો : ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ પછી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી કોઇપણ નગર - મહાનગર કે પંચાયત વિસ્તારની હદમાં ફેરફાર ન થઇ શકે તેવી સ્થિતિ: ૧૦ માર્ચ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે

રાજકોટ, તા. ૨૯ :. શહેરની નજીકના માધાપર, મોટામવા, મનહરપર સહિત પાંચ ગામોને રાજકોટમા ભેળવી શહેરની હદ વધારવા માટે કોર્પોરેશનની સામાન્ય સભાએ ઠરાવ કરીને સરકારને મોકલી દીધો છે. નવા સીમાંકન માટે હાલના ૧૮ વોર્ડના બદલે ૨૦ જેટલા વોર્ડ અને ૮૦ જેટલી બેઠકો નક્કી કરતુ સરકારનું જાહેરનામુ ટૂંક સમયમાં આવી જવાની ધારણા વચ્ચે નવી વાત સામે આવી રહી છે. ૨૦૨૧ની વસ્તી ગણતરીનું કાર્ય ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યુ હોવાથી નવી સીમાંકન પ્રક્રિયાને બ્રેક લાગે તેવા સંજોગો સરકારી વર્તુળો દર્શાવી રહ્યા છે. રાજકોટ સહિત કોઈ નગર, મહાનગર કે પંચાયત વિસ્તારની હદમાં હમણા ફેરફાર નહી થાય તેવા વોટસએપ મેસેજ ફરતા થયા છે. આ મેસેજને સતાવાર વર્તુળો સમર્થન કે રદિયો આપતા નથી.

તા. ૩૧ ડીસેમ્બર ર૦૧૯ પછી ફેબ્રુઆરી ર૦ર૧ સુધી હદમાં ફેરફારની કામગીરી ન થઇ શકે તેમ વસતી ગણતરી તંત્ર તરફથી સરકારને જણાવાયું જાણવા મળે છે. જો આ બાબત આખરી રહે તો રાજયની રાજકોટ સહિત સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓમાં ચાલુ વર્ષના ઉતરાર્ધમાં હાલના સીમાંકન મુજબ જ ચૂંટણીઓ થશે. રાજય સરકારે આ બાબતે કેન્દ્ર સરકાર સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યાનું અને ૧૦ માર્ચ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જનાર હોવાનુ઼ જાણવા મળે છે. સીમાંકન બદલાય કે ન બદલાય તેની રાજકીય સમીકરણો પર નોંધપાત્ર અસર થશે.

(3:46 pm IST)