Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ટ્રાફિક પોલીસ, દૂર્ગા શકિત ટીમ, સાયબર સેલ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો

આર્મ યુનિટ દ્વારા અદ્યતન શસ્ત્રોનું પ્રદર્શનઃ ટ્રાફિક પોલીસ દ્વારા જીવલેણ અકસ્માતો નિવારવા 'હિટમેપ ડિઝીટલ એનાલિસિસ' શિર્ષક હેઠળ થયેલા અભ્યાસનું કાલે વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચનઃ સાયબર સેલ દ્વારા ઓનલાઇન ફ્રોડ અને વિવિધ વાયરસ માટે જાગૃતિ સેમિનારઃ દૂર્ગા શકિત ટીમ દ્વારા ૧૦૦૦ મહિલાઓના મોબાઇલમાં સુરક્ષિતા એપ ડાઉનલોડ કરાવાઇઃ જાતિય સતામણી અને ટેલિફોનિક રોમિયાઓની ખો ભુલાવી દેવા દૂર્ગા શકિત ટીમ સતત કાર્યરત

રાજકોટ તા. ૨૯: પોલીસ હેડકવાર્ટર ખાતે મા અંબાજીના ભવ્ય મંદિરની થઇ રહેલી પ્રાણપ્રતિષ્ઠા અંતર્ગત યોજાયેલા મહોત્સવની સાથોસાથ પોલીસના વિવિધ વિભાગો દ્વારા જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા મુલાકાતી વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપતી પત્રિકાઓ અને બૂકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્પીડગન, બ્રેથએનલાઇઝર અને આરટીઓ વેન અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે વિદ્યાર્થીઓ માટે કવીઝ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમનને લગતી પ્રશ્નોતરી દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. દૂર્ગા શકિત ટીમ દ્વારા મહિલા સશકિતકરણ અંતર્ગત ૧૦૦૦થી વધુ મહિલાઓના મોબાઇલમાં મહિલા સુરક્ષિતા એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. મહિલાઓને સ્વરક્ષણ માટે જાગૃત કરવામાં આવી હતી. ટેલિફોનીક રોમિયા અને રસ્તે જતી યુવતિઓ અને મહિલાઓને પજવતા નાલાયકોને ભોંભીતર કરી દેવા દૂર્ગાશકિત ટીમ સતત કાર્યરત રહે છે. ભોગ બનનાર મહિલાઓ આ ટીમનો કઇ રીતે સંપર્ક કરી રોમિયોથી છુટકારો મેળવી શકે તે અંગેની માહિતી અપાઇ હતી. આર્મ યુનિટ દ્વારા યોજાયેલા હથીયારોના પ્રદર્શનમાં એલએમજી મશીનગન્સ, ઇન્સાસ રાઇફલ, એસઆઇજી રાઇફલ, અમોધ કાર્બાઇન, એકે-૪૭, કાર્બાઇન મશીનગન, એમપી ફાઇવ-કે ગ્લોમ પિસ્તોલ, ૧૨ બોર પમ્પ એકશનગન, વેરી લાઇટ હેન્ડ પ્રોજેકટ પિસ્તોલ અને ગેસ ગનના પ્રદર્શન-નિર્દશન થકી લોકોને હથીયારો સંબંધી માહિતી અપાઇ હતી.

આ ઉપરાંત સાયબર સેલ દ્વારા પોલીસ તાલિમ ભવન ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે સાયબર ક્રાઇમ વિશે 'હેકસા કોન'ના મથાળે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં બેંગ્લોરથી ઉપસ્થિત રહેલા તજજ્ઞો દ્વારા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે થતી ઓનલાઇન છેતરપીંડી સહિતના સાયબર ગુનાઓ વિશે  અને અનએસિકલ હેકીંગ વિશે માહિતી અપાઇ હતી. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોના ચાલકને વિવિધ નિયમો ભંગ બદલ અપાતા ઇ-મેમોની ચુકવણી ઇલેકટ્રોનિક ડેટા કેપ્ચર મશીન (ઇડીસી) દ્વારા ડેબીટ-ક્રેડીટ કાર્ડ મારફત કઇ રીતે થઇ શકે તે અંગે માહિતીસભર વિગતો અપાઇ હતી.

૨૦૧૯ દરમિયાન થયેલા જીવલેણ અકસ્માતો આવતા દિવસોમાં કઇ રીતે ઘટી શકે તે અંગે તૈયાર થયેલા હિટમેપ ડિઝીટલ એનાલિસીસ હેડીંગ હેઠળ થયેલા રિસર્ચનું 'એકસીડેન્ટ રિસર્ચ સ્ટડી' નામનું બૂકલેટ આવતી કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચીત થશે. તે અંગે માહિતી અપાઇ હતી.

સગીર વયની દિકરી સાથે થયેલા દૂષ્કર્મ કેસમાં આરોપીની તાકીદે ધરપકડ કરનાર દૂર્ગા શકિત ટીમના એએસઆઇ મધુબેન તેજાભાઇનું સન્માન પણ કાલે થશે. અજાણ્યા શખ્સો દ્વારા મહિલાઓને થતી ટેલિફોનીક સતામણી અને જાતીય સતામણીઓના કિસ્સામાં દૂર્ગાશકિત ટીમનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી હતી.  આવતી કાલે યોજાનાર કાર્યક્રમમાં જાગૃત નાગરિક તરીકે ૨૫ લાખ ભરેલી બેગ તેના મુળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવનાર રાકેશ ડેડકીયા, કયારેય શાળાએ નહિ ગયેલા ૩ થી ૧૪ વર્ષના ૫૯ બાળકોને અભ્યાસ, રમત-ગમત અને સ્વચ્છતાના પાઠ ભણાવનાર મિનલબા ગોહિલ અને ધો-૧૦, ૧૨માં સારી ટકાવારી મેળવનારા ચંદ્રસિંહ મયુરસિંહ જાડેજા તથા બ્રિજપાલસિંહ રણજીતસિંહ જાડેજાનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. સાથોસાથ પોલીસ વેલફેર અંતર્ગત રસોઇ, બ્યુટીપાર્લર અને સિલાઇના તાલિમ વર્ગોમાં તામિલ લઇ રહેલી બહેનોને કિટ વિતરણ સહિતના કાર્યક્રમો આવતી કાલે યોજાશે. તે અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એડી. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ માહિતી આપી હતી.

(3:41 pm IST)