Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

આવતીકાલે રાજકોટના ઘંટેશ્વરમાં અદ્યતન નવા કોર્ટ બિલ્ડીંગનું ખાતમુહુર્ત યોજાશે

સુપ્રિમ કોર્ટના જજ એમ.આર. શાહ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભૂમિપૂજનઃ અંદાજીત ૧૧૮ કરોડના ખર્ચે પાંચ માળના વિશાળ બિલ્ડીંગો બનશેઃ રાજકોટને ગુજરાત સરકારની વધુ એક ભેટઃ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી અને બાર એસો.ની ટીમ તેમજ ડીસ્ટ્રીકટ જજ ગીતાબેન ગોપી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ધમધમાટ

રાજકોટઃ ઘંટેશ્વર ખાતે બનનાર અદ્યતન કોર્ટ બિલ્ડીંગના ભૂમિપૂજનના કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના કાનૂન મંત્રી પ્રદિપસિંહ જાડેજાને કાર્યક્રમનું આમંત્રણ આપી રહેલા રાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, કારોબારી સભ્ય અજય પીપળીયા, પંકજ દોંગા, રેવન્યુ બારના ધર્મેશ સખીયા, સરકારી વકીલ રક્ષિત કલોલા તસ્વીરોમાં દર્શાય છે (૨-૧૯)

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટની ભાગોળે ઘંટેશ્વર ખાતે સર્વે નં. ૧૫૦ની જગ્યામાં બનનાર નવી અદ્યતન કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન સુપ્રિમ કોર્ટના જજ એમ.આર. શાહ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ, લો-મીનીસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સવારના ૧૧ કલાકે યોજાયેલ છે.

આ નવુ કોર્ટ બિલ્ડીંગ ૧૧૮ કરોડના ખર્ચે ૧૪ એકર જગ્યામાં આકાર પામશે.

રાજકોટ ખાતે કાલે તા. ૧-૩-૨૦૨૦ના જામનગર રોડ પર થનાર નવા અદ્યતન કોર્ટ બિલ્ડીંગના ખાતમુહુર્તની રાજકોટ બાર એસોસીએશન દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહેલ છે.

આ તૈયારીના ભાગરૂપે વિવિધ મહાનુભાવોને આમંત્રણ પાઠવેલ છે. ગઈકાલ રાજકોટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી મેડમ, રાજકોટ બારના પ્રમુખ બકુલભાઈ રાજાણી તથા ટ્રેઝરર રક્ષિતભાઈ કલોલા તથા કલેઈમ બાર એસોસીએશનના પ્રમુખ રાજેશભાઈ મહેતા, રાજકોટ બારના કારોબારી સભ્ય પંકજભાઈ દોંગા, અજયભાઈ પીપળીયા, ધર્મેશ સખીયા વિગેરે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને શ્રી ભૂપેન્દ્રસિંહહ ચુડાસમાને આ નવા કોર્ટ બિલ્ડીંગના ખાતમુહુર્ત પ્રસંગે હાજર રહેવા રૂબરૂ જઈને આમંત્રણ પાઠવેલ.

ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટ ખાતે ચીફ જસ્ટીસ શ્રી વિક્રમનાથ, રાજકોટ જિલ્લાના યુનિટ જજ જસ્ટીસ શ્રી એચ.એસ. વોરા, જસ્ટીસ આર.એમ. છાયા, ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટાર શ્રી આર.કે. દેસાઈ અને અંતમાં આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી એમ.આર. શાહને રૂબરૂ મળી આમંત્રણ પાઠવેલ હતુ અને આ પ્રસંગમાં હાજર રહેવા ખુશી વ્યકત કરેલ હતી.

રાજકોટના નવા અદ્યતન કોર્ટ બિલ્ડીંગના ખાતમુહુર્ત પ્રસંગની તડામાર તૈયારી રાજકોટ બાર એસોસીએશન દ્વારા કરવામાં આવેલ છે અને આ પ્રસંગે રાજકોટના તમામ વકીલ મિત્રોને સહપરિવાર હાજર રહેવા રાજકોટ બાર એસોસીએશને આમંત્રણ પાઠવેલ છે.

આ પ્રસંગને સફળ બનાવવા રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, બાર કાઉન્સીલના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલનું માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.

ખાતમુહુર્તના પ્રસંગને ચાર ચાંદ લગાવવા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ ઈન્દુભા ઝાલા, સેક્રેટરી જિજ્ઞેશભાઈ જોશી, જોઈન્ટ સેક્રેટરી કેતનભાઈ દવે, ટ્રેઝરર રક્ષિતભાઈ કલોલા તથા કારોબારી સભ્ય પંકજભાઈ દોંગા, મનિષભાઈ આચાર્ય, રેખાબેન તુવાર, કેતનભાઈ મંડ, અજયભાઈ પીપળીયા, કૈલાશભાઈ જાની, વિવેક ધનેષા, ધવલભાઈ મહેતા, પિયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. વકીલોને ફેમીલી સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયુ છે.

(3:38 pm IST)