Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

આરોગ્ય શાખાના દરોડાઃ ગોળના ૯ નમુના લેવાયા

દાણાપીઠ-મોચીબજાર-કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં વેપારીઓને ત્યાં ચેકીંગઃ યુનિવર્સિટી રોડ પરના ૩ર ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ ઝુંબેશઃ ૩૮ કિલો અખાદ્ય પદાર્થનો નાશ

રાજકોટ, તા., ૨૯: મ્યુનિસીપલ કોર્ર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ  વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગમાં ચટણી, મન્ચુરીયન, વાસી બટેટા સહીત ૩૮ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ દાણાપીઠ, કેનાલ રોડ, મોચીબજાર સહીતના વિસ્તારોમાંથી દેશી ગોળ, ડબ્બાનો ગોળ, કોલ્હાપુરી ગોળ, ઇગલ શુધ્ધ દેશી ગોળ, આરએમ પારસમણી ગોળ સહીત ૯ નમુના લેવામાં આવ્યા છે.

આ અંગે મ્યુનિસીપલ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ફુડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે તેમજ લોકોને આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફુડ સેફટી સ્ટાન્ડર્ડ અન્વયે રાજય સરકારના ફુડ વિભાગની સુચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શ્રી ક્રિષ્ના ટ્રેડર્સ-અશોકભાઇ વિઠ્ઠલદાસ સોમૈયા, રાંદલ કૃપા ચેમ્બર્સ, દાણાપીઠમાંથી દેશી ગોળ, મે.પટેલ હંસરાજભાઇ ડાયાભાઇ, ૧-ગુંદાવાડી, કેનાલ રોડ પર આવેલ ભાવેશભાઇ ખુંટમાંથી રાજભોગ નેચરલ ગોળ, ડબ્બાનો દેશી ગોળ, કિરીટભાઇ સોમૈયા, રાંદલ કૃપા ચેમ્બર્સ-દાણાપીઠ, દક્ષિણી પ્રભુદાસ દાણાપીઠમાંથી કોલ્હાપુરી ગોળ, ચંદ્રકાંત એન્ડ કંપની ઘી કાંટા રોડમાંથી ઇગલ શુધ્ધ દેશી ગોળ (પેકડ) તથા દીપ્તેશ બાટવીયા-મોચીબજાર, મેઇન રોડ પરથી કોલ્હાપુરી ગોળ, જીજ્ઞેશ ટ્રેડર્સ-દેવપરા, ન્યુ શોપીંગસેન્ટરમાંથી આર.એમ.પારસમણી ગોળ, મે. પ્રભુદાસ રવજીભાઇ એન્ડ સન્સ-નવાબ મસ્જીદ સામે દાણાણીઠમાંથી જીલીયોન નેચરલ ગોળ (પેકડ), તેમજ ગીરીશકુમાર એન્ડ કંપની ૧- ગુંદાવાડી શાકમાર્કેટ પાસે કેનાલ રોડ પરથી દેશી ગોળ સહીત કુલ ૯ વેપારીઓને ત્યાંથી ગોળના નમુના લેવામાં આવ્યા છે. આ નમુનાઓ રાજય સરકારને વડોદરા સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે.

૩૮ કિલો અખાદ્ય પદાર્થનો નાશ

આ ઉપરાંત શહેરના યુનિવર્સિટી રોડ, પંચાયતનગર ચોક વિસ્તાર તથા શહીદ ભગતસિંહ ઉદ્યાન સામે આવેલ ઢાબા, રેસ્ટોરન્ટ, ડાયનીંગ હોલ વગેરે કુલ ૩ર ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.  આ ચેકીંગ દરમિયાન ભગતસિંહ ઉદ્યાન સામે પ્રજાપતી ફરાળી ચિખડીમાંથી ૩ કિલો ચટણી તથા સંજુ ચાઇનીસમાંથી ૪ કિલો મન્ચુરીયન, પંચાયત ચોક પાસે પટેલ ફરસાણમાંથી પ લીટર દાઝયુ તેલ, મહેશભાઇ પાણીપુરીને ત્યાંથી ૪ કિલો વાસી બટેટા સહીત કુલ ૩૮ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય વેપારીઓને સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી છે.

(3:37 pm IST)