Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

જામનગર રોડ નાગેશ્વરના શંખેશ્વર બ્લોકમાં ધોળે દિવસે ૧.૩૧ લાખની ચોરીઃ શકમંદની શોધખોળ

અરવિંદભાઇ રાજ્યગુરૂ નોકરીએ અને પરિવારજનો બહારગામ હોઇ તસ્કરે સવારે સાડા નવથી બપોર સુધીમાં કસબ અજમાવ્યોઃ રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી જવાયા

રાજકોટ તા. ૨૯: જામનગર રોડ નાગેશ્વરમાં શંખેશ્વર બ્લોકમાં રહેતાં બ્રાહ્મણ પરિવારના બંધ મકાનમાં ધોળા દિવસે તાળા તોડી તસ્કર રૂ. ૧,૩૧,૫૦૦ની મત્તા ચોરી ગયો છે. આ શકમંદ સીસીટીવી કેમેરામાં દેખાયો હોઇ તેને ઝડપી લેવા ગાંધીગ્રામ પોલીસે તપાસ આદરી છે.

પોલીસે આ બનાવમાં જામનગર રોડ નાગેશ્વર પટેલ ચોક શંખેશ્વર-૩ બ્લોક નં. એ-૪૦૪માં રહેતાં અને ભકિતનગર સ્ટેશન પ્લોટમાં અંબિમા રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં અરવિંદભાઇ કનકરાય રાજ્યગુરૂ (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.

અરવિંદભાઇએ પોલીસને જણાવ્યા મુજબ તેમના પત્નિનું નામ આશાબેન છે અને સંતાનમાં બે દિકરા પાર્થ તથા કરણ છે. પાર્થના લગ્ન થઇ ગયા છે. ૪/૨/૨૦ના પોતે ઘરે એકલા હતાં. પત્નિ અને પુત્ર લતીપર રોડપર જસાપર ગામે સિમંત પ્રસંગમાં ગયા હતાં. એ દિવસે પોતે સવારે સાડા નવેક વાગ્યે ઘરને તાળુ લગાવી નોકરી પર ગયા હતાં. આશરે બપોરે ત્રણેક વાગ્યે જસાપરથી પત્નિ-પુત્ર પરત આવ્યા ત્યારે ઘરના તાળા તૂટેલા અને સામાન વેરવિખેર જોવા મળતાં તેણે ફોન કરી જાણ કરી હતી. જેથી તેઓ ઘરે આવ્યા હતાં અને તપાસ કરી હતી.

કબાટના લોકરમાં રાખેલા ચાંદીના દાગીના, રોકડા રૂપિયા જોવા મળ્યા નહોતાં. તસ્કરોએ મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશી બેડરૂમમમાં આવેલી તિજોરી ખોલી તેમાંથી લોકરની ચાવી શોધી ચોરી કરી હતી. સોનાના બે ગ્રામના પાટલા, ત્રણ દાણા, સોનાનો હાર-સેટ, ચેઇન, વીંટી મળી કુલ રૂ. ૧,૧૫,૦૦૦ના દાગીના તથા ચાંદીની બે ગાય, તુલસીકયારો, ચાંદીના ત્રણ જોડી સાંકળા તથા રોકડા રૂ. ૧૦ હજાર મળી કુલ ૧,૩૧,૫૦૦ની ચોરી થયાની ખબર પડી હતી.

ઘરમેળે તપાસ કરી હતી અને શંખેશ્વર ૩ ફલેટના પાર્કિંગમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરાવતાં એક શંકાસ્પદ શખ્સ જોવા મળ્યો હતો. તેની તપાસ શરૂ કરી હતી. પરંતુ પત્તો ન મળતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. સોમૈયાએ ગુનો નોંધ્યો છે. પીએસઆઇ એમ. બી. જેબલીયા, પીએસઆઇ જે.એમ. ભટ્ટ અને ડી. સ્ટાફની ટીમે શકમંદ વિશે થોડી માહિતી મળતાં તેને શોધી કાઢવા તજવીજ આદરી છે.

(1:08 pm IST)