Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

દેશને જાણવા અને માણવા એકલપંડે નીકળી પડતો રાજકોટનો યુવાનઃ મુસ્લિમ તરીકે મેં 3 ધામની યાત્રા કરી

- યુવાને 20 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશની સફર બાઈકથી ખેડીઃ ૧૪૦ દિવસ ૨૨૮૩૪ કી.મી. બાઈક સવારીથી અંતર કાપેને ૨૦ રાજ્યોના ૧૯૦ થી વધુ પ્રદેશની મુસાફરી કરી

રાજકોટઃ સુજલામ સુફલામ મલયજ શીતલામ સષ્ય શ્યામલામ માતરમ. "એ ફક્ત કવિતા નથી પરંતુ અફાટ કુદરતી સૌંદર્ય, પહાડો વચ્ચે વહેતી નદીઓ અને ઝરણાઓને અનુભવવાની અને માણવાની વાત છે, જેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, રાજકોટના સાહસીક યુવાન ફખરુદ્દીન નુરુદ્દીનભાઈ ત્રિવેદીએ.

"યૌવન વીંઝે પાંખ" ઉક્તિને યથાર્થ સાબિત કરતા ફખરૂદીનએ ૨૨૮૩૪ કી.મી. ૧૪૦ દિવસની બાઈક પર સફર ખેડી નોર્થ - ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ ઇન્ડિયાના ૨૦ જેટલા રાજ્યોની યાત્રા પૂર્ણ કરી હાલમાં જ રાજકોટ પરત ફર્યો છે.

આ અંગે ફખરુદ્દીનએ જણાવ્યું કે મારે વિદેશ જતાં પહેલાં ભારતને જોવું અને જાણવું હતું. સોલો ટ્રાવેલ એટલે કે તમારા કમ્ફર્ટ ઝોન અને રોજિંદી જિંદગીમાંથી બહાર નીકળી એક અલગ જગ્યા પર જાવ છો, જ્યાં તમારો પરિવાર ન હોય, જ્યાં તમારા મિત્ર કે કોઈ ઓળખીતા વ્યક્તિ ન હોય. બસ તમે એક પોતે જ હોવ, અને તમારા વિચારો અને એક નવી જગ્યા અને નવા લોકો. જેની સાથે તમે તમારો પુરો સમય વીતાવો છો, જે જગ્યા પર ભાષા અલગ છે, રીતરિવાજ અનોખા છે, જમવાનું અને રહેણીકરણી અલગ હોય ત્યાં જઇને તમે ફરો છો. અલગ અલગ પડકારોનો સામનો કરવાનો, અને તમારી કમજોરી અને તમારા સાચા વ્યક્તિત્વને નજીકથી જોવાનો મોકો મળે છે, દરરોજ એક નવી જ વસ્તુનો અનુભવ થાય છે, જ્યાં જિંદગીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે એક અલગ જ વાતાવરણ મળે છે અને તમારી જાત પરનો આત્મવિશ્વાસ વધારે દ્રઢ થાય છે.

તેમણે કહ્યું કે ભારત ભ્રમણ દરમ્યાન મેં ભારતના બધા પ્રખ્યાત અને આસ્થાના સ્થાનો મંદિરો, દરગાહ, ગુરુદ્વારા અને ચર્ચની મુલાકાત લીધી હતી. મુસ્લિમ તરીકે મેં ૩ ધામની યાત્રા પણ કરી લીધી છે. વધુમાં નદીઓ જેમ કે ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા અને અન્ય ઘણી બધી નદીઓ જોઈ અને તેમનું પાણી પીધેલું છે.

વધુમાં ફખરુદ્દીનને ફોટોગ્રાફીનો શોખ હોવાથી અનેક સ્થળે ફોટા પણ પાડયા હતા. તેમણે કહ્યું કે વારાણસીનો અનુભવ ખુબ જ દિવ્ય રહ્યો. દરેક લોકોએ આ પવિત્ર સ્થળે એક મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.૮ મી સપ્ટેમ્બર ૨૦૨૨ થી શરૂ થયેલી યાત્રા ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ તેમણે પૂરી કરી આ દિવસો દરમિયાન તેણણે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા,નાગાલેન્ડ,મણિપુર,સિક્કિમ,ઝારખંડ,ઓડિશા,આંધ્ર પ્રદેશ,છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા,રાજસ્થાન સહીત 20 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો, નેપાળ સુધીની સફર બાઈક ખેડી હતી. લંડન બાઈક પર સાહસિક સવારી કરવાનું આયોજન

ભવિષ્યમાં રાજકોટથી લંડન બાઈક પર સાહસિક સવારી કરવાનું આયોજન કરતો ફખરુદ્દીન જણાવે છે કે. એકલા અમદાવાદ સુધી જવા પણ ડરતો ફખરી "ડર કે આગે જીત હૈ"ના મંત્રની માફક આ ડર ને દૂર કરવા તેર વર્ષ જુના બાઈક પર સફર પૂર્ણ કરી અનેક યુવાનોને પ્રેરણા પુરી પાડી છે.

(11:31 pm IST)