Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલ ઠેબચડા ગામમાં વાડીની જમીનના વર્ષો જુના ડખ્ખામાં ક્ષત્રિય પ્રૌઢની હત્યાઃ બે ને ઇજા

રાજકોટ : ભાવનગર રોડ ઉપર આવેલ ઠેબચડા ગામમાં વર્ષો જુના જમીનના ડખ્ખામાં પોલીસની હાજરીમાં ક્ષત્રિય પ્રૌઢની હત્યા થતા ચકચાર મચી ગઇ છે.

          બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ઠેબચડામાં રહેતા લખધીરસિંહ નવુભા જાડેજા (..૫૭) તેમજ રાજકોટના નિલકંઠ પાર્કમાં રહેતા તેઓના પિત્રાઇ ભાઇ હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (..પ૦) તથા અન્ય એક પિત્રાઇ ભાઇ બળવંતસિંહ ઠેબચડા ગામે લખધીરસિંહની વાડીએ હતા ત્યારે વાડી વર્ષોથી વાવવા રાખનાર છગન બીજલ કોળી અને તેના પરિવારજનો સાથે બોલાચાલી થતા પોલીસને જાણ કરાઇ હતી. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ દરમિયાન વાડીમાં છગન બીજલ તથા મગન બીજલ અને તેના સંતાનો, પત્ની સહિતના ૮થી ૧૦ વ્યકિતઓએ ગેરકાયદે મંડળી રચી લાકડી-કુહાડી-ધારીયા સહિતના હથિયારો સાથે ક્ષત્રિય ભાઇઓ ઉપર તૂટી પડ્યા હતાં. જેમાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ લખધીરસિંહને તબીબોએ નિષ્પ્રાણ જાહેર કરતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા હોસ્પિટલ ખાતે એએસપીશ્રી ચૌહાણ, પીઆઇશ્રી ચાવડા, પીએસઆઇશ્રી રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

      વર્ષોથી કોળી પરિવારને વાવવા આપેલી જમીન બાબતે ક્ષત્રિય પરિવારને ડખ્ખો ચાલતો હતો. થોડા દિવસો પહેલા પણ બોલાચાલી થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.

(6:06 pm IST)