Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મગફળી ખરીદવા તમામ ખેડુતોને મેસેજ મોકલાશે, સસ્તા અનાજના કમિશનમાં હવે હમણા વધારો નહિ

અકિલાના આંગણે નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાની સાફ વાત

રાજકોટ, તા. ૨૯ :. રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશ રાદડિયાએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવનાર તમામ ખેડૂતોને એસએમએસ કરવાની હૈયાધારણા આપી છે.

આજે તેમણે અકિલાના આંગણે આ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે ૪,૭૧,૦૦૦ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. હાલ ખરીદી પ્રક્રિયા પદ્ધતિસર ચાલી રહી છે. ૧૩ ફેબ્રુઆરી સુધી ખરીદીની સમય મર્યાદા છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેને મગફળી વેચવા આવવા માટે મેસેજ મોકલાશે. મોટાભાગના મેસેજ થઈ ગયા છે. હાલ જે મેસેજ મોકલવામાં આવે છે તે પૈકી સરેરાશ ૬૦ ટકા જેટલા ખેડૂતો મગફળી વેચવા આવે છે. આ પ્રમાણ જોતા તમામ ખેડૂતોને ન્યાય મળે તેવુ આયોજન છે. મુદત વધારવા માટેની હાલ કોઈ જરૂરીયાત જણાતી નથી. જરૂર પડશે તો આ બાબતે રાજ્ય સરકાર કેન્દ્રમાં રજુઆત કરશે. મગફળી નાફેડની છે તેથી તેના ઉપયોગ અંગે નાફેેડે જ નિર્ણય લેવાનો થાય છે. સિંગતેલ કાઢવા રાજ્ય સરકારનું કોઈ આયોજન નથી.

સિંગતેલના ભાવ બાબતે તેમણે જણાવેલ કે, મગફળીની આવક-જાવકના પ્રમાણમાં ભાવમાં વધઘટ થતી હોય છે. ખરીદી પ્રક્રિયા પુરી થયા પછી સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના છે. ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે.

પાક વિમા અંગે તેમણે જણાવેલ કે મગફળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે. જ્યાં ખેડૂતોને નુકશાન થયેલ ત્યાં સરકારે સહાય પેકેજ આપ્યુ છે. આ વખતે મગફળીના પાક વિમાની જરૂરીયાત ન રહે તેવી મોટાભાગના વિસ્તારોની સ્થિતિ છે. કપાસનો પાક વિમો સમયસર અપાવવા સરકાર જાગૃત રહેશે. સસ્તા અનાજના દુકાનદારોના કમિશન અંગેના પ્રશ્નના જવાબમાં પુરવઠા મંત્રીએ જણાવેલ કે, નજીકના ભૂતકાળમાં કમિશનમાં બે વખત વધારો કર્યો છે. હવે હમણા વધારો કરવાની કોઈ વિચારણા નથી.

(4:04 pm IST)