Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં નવા મહેમાનનું આગમન વરૂએ ચાર બચ્ચાને જન્મ આપ્યો

રાજકોટમાં ભારતીય વરૂને બચ્ચાએ જન્મ આપ્યો હોય તેવી આ પ્રથમ ઘટનાઃ હવે ઝૂમાં ૫૫ પ્રજાતિનાં કુલ ૪૨૧ પ્રાણી- પક્ષીઓનું નિવાસસ્થાન

રાજકોટ,તા.૨૯:શહેરની ભાગોવે આવેલ પ્રધ્યુમન પાર્ક ખાતેના ભારતીય વરૂ નર-માદાની જોડી વન્યપ્રાણી વિનિમય હેઠળ મૈસુર ઝૂ ખાતેથી તા.૧૦/૦૩/૨૦૧૭ના રોજ લાવવામાં આવેલ. ઝૂ ખાતે ભારતીય વરૂ (નાર)માં માદા વરૂ 'રૂહી' તથા નર વરૂ 'રાહીલ'ના સંવનનથી માદા વરૂએ તંદુરસ્ત ચાર બચ્ચાંઓને જન્મ આપેલ છે.

આ અંગેના તંત્રની સતાવાર માહિતી મુજબ વરૂમાં ગર્ભધારણનો સમયગાળો જનરલી ૦૨ માસ (૬૧-૬૩ દિવસ) જેટલો હોય છે.  ગર્ભધારણ સમય દરમિયાન જ માદા વરૂએ ઝૂ ખાતેના વિશાળ પાંજરાની અંદર જ બચ્ચાંઓને જન્મ આ૫વા માટે 'ડેન'(ગુફા) બનાવવાનું ચાલુ કરેલ. ડેન બનાવવામાં નર વરૂ ૫ણ મદદ કરતો હતો. ડીલીવરનો સમયગાળો નજીક આવતા માદા વરૂ ડેનની અંદર રહેવાનું ૫સંદ કરતી હતી જયારે નર વરૂ ડેનની આસપાસ 'રક્ષક' તરીકે આંટાફેરા કરતો હતો. ડેનની અંદર રહેલ માદા વરૂને કોઇ ૫ણ જાતની ખલેલ ન ૫ડે તે માટે તેની પુરી તકેદારી નર દ્વારા રખાતી જોવા મળેલ. માદા વરૂ તથા બચ્ચાંઓનું અવલોકન કરી શકાય તે માટે ડેનની સામેના ભાગમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે.

તા.૨૮ના રોજ રાત્રી દરમિયાન માદા વરૂ સાથે ચાર બચ્ચાંઓ ડેનની બહાર જોવા મળેલ. આથી બચ્ચાંઓનો જન્મ આશરે ૧૦-૧૨ દિવસ ૫હેલા ડેનની અંદર થયેલ હોવાનું અનુમાન છે. હાલ માદા વરૂ તથા ચારેય બચ્ચાંઓ તંદુરસ્ત હાલતમાં ડેનની અંદર જ વસવાટ કરે છે જયારે નર વરૂ એક 'પિતા' તરીકે રક્ષકની જેમ ડેનની બહાર આસપાસ સતત આંટાફેરા કરતો રહે છે. રાજકોટ ઝૂ ખાતે ભારતીય વરૂમાં બચ્ચાંનો જન્મ થયાની આ 'પ્રથમ' ઘટના છે.

ભારતીય વરૂ વન્યપ્રાણી સંરક્ષણ ધારા અંતર્ગત શેડયુલ-૧નું ખૂબજ મહત્વનું પ્રાણી છે. ગુજરાતમાં વરૂ પ્રાણીની વસ્તી દ્યટતા નીલગાય (રોજડા)પ્રાણીઓની સંખ્યા તથા તેનો ઉ૫દ્રવ વધ્યા હોવાનું મનાઇ છે. વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ, ગુજરાત રાજય દ્વારા ખૂબજ તકેદારીના ૫ગલા લેવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૫ પ્રજાતીનાં કુલ-૪૨૧ પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવી રહ્યા છે.

(3:38 pm IST)