Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કાગદડીની સીમમાં પી.પી. ફુલાવાળાની વાડીમાં દાનાભાઇ પઢીયારની હત્યાનો પ્રયાસઃ બે હુમલાખોરનો ચોરીનો ઇરાદો હોવાની શકયતા

રાતે ૧૨II પહેલા બે શખ્સ ચાદર ઓઢી આવ્યા તેણે પેટ્રોલ ખુટી ગયું હોઇ ખાલી શીશો ગોતવા આવ્યાનું કહ્યું અને જતા રહ્યાઃ સવા બે વાગ્યે ફરી ફરીથી ચાદર ઓઢેલા બે શખ્સ આવ્યા અને છરી ઘા ઝીંકી ભાગી ગયાઃ મુળ રાપરના પ્રોૈઢ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ

અજાણ્યા શખ્સોના હુમલામાં ઘાયલ દાનાભાઇ અને પેટમાંથી બહાર નીકળી ગયેલુ આંતરડુ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૯: કુવાડવા પોલીસ મથક હેઠળના કાગદડી ગામની સીમમાં આવેલી પી. પી. ફુલવાળા દિપકભાઇની વાડીમાં દસેક વર્ષથી રહેતાં મુળ રાપરના ભીમાસરના રજપૂત પ્રોૈઢ પર પરમ દિવસે મોડી રાતે બે અજાણ્યા શખ્સો છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયાની ઘટનામાં હુમલાખોરોનો ઇરાદો ચોરી-લૂંટનો હતો કે પછી અન્ય કારણોસર ઘા ઝીંકયા? તે અંગે કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. રાતે સાડાબારે વાડીના દરવાજે બે શખ્સ ચાદર ઓઢીને આવ્યા ત્યારે પ્રોૈઢ જાગી જતાં બંનેએ પોતે વાહનમાં પેટ્રોલ ખુટી ગયું છે, ખાલી શીશો ગોતવા આવ્યા છીએ...તેવું કહ્યું હતું અને જતાં રહ્યા બાદ બે કલાક પછી ફરીથી આવ્યા હતાં અને હુમલો કરી ભાગી ગયા હતાં. પોલીસે બનાવનું રહસ્ય ઉકેલવા તપાસ આરંભી છે.

બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ થતાં સ્ટર્લિંગ હોસ્પિટલે પહોંચી હુમલામાં ઘાયલ દાનાભાઇ વણવીરભાઇ પઢીયાર (રજપૂત) (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી બે અજાણ્યા ચાદર ઓઢીને આવેલા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. દાનાભાઇએ પોલીસને જણાવ્યું હતું કે પોતે મુળ રાપરના ભીમાસર (ભુટકીયા)ના વતની છે અને દસ વર્ષથી કાગદડીની સીમમાં પી.પી. ફુલવાળા દિપકભાઇની વાડીમાં રહી વાવણી કરે છે.    તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે, પત્નિ વાડીએ રહે છે. જ્યારે નાનો દિકરો સુરેશભાઇ રાજકોટમાં તથા ભરતભાઇ રાજકોટ રહે છે. ત્રણેય દિકરી સાસરે છે.

૨૭મીએ દાનાભાઇના સાઢુભાઇ રામજીભાઇનો દિકરો વિપુલભાઇ ગુજરી જતાં પત્નિ સજનાબેન ત્યાં વતનમાં ગયા હતાં. ૨૮મીએ રાતે દસેક વાગ્યે દિકરો સુરેશભાઇ વાડીએ આવ્યો હતો અને આટો મારી પરત રાજકોટ જતો રહ્યો હતો. એ પછી દાનાભાઇ એકલા વાડીએ હતાં. રાતે સાડા બારેક વાગ્યે તે વાડીના દરવાજા તરફ જતાં બે શખ્સો ચાદર ઓઢેલી હાલતમાં જોવા મળતાં તેને 'અહિયા શું કરો છો?' તેમ પુછતાં તેણે રોડ પર કયાંક શીશો પડ્યો હોય તો ગોતીએ છીએ તેમ કહેતાં તેઓ પરત રૂમમાં જતાં રહ્યા હતાં.

એ પછી દાનાભાઇને શંકા ઉપજી હતી કે આ શખ્સો ચોરીના ઇરાદે આવ્યા હશે. આથી તેમણે બાજુના કારખાનામાં કામ કરતાં સુરેશભાઇને ફોન કરીને કહ્યું હતું કે બે અજાણ્યા શખ્સો આટાફેરા કરે છે, કદાચ ચોરીના ઇરાદે આવ્યા હશે ધ્યાન રાખજો. આથી સુરેશભાઇએ થોડીવાર પછી ફોન કરીને કહ્યું હતું કે તેણે બેટરી કરી તપાસ કરી લીધી છે પણ કોઇ જોવા મળ્યું નથી.

એ પછી રાતના સવા બે વાગ્યા આસપાસ દાનાભાઇને ઉંઘ ન આવતી હોઇ ચા બનાવીને પીધા પછી ખાટલા પર બેઠા હતાંત્યારે રૂમના દરવાજામાંથી એક શખ્સ આવ્યો હતો અને એક ઓરસીમાં ઉભો હતો. બંનેએ ચાદર ઓઢેલી હતી. ત્યારબાદ એક શખ્સ છરીથી અચાનક હુમલો કરી પેટમાં ડાબા અને જમણા ભાગે એક-એક ઘા ઝીંકી દીધા હતાં. દાનાભાઇ જીવ બચાવવા પાછળનો દરવાજો ખોલી ખેતરના ખુણેથી ભાગી નજીકમાં સુરેશભાઇની ફેકટરીએ પહોંચ્યા હતાં. ત્યાં જઇ જોતાં પેટના ડાબા ભાગેથી આંતરડુ બહાર નીકળી ગયેલુ દેખાયુ હતું.

એ પછી સુરેશભાઇ દાનાભાઇને તેની વાડીએ લાવ્યા હતાં. શેઠ ચિરાગભાઇને ફોન કરતાં તેણે દાનાભાઇના દિકરા સુરેશભાઇને જાણ કરી હતી. બધા વાડીએ પહોચ્યા હતાં અને કાર મારફત સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં ગત સાંજે દાનાભાઇ ભાનમાં આવતાં પોલીસે તેમની પુછતાછ કરતાં ઉપરોકત માહિતી તેમણે જણાવતાં પોલીસે અજાણ્યા બે શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. હુમલાખોરોનો ઇરાદો ચોરીનો હોવાનું અને એક વખત નિષ્ફળ નીવડ્યા બાદ બીજી વખત આવ્યા ત્યારે પણ દાનાભાઇ જાગતા હોઇ જેથી છરીના ઘા ઝીંકયાની શકયતા છે. દાનાભાઇને કોઇ સાથે માથાકુટ ચાલતી નથી.

પીઆઇ એમ.આર. પરમાર, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા અને ડી. સ્ટાફની ટીમે ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ કાગદડી વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

(3:47 pm IST)