Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગીરના સિંહોને મધ્ય પ્રદેશમાં મોકલવા નવી પીટીશનઃ કેન્દ્રને જવાબ આપવા આદેશ

આફ્રિકાથી ચિત્તા લઈ આવવા ભલામણઃ કુનો જંગલ અથવા વ્યવસ્થિત જગ્યાએ રાખવા કમિટિ બનાવાઈઃ સિંહોની જાતિ લુપ્ત ન થાય તે માટે બીજુ ઘર જરૂરીઃ જવાબ માટે સુપ્રિમે ૪ અઠવાડીયાનો સમય આપ્યોઃ ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતરીત કરવાના મુદ્દે ચાલતા કાનૂની જંગમાં ગરમાવો

રાજકોટ, તા. ર૯ : મધ્યપ્રદેશના એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તાત્કાલિક સિંહોનું સ્થળાંતર કરવાની માંગણી કરતા રાજકોટના ટ્રસ્ટ દ્વારા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી મારફત કરવામાં આવેલ સિંહોના સ્થળાંતર વિરૂદ્ધની પીઆઇએલ સાથે સાંભળવા સુપ્રિમ કોર્ટ નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકાર તથા રાજકોટના ટ્રસ્ટને જવાબ આપવા સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે.

લાંબા સમયથી ચાલતા કાનૂની જંગમાં મધ્યપ્રદેશ વતી એનજીઓએ તાત્કાલિક સ્થળાંતરની માંગણી કરતા નવો કાનૂની જંગ જામવાના એંધાણ ઉભા થયા છે. વધુમાં આફ્રિકાથી ભારતમાં ચિતા લઇ આવવા અને કુનો જંગલ અથવા અન્ય વ્યવસ્થિત જગ્યાએ રાખવા અંગે ત્રણ જણાની કમિટી બનાવાઇ છે.

ગીરના સિંહોને મધ્યપ્રદેશમાંૈ સ્થળાંતરીત કરવાની માંગણી કરતી પિટીશનમાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર, પર્યાવરણ અને વન મંત્રાલય સહિતના પક્ષકારોને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયાની સમય મર્યાદામાં જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. સિંહો લુપ્ત ન થાય તે માટે તેમને અન્ય કોઇ જગ્યાએ પણ વસાવવાની માંગણી કરતી પિટીશન સુપ્રિમ કોર્ટમાં એક એન.જી.ઓ. દ્વારા કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેસ, જસ્ટિસ બી.આર. ગવાઇ અને જસ્ટિસ સૂર્યકાંત સમક્ષ યોજેયેલી સુનાવણીમાં અરજદાર એન.જી.ઓ. તરફથી રજુઆત કરવામાં આવી હતી કે વર્ષ ૧૯૮૯ માં મધ્યપ્રદેશના કુનો અભ્યારણ્યને સિંહોના વસવાટ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તે સમયથી સિંહોને ત્યાં લઇ જવા અંગે વિચારણા ચાલી રહી છે. પરંતુ આજદિન સુધી કોઇ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.  એપ્રિલ-ર૦૧૩ માં સુપ્રીમકોર્ટે ગીરમાંથી કેટલાક સિંહને મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. જેથી ગીરમાં કોઇ રોગચાળો કે મોટો દાવાનળ સર્જાય તો આ પ્રજાતિ લુપ્ત ન થયા. આ આદેૃશનો અમલ ન થતા સુપ્રિમ કોર્ટનમાં કન્ટેમ્પ્ટ પિટીશન પણ કરવામાં આવી હતી. જો કે આ પિટીશન કોર્ટે ફગાવી હતી.

સરકાર તરફથી એડીશનલ સોલિસિટર જનરલ એ.એન. એસ. નાડકનીની રજુઆત હતી કે સુપ્રીમ કોર્ટે અગાઉ આ પ્રકારની માંગણી કરતી કન્ટેમ્પ્ટ પિટીશન રદ કરી હતી, કારણ કે તે સમયે કુનો સિંહોના વસવાટ માટે તૈયાર નહોતું.

આ ઉપરાંત કુનો અભયારણ્ય રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કથી નજીક છે. તેથી આ વિસ્તારમાં વાઘ પણ કયારેક જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં બન્ને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવી શકયતા પણ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે ચાર અઠવાડિયામાં વિગતવાર જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.

આ કામમાં ટ્રસ્ટ વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, તુષાર, ગોકાણી, રીપન ગોકાણી, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ વિગેરે રોકાયા છે.

(11:55 am IST)