Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રાજકોટમાં ૮૦ વર્ષ પૂર્વેનો રજવાડી માહોલ નિહાળી નગરજનો અચંબિત : હાથી-ઘોડા-પાલખી-વિન્ટેજ કારના કાફલા સહિતની નગરયાત્રામાં ઠા.સા. માંધાતાસિંહજીનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

૩૦ વિન્ટેજ કારનો કાફલો - ૧૫ ઘોડા - ઉંટગાડી - સિગ્રામ અને ૧૦૦ વર્ષ જૂની ચાંદીની બગી બની આકર્ષણનું કેન્દ્ર : નગરયાત્રામાં જુદી - જુદી વિન્ટેજ કારોમાં રાજવી પરિવારના સભ્યો અને આમંત્રિતો રજવાડી ઠાઠ-માઠથી બિરાજમાન થયા : રાજમાર્ગો ૩ કલાકથી વધુ બેન્ડ વાજા - ઢોલ - નગારાથી ધમધમ્યા, પુષ્પવર્ષાથી મઘમઘ્યા

રાજકોટ, તા. ૨૯ : રાજકોટ રાજવી પરીવારના ૧૭માં ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાની ભવ્ય રાજતિલક વિધિ નિમિતે છેલ્લા ત્રણ દિવસથી યોજાઈ રહેલા ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર વચ્ચે ગઈકાલે સાંજે હાથી - ઘોડા - પાલખી - બગીઓ - વિન્ટેજ કારનો વિશાળ કાફલો ધ્વજાપતાકા અને રજવાડી પરંપરાગત પોષાકથી સજ્જ ક્ષત્રિય રાજપૂતોની ખુમારી નિહાળી જાણે શહેરના રાજમાર્ગો ઉપર ૮૦ વર્ષ પૂર્વેનો રજવાડી માહોલ ખડો થયો હતો. બપોરે ૩:૩૦ કલાકે રણજીત વિલાસ પેલેસ ખાતેથી ભવ્ય ઐતિહાસિક નગરયાત્રા ઢોલ - શરણાઈ - બેન્ડ વાજા - શણગારેલા બળદગાડા, બગીઓમાં બિરાજમાન રાજ પરિવારના માંધાતાસિંહજી, યુવરાજ જયદીપસિંહજી અને રાજપરિવારના નિમંત્રણને માન આપી આવેલા મહાનુભાવો પાઘડી, સાફા, અચકન, બ્રિઝીસના રજવાડી પોષાકો સાથે બિરાજમાન થયા હતા અને પેલેસ રોડ, કેનાલ રોડ, ભૂતખાના ચોક, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત, મોટી ટાંકી, લીમડા ચોક, ત્રિકોણ બાગ, લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ થઈ નગરયાત્રા ફરીથી પેલેસ ખાતે પહોંચી હતી. જયાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય રાજપૂત સમાજ અને આમંત્રિતો માટે સમૂહ ભોજન યોજાયુ હતું. તસ્વીરમાં કલગી સાથેના રજવાડી સાફા અને અચકન, બ્રિજીસમાં શોભતા ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા રાજમાર્ગો ઉપર ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડે છે. 'અકિલા' કાર્યાલય ખાતે નગરયાત્રાનું ઉપસ્થિત વિવિધ  આગેવાનો અને સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યુ હતું.  તસ્વીરમાં ડાબેથી ઉપર રજવાડાના સમયમાં મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતો સિગ્રામ (રથ), નીચેની તસ્વીરમાં આમંત્રિત વિન્ટેજ કારમાં બિરાજમાન રજવાડી મહેમાનો ઢોલ - ત્રાસા - શરણાઈઓના સૂરથી સમગ્ર રૂટમાં સંગીતની સુરાવલીઓ રેલાવતુ ગ્રુપ ઉંટગાડીમાં બેઠેલુ ત્રીજી તસ્વીરમાં નીચે અને ચોથી તસ્વીરમાં રાજકોટ સ્ટેટના એમ્બલમવાળી ઝેડ બ્લેક વિન્ટેજ કાર નજરે પડે છે. નગરયાત્રામાં ૪થી વધુ બગી ઘોડા સાથે જોડવામાં આવી હતી. જેમાં સૌથી વધુ આકર્ષિત બગી ૧૦૦ વર્ષ જૂની ચાંદીની હતી. જેમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી અને યુવરાજ જયદીપસિંહજી (રામરાજા)એ બિરાજી નગરજનોનું અભિવાદન ઝીલ્યુ હતું. નીચેની ત્રણ તસ્વીરોમાં અકિલાના આંગણેથી પસાર થઈ રહેલી નગરયાત્રાને માણવા ઉપસ્થિત 'અકિલા' પરિવારના વિજયભાઈ કામાણી, રણજીત ચૌહાણ, અશ્વિન રાણપરા, વિક્રમ ડાભી, બીપીન મહેતા, વિશાલ ગૌસ્વામી નગરયાત્રાને વધાવતા નજરે પડે છે. આ સમયે અકિલા વતી સીનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજાએ માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ જયદીપસિંહજી જાડેજાને ગુલાબના મઘમઘતા હારથી વધાવ્યા હતા જે નીચેની બીજી તસ્વીરમાં નજરે પડે છે. ત્રીજી અને અંતિમ તસ્વીરમાં ધર્મનગર માનવકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના આર.ડી. જાડેજા (ઘોડી), કૌશિકસિંહ જાડેજા (માખાવડ), દૈવતસિંહ જાડેજા (ચાંદલી), નીલદીપસિંહ જાડેજા (ચાંદલી), ભરતસિંહ જાડેજા (વાગુદડ) સહિતના રાજપૂત યુવાનો અને વડીલોએ નગરયાત્રાને ફુલડે વધાવી હતી તે દૃીષ્ટગોચર થાય છે. (ફોટો : સંદિપ બગથરીયા)(૩૭.૫)

(3:55 pm IST)