Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ફાટી ગયેલ કે રોડ પર પડેલ રાષ્ટ્રધ્વજ જમા કરાવો અને માણો ચાની ચુસકી

આપણા રાષ્ટ્રધ્વજના સન્માન માટે ૩૦ જાન્યુઆરી સુધી ફાટી ગયેલ કે રોડ પર પડેલ રાષ્ટ્રધ્વજને જમા કરાવો અને સ્પેશીયલ કાઠિયાવાડી ચાની મજા ફ્રી માં માણો

રાજકોટઃ આ વર્ષે રંગીલું રાજકોટ દેશ ભકિતના રંગે રંગાયું હતું. રાજકોટના દરેક વિસ્તારમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાઇ રહયા હતા. કારણ કે આ વર્ષે રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થઇ હતી. ઠેર-ઠેર રાષ્ટ્રધ્વજ ફરકી રહયા હતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહયો હતો. ત્યારે રાજકોટના એક ચાની હોટેલ ધરાવતા કાઠિયાવાડી કસુંબો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરીની ઉજવણી તો લોકોએ હરખભેર કરી. પરંતુ ઉજવણી બાદ ઘણીવાર રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોય કે રોડ પર પડી ગયેલ હોય એવા રાષ્ટ્રધ્વજને સન્માન સાથે એકઠા કરવાની પહેલ કરી છે. અને આવા રાષ્ટ્રધ્વજને જમા કરાવનાર વ્યકિતને કાઠિયાવાડી કસુંબો દ્વારા ફી માં ચા પીવડાવવામાં આવશે.

રાજકોટ દરેક ક્ષેત્રમાં આગળ છે એમાં દેશભકિત ઉજાગર કરવામાં પણ ઘણું આગળ છે. અહીના લોકોને રાંગીલા લોકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કાઠિયાવાડની સંસ્કૃતિને ઉજાગર કરતી એક પહેલ કાઠિયાવાડી કસુંબો દ્વારા કરવામાં આવી છે. રાજકોટ રિલાયન્સ મોલના બીજા માળે અને ક્રિસ્ટલ મોલના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી કાઠિયાવાડી કસુંબોમાં કોઇપણ વ્યકિત ફાટી ગયેલ કે રોડ પર પડેલ કે કચરામાં પડેલ રાષ્ટ્રધ્વજને જમા કરાવીને કાઠિયાવાડી કસુંબોની સ્પેશીયલ ચાની ચુસકી માણી શકે છે.

આપણી કાઠિયાવાડી પરંપરાને ઉજાગર કરતા કાઠિયાવાડી કસુંબોની ડિઝાઇન પણ એવી જ કરવામાં આવી છે. જે રીતે જુના ઘરમાં કાંધી અને એના પણ પીતળના વાસણ, સાંકળવાળા દરવાજા અને એ જુના મોટા તાળા આ બધુ કાઠિયાવડી કસુંબોમાં જોવા મળે છે. ચાની સાથે નાસ્તો પણ કાઠિયાવડી ટેસ્ટ સાથે હોય છે.

કાઠિયાવાડી કસુંબોના માલિક માધવભાઇ ગમારા કહે છે અમારી હોટેલનું સૂત્ર પણ પહેલા ચા પઢી બીજુ બધુ. કારણ કે કાઠિયાવાડમાં મહેમાન આવે એટલે પહેલા ચાનું પૂછવામાં આવે છે. એ જ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અમે નામ પણ કાઠિયાવાડી કસુંબો આપ્યું છે. આ પહેલ ભારતીય નાગરીક તરીકે કરી છે. કારણ કે રાષ્ટ્રભાવના માત્ર પ્રજાસત્તાકપર્વના દિવસ પૂરતી નહીં દરરોજ હોવી જેઇએ. ઘણીવાર ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફાટી જતો હોય છે અથવા રોડ પર પડા ગયો હોય એવા સમયે આ રાષ્ટ્રધ્વજ અમને આપી જાવ. અમે સન્માન સાથે એને સાચવશું. આવા રાષ્ટ્રધ્વજને અમારા સુધી પહોંચાડનારને અમે સ્પેશીયલ કાઠિયાવાડી કસુંબોની ચા પીવડાવશું.

(4:52 pm IST)