Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ભકિત સંગીત યોજાયુઃ માર્ચમાં અંજનશલાકા- પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

પાલીતાણા ખાતે આકાર પામી રહેલ શત્રુંજય નવકારધામ તીર્થ

રાજકોટ,તા.૨૯: પાલીતાણા ખાતે તળેટીથી હસ્તગિરિ તરફ જતા ૪.૫ કિલોમીટરના અંતરે આવેલા જીવાપુર ગામની બાજુમાં શ્રી શત્રુંજય નવકારધામ પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી શત્રુંજય નવકારધામ તીર્થ આકાર પામી રહ્યું છે. તે અંગેનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોગી સભાગૃહમાં યોજાઈ ગયો જેમા હજારો જૈનોએ હાજર રહીને પ્રસંગને દીપાવ્યો. અને ભાવિમાં થનારી દેવવિમાન સદૃશ્ય જિનમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકાનું મંગલ આલેખન કરવામાં આવ્યું. વિશ્રની અજાયબી સમાન આ તીર્થમાં ૬,૮૦,૦૦૦ હજાર સ્કવેર ફીટના વિશાળ સંકુલમાં ૯૦ ફૂટ ઊંચો અને કોઈપણ સ્થંભ વગરનો ૯૦ હજાર સ્કવેર ફીટનો ડોમ બનાવવામાં આવશે જેમાં એકસાથે ૬,૮૦૦ ભાગ્યશાળીઓ બેસીને શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરશે. આ કાર્યક્રમમાં શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવ અને આત્મકલ્યાણ કરવાની તેની વિશિષ્ટ શકિતનો ખ્યાલ આપવામાં આવ્યો હતો અને ૬ થી ૧૦ માર્ચ સુધી યોજાનારા અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકાનું આલેખન કરવામાં આવ્યું હતું. જે ભાગ્યશાળીઓ પાલીતાણા આવવા ઈચ્છતા હોય તેઓને રહેવાની વ્યવસ્થા કરવાની ટ્રસ્ટે જવાબદારી લીધી હતી અને આવનાર પ્રત્યેક ભાગ્યશાળીઓને પાંચે પાંચ દિવસ સાધર્મિક ભકિતનો લાભ આપવા આમંત્રણપૂર્વક વિનંતી કરવામાં આવી હતી. શ્રી શત્રુંજય નવકારધામ અંગેની માહિતી અપાઈ હતી. જેને લોકોએ ખૂબ સારીરીતે વધાવી લીધી હતી. ઓસ્માણભાઈ મીરે સંગીતમય નવકારભકિત કરાવી હતી અને શ્રી અનુદાનભાઈ ગઢવીએ ચારણી ભાષામાં નમસ્કાર મહામંત્રની વાતો રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મહાવીરભાઈ શાહે ભકિત થી મુકિતની ઝલક આપી હતી. ભવિષ્યમાં થનારા અંજનપ્રતિષ્ઠાના પ્રસંગમાં સર્વેને પધારવા ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

(3:35 pm IST)