Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

મહિલા કારચાલકે બે કોલેજીયન છાત્રાને ઉલાળીઃ એકનું મોત

શહેરના પંચાયત ચોકમાં સવારના પ્હોરમાં જીવલેણ અકસ્માતઃ બેદરકાર કારચાલક મહિલા અકસ્માત બાદ કાર મુકી ભાગી ગઇ : માતુશ્રી વિરબાઇમા મહિલા કોલેજની બીસીએની છાત્રા મુળ જેતપુર મેવાસાની ચાર્મી વઘાસીયા (ઉ.૧૯)નું ઘટના સ્થળે જ મોતઃ બહેનપણી અમરેલીના મોણપરની ગોપી પરસાણા (ઉ.૧૮)ને ઇજાઃ ત્રીજી સખી નેન્સી સાપરીયાનો ચમત્કારીક બચાવઃ ગોપી સારવાર હેઠળ : ચાર્મી અને ગોપી બોમ્બે હાઉસીંગમાં રૂમ રાખીને રહેતી'તીઃ સવારે ચાલીને બસ સ્ટોપ સુધી જવા નીકળી અને પાછળથી કારની ઠોકરે ચડી ગઇ : ચાર્મી બે બહેન અને એક ભાઇમાં વચેટ હતીઃ પિતા ખેતી કરે છેઃ વઘાસીયા (લેઉવા પટેલ) પરિવારમાં કલ્પાંત

'કાર' બની  'કાળ': પંચાયત ચોકમાં સવારના પ્હોરમાં એક કાર કોલેજીયન છાત્રા માટે 'કાળ' બની ગઇ હતી. ઘટના સ્થળે છાત્રા ચાર્મી લીંબાસીયાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, કાળ બનેલી બ્રાયો કાર, ઘટના સ્થળે મૃતદેહ અને એકઠા થયેલા લોકો તથા પોલીસ સ્ટાફ અને અકસ્માતને પગલે થોડીવાર ટ્રાફિક જામ થઇ ગયો હતો તે દ્રશ્યો જોઇ શકાય છે કાર પાસેની ઇન્સેટ તસ્વીરમાં અકસ્માતમાં ઘાયલ થયેલી છાત્રા ગોપી પરસાણા (ઉ.૧૮) જોઇ શકાય છે, તેણીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરના પંચાયતનગર ચોકમાં સવારના પ્હોરમાં મહિલા કારચાલકે જીવલેણ અકસ્માત સર્જતા   અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અકસ્માતમાં  બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રૂમ રાખીને રહેતી અને માતુશ્રી વિરબાઇમા મહિલા કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી મુળ જેતપુરના મેવાસાના ૧૮ વર્ષની લેઉવા પટેલ છાત્રાનું મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથેની બહેનપણી અમરેલીના મોણપરની ૧૮ વર્ષની પટેલ છાત્રાને ઇજા થતાં સારવાર હેઠળ છે. રાજકોટ જ રહેતી ત્રીજી બહેનપણીનો ચમત્કારીક બચાવ થયો છે. ત્રણેય સખી સવારે કોલેજ જવા માટે બસ સ્ટોપ સુધી ચાલીને જઇ રહી હતી ત્યારે બેદરકાર મહિલા કારચાલકે પાછળથી ઠોકર મારી હતી. જેમાં એક છાત્રા બચી ગઇ હતી અને બે ઠોકરે ચડી ગઇ હતી. અકસ્માત બાદ કાર મુકીને મહિલા ત્યાંથી નીકળી ગઇ હતી.

ઘટનાની જાણવા મળેલી વિગતો મુજબ મુળ જેતપુરના મેવાસાની વતની ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા (લે. પટેલ) (ઉ.૧૮) તથા મુળ અમરેલીના મોણપરની ગોપી અશ્વિનભાઇ પરસાણા (લે. પટેલ) (ઉ.૧૮) દોઢેક વર્ષથી રાજકોટ યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહી મહિલા કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી હોઇ દરરોજ સવારે પોતાના રૂમેથી નીકળી પગપાળા પંચાયત ચોકના સીટી બસ સ્ટોપ સુધી જતી હતી અને ત્યાંથી બસ મારફત કોલેજ સુધી પહોંચતી હતી. તેની સાથે ત્રીજી સખી રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટીમાં રહેતી નેન્સી દિનેશભાઇ સાપરીયા (લે. પટેલ) (ઉ.૧૯) પણ દરરોજ બસમાં જ કોલેજ જતી હતી.

આજે સવારે સાડા સાતેક વાગ્યા આસપાસ આ ત્રણેય સખી બોમ્બે હાઉસીંગના રૂમ ખાતેથી પગપાળા નીકળીને સીટી બસ સ્ટોપ સુધી જવા નીકળી હતી. ત્યાં જ અચાનક પાછળની હોન્ડાની બ્રાયો કાર જીજે૩એફકે-૧૮૫૪ પુરઝડપે ધસી આવી હતી અને તેમાં ચાર્મી તથા ગોપી ઠોકરે ચડી ગયા હતાં. સાઇડમાં ચાલી રહેલી નેન્સીનો ચમત્કારીક બચાવ થયો હતો. પણ અકસ્માત જોઇને તે પણ હેબતાઇને ભયભીત થઇ ગઇ હતી.

આ અકસ્માતમાં કમનસિબ રીતે છાત્રા ચાર્મી વઘાસીયાનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગોપીને ગંભીર ઇજા પહોંચી હોઇ ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બીજી તરફ કારચાલક મહિલા પોતાની કાર રેઢી મુકીને ત્યાંથી નીકળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર ચાર્મી બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને દોઢેક વર્ષથી રાજકોટ રહી બીસીએ ફર્સ્ટ યરમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા વિઠ્ઠલભાઇ વઘાસીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે. આશાસ્પદ અને યુવાન દિકરના મોતના વાવડ મળતાં મેવાસાથી પરિવારજનો રાજકોટ આવવા નીકળી ગયા હતાં. આ બનાવથી ચાર્મીના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. બી. બી. ગોયલ, એએસઆઇ હરદેવસિંહ, કોન્સ. ભગીરથસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘાયલ થયેલી વિદ્યાર્થીની ગોપી પરસાણાની ફરિયાદ પરથી કારચાલક  મહિલા સામે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.

કેવો જોગાનુજોગ...મોતને ભેટનાર છાત્રા પણ ચાર્મી અને કાર ચાલક મહિલાનું નામ પણ ચાર્મી!!

. કમનસિબ ઘટનામાં જોગાનુજોગ મૃત્યુ પામનાર છાત્રાનું નામ પણ ચાર્મી છે અને જે કારની ઠોકરે આ છાત્રાનું મોત નિપજ્યું એ કારની ચાલક મહિલાનું નામ પણ ચાર્મી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કારચાલક મહિલા પારસ સોસાયટીમાં રહેતી ચાર્મીબેન અપૂર્વભાઇ મોદી હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત કઇ રીતે સર્જાયો? તે અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.

(3:19 pm IST)