Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાજકોટ પૂરવઠાએ પોતાના ચારેય ઝોનમાં થઇને સાયલન્સ APL-1 ધરાવતા હજારો લોકોના કાર્ડ NFSAમાંથી રદ્દ કરતા દેકારો

હાલની વિધવા - વિધુર - અપંગ - શ્રમીક લોકોના કાર્ડને NFSAમાં તબદીલ કરવાની કામગીરી ૯૦ ટકા પૂરી : બે મહિનામાં ૭ હજાર કાર્ડ રદ્દ : હવે NFSAમાં કાર્ડ ટ્રાન્સફર કરવા અંગે દરેક ઝોનમાં લાંબી લાઇનો

પુરવઠા તંત્ર દ્વારા હાલ સરકારની યોજના મુજબ હાલ વિધવા, વિધુર, અપંગ, શ્રમીકોના રાશનકાર્ડ કે જેઓ NFSA યોજનામાં નથી આવતા તેમને NFSA યોજનામાં કાર્ડ ટ્રાન્સફર કરાઇ રહ્યા છે, તે સંદર્ભે પુરવઠાની ચારેય ઝોન કચેરીએ લાંબી લાઇનો લાગી રહી છે, તે નજરે પડે છે, તસ્વીરમાં જૂની કલેકટર કચેરી ખાતે ઝોન-૨માં થતી કાર્યવાહી જણાય છે.

રાજકોટ તા. ૨૮ : રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સરકારની યોજના મુજબ સમગ્ર શહેર - જિલ્લામાં વિધુર - વિધવા, અપંગ - દિવ્યાંગ અને શ્રમીકોના રાશનકાર્ડને NFSA યોજનામાં આવરી લેવા કાર્ડ આ યોજનામાં ટ્રાન્સફર કરવા કાર્યવાહી ચાલી રહી છે, ડીએસઓ શ્રી પુજા બાવડાના જણાવ્યા મુજબ હાલ શહેર - જિલ્લામાં ૯૦ ટકા ઉપર આવી કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે અને ૩૧ ડીસેમ્બર સુધીમાં કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી સરકારને રીપોર્ટ કરી દેવાશે. દરમિયાન તાજેતરના લોકડાઉન દરમિયાન NFSA યોજનામાં સામેલ એપીએલ-૧ કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે ઘઉં, ચોખા, ચણાનો લાભ અપાયો હતો પરંતુ આ વિતરણના મહિનાઓ દરમિયાન એવા હજારો એપીએલ-૧ કાર્ડ ધારકો હતા કે જેમણે લાભ લીધો ન હતો, પરિણામે પુરવઠા તંત્ર હાલ ખાસ બે થી ૩ મહિનાથી આવા કાર્ડને NFSA યોજનામાંથી કાઢી નાંખવા ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે, અને આ ૨ થી ૩ મહિનામાં આવા ૬ થી ૭ હજાર NFSAમાંથી રદ્દ કરી નાંખ્યાનું બહાર આવતા અનેક કાર્ડ હોલ્ડરોમાં દેકારો બોલી ગયો છે અને અમુક તો ફરી NFSAનો સિક્કો મરાવવા જે તે ઝોનલ કચેરીએ દોડી આવ્યાનું બહાર આવ્યું છે. દરમિયાન હાલ પુરવઠાની ચારેય ઝોનલ કચેરીએ NFSAમાં પોતાનું કાર્ડ સામેલ કરવા લોકોની દરરોજ લાંબી લાઇનો લાગે છે, દરરોજ ૨૦૦ થી ૩૦૦ લોકો દરેક ઝોનલ કચેરીએ ઉમટી રહ્યા હોય, મોટી લાઇનોના દ્રશ્યો હવે સામાન્ય થઇ પડયા છે, ઝોનલ કચેરીઓએ આવા કાર્ડ હોલ્ડરો માટે બપોરે ૨ વાગ્યા પછીની કામગીરી ફાઇનલ કરી છે, તો ઘણા ખરા સવારના ભાગે આવતા લોકોને ધરમધક્કા પણ થઇ રહ્યા છે, આ બાબતે ડીએસઓ અને કલેકટરને પણ ઘણા કાર્ડ હોલ્ડરો રજૂઆતો અંગે બોલી રહ્યા હતા.

(3:44 pm IST)