Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મહિલા કોંગ્રેસે જાહેરમાં ચુલા મુકી રોટલા બનાવ્યા ડુંગળી - ગેસના ભાવો આસમાને જતા નવતર વિરોધ

કમળવાળી સરકાર બહુ મોંઘી પડી : દિવસે દિવસે મોંઘવારી વધી - ભાજપ તારી ભવાઇ વધી... : કલેકટર કચેરી પાસે રૂડા કચેરી સામે દેખાવો : ડુંગળી લાવે આંખમાં પાણીના બેનરો : ગેસનો બાટલો મોંઘો થતાં તે જાહેરમાં મૂકી ફુલનો અને ડુંગળીનો ખાસ હાર પહેરાવ્યો

શહેર મહિલા કોંગ્રેસ આજે કલેકટર કચેરી નજીક રૂડા કચેરી સામે જાહેરમાં ચુલા જગાવી ડુંગળી - ગેસના ભાવો આસમાને જતા સરકાર સામે દેખાવો કર્યા તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮ : ગેસ - પેટ્રોલ - ડીઝલના ભાવો આસમાને ગયા છે, અને તો ડુંગળીના ભાવો પણ આસમાને ગયા છે, આમ શાકભાજી, ચીજવસ્તુઓ, સીંગતેલ, ચા, મરચું, હળદર, જીરૂ વિગેરેમાં મોંઘવારી ફાટી નીકળી છે, કેન્દ્ર - ગુજરાતની સરકાર મોંઘવારી ડામવામાં સંપૂર્ણ ફેઇલ છે, તેવા આક્ષેપો સાથે આજે શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી મનીષાબા વાળા અને અન્ય મહિલા કાર્યકરો - ગૃહિણીઓએ ગેસના બાટલા - ડુંગળી - ચુલા સાથે દેખાવો યોજયા હતા અને મોંઘવારીનો નવતર વિરોધ વ્યકત કરી બેનરો સાથે લોકોનું ધ્યાન દોર્યું હતું.

કલેકટર કચેરીની નજીક શ્રોફ રોડના ખુણે આવેલી રૂડા કચેરીની સામે મહિલા કોંગ્રેસના આગેવાનો બહેનોએ જાહેરમાં ચૂલો પ્રગટાવી તેના ઉપર બાજરાના રોટલા ઘડયા હતા, ગેસના બાટલાનો ભાવ ૭૦૦ને આંબી જતા બાટલો બાજુએ મુકી દેખાવો કર્યા હતા, ડુંગળીના ભાવો પણ આસમાને જતા ડુંગળીનો હાર પહેરાવાયો હતો.

તો દેખાવો દરમિયાન કમળવાળી સરકાર બહુ મોંઘી પડી, દિવસે દિવસે મોંઘવારી વધી - ભાજપ તારી ભવાઇ વધી, ડુંગળીના ભાવે આંખમાં પાણી, અત્યારે જાણે એ શાકની રાણી જેવા સૂત્રો સાથેના બેનરો પ્રદર્શિત કરી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

(3:42 pm IST)