Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ત્રણેય ભાઇ-બહેનને ફઇના ઘરે લઇ જવાયાઃ અંબરીશભાઇના પગ સતત વાંકા રહેવાને લીધે એકસ-રે પણ ન થઇ શકયા

કિસાનપરાની ઘટનામાં સમાજ સુરક્ષાની ટીમે સમજાવતાં પિતા નવીનભાઇ પુત્રની સારવાર માટે તૈયાર થયા : હવે એનેસ્થેસિયા આપી સીટી સ્કાન કરાવવું પડેઃ ખાનગી તબિબે વિનામુલ્યે સારવાર કરી દવા આપી

રાજકોટ તા. ૨૮: કિસાનપરામાં એક ઘરમાં બે ભાઇઓ અને એક બહેન સતત આઠેક વર્ષથી પુરાયેલા હોવાની માહિતી સમાજ સેવા કરતી સંસ્થાને મળતાં ત્યાં પહોંચી આ ત્રણેયને સારસંભાળ મળે તે માટેની કાર્યવાહી કરી હતી. દરમિયાન સમાજ સુરક્ષા વિભાગની ટીમને જાણ થતાં રવિવારે સાંજે જ ત્રણેય ભાઇ-બહેનને સારવાર માટે લઇ જવા તેમના પિતા નવિનભાઇ મહેતાને સમજાવ્યા હતાં. આજે ફરીથી તેઓને આ ટીમે સમજાવતાં મોટા દિકરા અંબરીશભાઇ કે જેઓ પડી ગયા હોવાથી પગમાં ઇજા થઇ હોઇ અને પગ સતત વાંકા રહેતાં હોઇ તેમને સારવાર માટે લઇ જવા તેઓ માની જતાં ખાનગી તબિબ પાસે લઇ જવાયા હતાં.

નવિનભાઇ હાલમાં ત્રણેય સંતાનને પોતાના કિસાનપરાના ઘરેથી કાલાવડ રોડ રામધામમાં રહેતાં પોતાના બહેનના ઘરે લઇ ગયા છે. ત્યાંથી અંબરીશભાઇને ૧૦૮ મારફત ફેમિલી ડોકટર હાથી પાસે લઇ જવાયા હતાં. પરંતુ ડો. હાથી હાજર ન હોઇ ત્યાંથી મેડીસર્જના ડો. વાડોદરીયા પાસે લઇ જવાયા હતાં. જ્યાં ડો. વાડોદરીયા અને ડો. ગમારાએ અંબરીશભાઇ મહેતાને તપાસ્યા હતાં. પરંતુ તેઓએ સતત લાંબો સમય સુધી પગ વાળેલા જ રાખ્યા હોઇ આ પગ સીધા પણ થઇ શકે તેમ ન હોઇ એકસ-રે પણ બરાબર આવ્યા નથી.

હવે એનેસ્થેસિયા આપીને સીટી સ્કાન કરાવી પછી રિપોર્ટ થઇ શકે. પગ સીધા કરવામાં ખુબ લાંબો સમય લાગી જાય તેમ હોવાનું તબિબોએ કહ્યું હતું. અંબરીશભાઇને હાલ તુર્ત જરૂરી દવાઓ તબિબોએ વિનામુલ્યે આપી હતી અને તપાસવાની ફી પણ લીધી નહોતી. સમાજ સુરક્ષાની ટીમે તબિબોની આ માનવતાને બિરદાવી હતી.

હાલમાં બંને ભાઇઓ અને બહેનને તેમના ફઇના ઘરે રાખવામાં આવ્યા છે. પિતા નવિનભાઇએ કહ્યું હતું કે હું સારવાર દવા તો કરાવતો જ હતો. પરંતુ એ દવાથી સંતાનો સતત સુઇ રહેતાં હતાં. ત્રણેય ભાઇ બહેન સતત વર્ષો સુધી એક જ ઘરમાં પુરાઇ રહ્યા એ પાછળ હાલ તો માતાના મૃત્યુનો આઘાત અને મેલીવિદ્યા જેવી વાતો સામે આવી છે. પરંતુ કારણ કંઇક જુદુ તો નથી ને? તે અંગે પણ ચર્ચાઓ જાગી છે.

(3:39 pm IST)