Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કાલે રસીકરણના તજજ્ઞ મુંબઇના ડો.નિતિન શાહનો વાર્તાલાપ

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટ દ્વારા ફેસબુક ઉપર કોરોના વેકસીન અંગે માર્ગદર્શન આપશે

રાજકોટ તા.ર૮ : કોરોના મહામારીના આ કાળમાં કોરોનોથી બચવા માટે દુનિયા સામે વેકસીનરૂપી આશા ઉભી થઇ છે. દેશ વિદેશમાં કોરોના સામે રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ભારતમાં પણ નજીકના ભવિષ્યમાં કોરોના  સામે રસીકરણ શરૂ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકોના મનમાં કોરોના વેકસીન સંબંધી જાત જાતના સવાલો છેે એ બાબત ધ્યાનમાં રાખી ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા દેશભરમાં સૌ પ્રથમ રાજકોટથી આવતીકાલ તા.ર૯-૧ર-ર૦ર૦ને મંગળવારે રાત્રે ૯.૩૦ કલાકે કોરોના રસીકરણ વિશે ઓનલાઇન દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રસીકરણના તજજ્ઞ મુંબઇના ડો. નિતિન શાહ કોરોનાની રસી અને રસીકરણ સંબંધી વિસ્તૃત માર્ગદર્શન આપશે, એમ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન - રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી તથા સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

ડો. જય ધીરવાણી અને ડો. રૂકેશ ઘોડાસરાના જણાવ્યા અનુસાર વર્તમાન કોરોના મહામારીના કાળમાં કોરોનાથી લોકો બચે એ માટે દેશ વિદેશમાં અલગ અલગ વેકસીનની શોધ થઇ છે અને અનેક દેશોમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વ સાથે ભારતમાં પણ ટુંક સમયમાં  કોરોના વેકસીનેશન - રસીકરણ ઝુંબેશ શરૂ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોરોના રસી અલગ અલગ દેશ અને અલગ અલગ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને હાલ પ્રાથમીક તબકકે રસી સંબંધી અનેક સવાલો લોકોના મનમાં  છે. આવા દુવિધાભર્યા સમયે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન - રાજકોટ દ્વારા દેશભરમાં પ્રથમ રાજકોટથી કોરોના રસીકરણ ઓનલાઇન લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ તા.ર૯-૧ર-ર૦ર૦ને મંગળવારે ૯.૩૦ થી ૧૧.૩૦ એમ બે કલાક ઇન્ડીયન મેડીકલ એસો.ના ફેસબુક પેઇજ આઇએમએ રાજકોટ પરથી લોકો સમજી શકે એ રીતે ગુજરાતી ભાષામાં રસી અને રસીકરણ વિશે ડો. નિતીન શાહ માહિતી આપશે. લોકો પણ તેમના મનમાં આ બાબતે જે કોઇ સવાલ હોય એ લાઇવ દરમિયાન કોમેન્ટ બોકસમાં પોતાની વાત રજુ કરશે. એટલે ડો.શાહ દ્વારા તેમના સવાલના યોગય જવાબ આપવામાં આવશે.

લોકદરબારના સંયોજક ડો. ચેતન લાલસેતા અને ડો. પારસ શાહે જણાવ્યું છે કે કેરોના રસીકરણ લોક દરબારના મુખ્ય વકતા એવા મુંબઇના રસીકરણના નિષ્ણાંત એવા ડો.નીતીન શાહ ખ્યાતનામ રસીકરણ વિશેષજ્ઞ છે. તેઓ ઇન્ડીયન એકેડેમીક ઓફ  પેડિયાટ્રીકના ભુતપુર્વ રાષ્ટ્રીય પ્રમુખ છે. તેમણે રસીકરણની ટેકસબુક, પિડીયાટ્રીક હેમેટોલોજીની ટેકસબુક જેવી હેમેટોલોજી અને ઓન્કોલોજીની અનેક બુકના એડિટર તરીકે સેવા આપી છે. રસીકરણ ક્ષેત્રે  તેઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓથોરીટી ગણાય છે. ડો. નિતીન શાહ હિન્દુજા હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગના હેડ છે. તેઓ પિડિયાટ્રીક હેમેટોલોજીસ્ટ તરીકે મુંબઇના ખ્યાતનામ હોસ્પિટલોમાં માનદ સેવા આપે છે. ડો.નીતીન શાહ જેવા વિશેષજ્ઞ સાથે ઓનલાઇન લોક દરબાર કરવાની ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટને તક મળી એ રાજકોટ તબીબી જગત માટે ગૌરવની વાત છે. તેમના બહોળા જ્ઞાનનો લોકોને વિશેષ લાભ મળે એ માટે અમોએ કોરોના રસીકરણ ઓનલાઇન લોકદરબારનું આયોજન કર્યુ છે અને ખાસ કરીને ગુજરાતના લોકોના મનમાં રહેલા વિવિધ પ્રશ્નો સંતોષકારક જવાબ મળે એ માટે સાહેબ ખાસ ગુજરાતીમાં પણ પ્રશ્નોતરી કરવાના છે. વધુને વધુ લોકો કોરોના રસીકરણ સ઼બંધી સવાલો મોકલે જેથી બહોળા વર્ગમાં કોરોના રસીકરણ વિશે પુરતી જાગૃતિ આવી શકે. લોકો પોતાના સવાલ ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના ફેસબુક પેઇઝ આઇએમએ રાજકોટ પર કોમેન્ટ દ્વારા રજુ કરી શકે છે.

અત્રે ખાસ જણાવવાનું કે હાલના સમયમાં લોકો ડરના કારણે વિવિધ રોગ માટે તબીબ સુધી પહોંચવામાં કદાચ મુશ્કેલી અનુભવતા હોય તો જે તે રોગ નિષ્ણાંત તબીબ સોશ્યલ મિડિયા દ્વારા લોકોના ઘર સુધી (મોબાઇલ સુધી પહોંચી તેમના મનમાં ઉઠતાં વિવિધ સવાલોના સંતોષકારક જવાબ આપી શકે અને લોકોને માર્ગદર્શન મળે એ હેતુથી ઇન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા નિયમીત રીતે ઓનલાઇન લોક દરબારનું આયોજન કરવામાં આવી રહયુ છે. કોરોના, હૃદયરોગ તથા જનરલ રોગ માટે આ પ્રકારના લોક દરબારનું આયોજન કર્યુ હતુ. જેમાં લોકોનો અકલ્પનીય પ્રતિસાદ મળતા અમારો ઉત્સાહ વધ્યો છે.

આઇ.એમ.એ. ગુજરાતના પુર્વ પ્રુમખ અને હાલ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડયા, આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો.રશ્મી ઉપાધ્યાય, પુર્વ ઉપપ્રમુખ સર્વશ્રી ડો.એમ.કે.કોરવાડીયા, ડો.ભરત કાકડીયા, ડો.અમીત હપાણી, ડો.હિરેન કોઠારી, આઇ.એમ.એ. રાજકોટના ઇલેકટ પ્રેસીડન્ટ ડો.પ્રફુલ કમાણી, પુર્વ પ્રમુખ ડો.ચેતન લાલસેતા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ભાવેશ સચદે, ડો. દીપેશ ભાલાણી, પુર્વ સેક્રેટરી ડો.પારસ શાહ, ડો.તેજસ કરમટા, ડો.અમીત અગ્રાવત, એડિટર ડો. ધર્મેશ શાહ થીમ કો-ઓર્ડીનેટર ડો.સંકલ્પ વણઝારા, પેટ્રન ડો.એસ.ટી.હેમાણી, ડો.પ્રકાશ મોઢા, ડો. ભાવિન કોઠારી, ડો. ડી.કે. શાહ, ડો. સુશીલ કારીયા, ડો.વલ્લભ કથીરીયા, ડો. વુમન્સ વિંગના ચેર પર્સન ડો. સ્વાતી પોપટ, સેક્રેટરી ડો. વૃંદા અગ્રાવત ઉપરાંત અગ્રણી તબીબો ડો.કીર્તિ પટેલ, ડો. સંજય ભટ્ટ,  ડો.નીતિન લાલ, ડો.કાન્ત જોગાણી, ડો. ગૌરવી ધ્રુવ, એફ.પી.એ મેમ્બર કે.એમ.પટેલ, ડો. પંકજ મચ્છર, ડો. વસંત કાસુન્દ્રા, ડો. દીપક મહેતા સહિત તબીબો આગેવાનો લોક દરબારના આયોજન માટે કાર્યરત છે.

(3:00 pm IST)