Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રોટરી યોજીત વર્ચ્યુઅલ મેરેથોનમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજકોટ : શહેરના રેસકોર્ષ રીંગરોડ, યુનિવર્સિટી કેમ્પસ, કોર્પોરેશન ના બગીચાઓ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ગઈ કાલે પણ નાના બાળકોથી લઈને દરેક વયના લોકોએ કોરોના વોરીયર્સને સમર્પિત મેરેથોન દોડ લગાવી હતી. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર યોજીત આ મેરેથોમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ, બિલ્ડર્સ એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરા, જાણીતા લેખક જય વસાવડા, પુર્વ ડેપ્યુટી મેયર દર્શીતાબેન શાહ સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના રોટેરીયન્સ દ્વારા અનુકૂળતા મુજબ અવધરોડ પર વિવિધ વિભાગો જેવા કે ૫ કીમી, ૧૦ કીમી અને ૨૧ કીમીની મેરેથોન પુર્ણ કરવામાં આવી. જાણીતા ડોકટર્સ રવિવારે સવારે કણકોટમાં આવેલી ડોકટર્સ કલબ ખાતે એકઠા થયા અને ત્યાંથી આસપાસમાં મેરેથોન રન કરી. બાલભવન ખાતે નાના બાળકોએ ૫ કીલોમીટર સ્કેટીન્ગ કરી કોરોના વોરીયર્સ પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી. આર સી સી કલબના સભ્યો દ્વારા વેજાગામ ખાતે અને પીન્કાથોન લેડીઝ ગૃપ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મેરેથોન લગાવી કોરોના વોરીયર્સને આભાર પ્રદર્શિત કરેલ. સામાન્ય રીતે આજ દિવસ સુધી ફીઝીકલ મેરેથોનનું આયોજન કરવામાં આવતું. જેમાં લોકો એક જગ્યાએ ભેગા મળીને ને એક સાથે મેરેથોન દોડ લગાવે છે. જયારે વર્તમાન પરિસ્થિતિ મુજબ સરકારની ગાઈડ લાઈન અનુસાર વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. લોકોએ અલગ અલગ સ્થળેથી એકલા અથવા તો બહુ મર્યાદિત લોકોના સમુહમાં સાથે રહીને મેરેથોન દોડ લગાવી. રોટરી વર્ચ્યુઅલ મેરેથોનને સફળ બનાવવા કલેકટરશ્રી, મ્યુ.કમિશનરશ્રી, શહેર પોલીસ કમિશ્નરશ્રી, પત્રકાર મિત્રો, ઈલેકટ્રોનિક મીડીયા સહિતના લોકોનો સાથ સહકારથી યોજાયેલ આ ઇવેન્ટને સફળ બનાવવા શહેરની વિવિધ સંસ્થાઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.આ રીતે શહેરના વિવિધ ક્ષેત્રના લોકોએ રોટરી વર્ચ્યુઅલ મેરેથોનના કોન્સેપ્ટને હર્ષ પુર્વક વધાવી કોરોના વોરીયર્સને દીલથી સલામી આપી હતી.

(2:59 pm IST)