Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

એઈમ્સના ખાતમુહુર્ત અંગે વડાપ્રધાનના નિર્ણયની જોવાતી રાહઃ બપોર બાદ તમામ ડીપાર્ટમેન્ટની વધુ એક મીટીંગ

કલેકટરે રસ્તા-ટ્રાફીક-તૈયારીઓ અંગે ડાયરેકટર શ્રમદિપ સિન્હા - પ્રાંત - પોલીસ - જીઈબી - આર એન્ડ બીને બોલાવ્યાઃ મુખ્યમંત્રી ખાસ હાજર રહેશેઃ નરેન્દ્રભાઈ દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહુર્ત-સંબોધન અંગે મંજુરી આપે એટલે તડામાર તૈયારીઓઃ વિજયભાઈ-નીતિનભાઈ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન તથા અન્ય મહાનુભાવો આવી રહ્યા છેઃ કાર્યક્રમ ફાઈનલ હોવાનું 'અકિલા'ને જણાવતા ડાયરેકટર શ્રમદિપ સિન્હા

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટથી ૨૦ કિ.મી. દૂર ૨૦૦ એકર જગ્યામાં કેન્દ્ર સરકાર એઈમ્સ હોસ્પીટલ બનાવી રહી છે. ૧૨૦૦ કરોડના ખર્ચે બનનારી આ હોસ્પીટલના ખાતમુહુર્ત અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એઈમ્સના ફીઝીકલ અને વર્ચ્યુઅલ ખાતમુહુર્ત અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ઓફિસથી ઓરલ મંજુરી આવી ગઈ છે, પરંતુ હજુ લેખીતમાં મંજુરી ન આવી હોય તે બાબતે રાહ જોવાઈ રહી છે. સંભવતઃ આજે મંજુરી આવી જશે તેમ કલેકટર તંત્ર અને એઈમ્સના ડાયરેકટર તરફથી કહેવાઈ રહ્યુ છે.

દરમિયાન જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ અંગે આજે બપોરે ૪ાા વાગ્યાથી તમામ ડીપાર્ટમેન્ટની વધુ એક મીટીંગ બોલાવાઈ છે. જેમાં રૂરલ પ્રાંત શ્રી દેસાઈ, ઉપરાંત એઈમ્સના ડાયરેકટર શ્રી શ્રમદિપ સિન્હા, અન્ય ડોકટરો, રૂડા, પીજીવીસીએલ, આર એન્ડ બી, સીટી પોલીસના અધિકારીઓ, રૂરલ પોલીસ તથા અન્યોને બોલાવ્યા છે. ૩૧મીએ યોજાનારા આ ખાતમુહુર્ત પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સંબોધન કરે તેવી શકયતા છે, જે અંગે આજે મંજુરી આવી જશે. જ્યારે ખાતમુહુર્ત માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન અન્ય ઉચ્ચ અધિકારીઓ - રાજ્યના આરોગ્ય સચિવ ખાસ આવી રહ્યા છે. એઈમ્સના ખાતમુહુર્ત સંદર્ભે પરાપીપળીયાથી ખંઢેરી સુધીના રસ્તાનું કામ રાઉન્ડ ધ કલોક ચાલુ રખાયુ છે. આ ઉપરાંત ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા, અન્ય વ્યવસ્થા તથા ખાતમુહુર્ત સમયે કેટલા લોકોને આમંત્રણ આપવુ વિગેરે બાબતે આજે સાંજે ફાઈનલ થશે.

દરમ્યાન એઈમ્સના ડાયરેકટર શ્રી શ્રમદિપ સિન્હાએ 'અકિલા'ને જણાવ્યુ હતું કે કાર્યક્રમ ફાઈનલ છે, વડાપ્રધાન કાર્યાલયથી આજે લેખીતમાં કન્ફર્મેશન આવી જશે. મહાનુભાવો આવી રહ્યા છે અને તમામ તૈયારીઓ પણ થઈ રહી છે.

(12:52 pm IST)