Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કુવાડવાના બેટી પાસેથી એસઓજીએ ૬ લાખનો દારૂ ભરેલુ આઇસર પકડ્યું

૩૧મી ડિસેમ્બરે દારૂની રેલમછેલ કરવા મથતા બૂટલેગરોના પ્લાન પર પાણીઢોળ કરતી પોલીસઃ હરિયાણાના મેવાતના છારોડા ગામના આજમ છારોરાની ધરપકડઃ ત્રણ દિવસ પહેલા ૪૧ાા લાખનો દારૂ પકડાયા બાદ વધુ એક મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતાઃ કપ રકાબીના બોકસ નીચે છુપાવીને લઇ જવાતો હતો જથ્થોઃ રાજસ્થાનથી ધ્રોલ પહોંચાડવાનો હતોઃ વાહન સહિત ૧૩.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જેઃ હેડકોન્સ. સમીરભાઇ શેખ અને કોન્સ. અજીતસિંહ પરમારની વધુ એક બાતમીઃ પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ અતુલ સોનારાની ટીમને સફળતા

રાજકોટ તા. ૩૧: ભલે કોરોનાકાળ ચાલતો હોઇ અને ભલે ૩૧મીની પાર્ટીઓના આયોજનો પર પ્રતિબંધ હોઇ છતાં બૂટલેગરો મોટા માટે રાજકોટ, સોૈરાષ્ટ્રમાં દારૂનો જથ્થો ઠાલવવા મથી રહ્યા છે. જો કે દારૂની રેલમછેલ કરવાના બૂટલેગરોના પ્લાન પર પોલીસ પાણી ફેરવી રહી છે. ત્રણ દિવસ પહેલા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે ૪૧ાા લાખનો દારૂ ભરેલા બે ટ્રક પકડી લીધા હતાં. ત્યાં આજે ફરીથી એસઓજીની ટીમે કપરકાબીના બોકસની પાછળ છુપાવીને આઇસરમાં રાજસ્થાનથી ધ્રોલ તરફ લઇ જવાતો રૂ. ૬,૦૧,૨૦૦નો ૧૨૪ પેટી દારૂ કુવાડવાના બેટીના પાટીયા પાસેથી પકડી લઇ હરિયાણાના મેવાત જીલ્લાના તાવડુ તાબેના છારોડા ગામના ડ્રાઇગવર આજમ આસખાન છારોરા (ઉ.વ.૩૪)ને પકડી લઇ દારૂ-વાહન મળી કુલ રૂ. ૧૩,૯૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હેડકોન્સ. સમીરભાઇ શેખ અને કોન્સ. અજીતસિંહ પરમારની વધુ એક બાતમી સચોટ ઠરી છે. અમદાવાદ હાઇવેથી રાજકોટ તરફ એક આઇસર આવી રહ્યું છે અને તેમાં કપ રકાબીનો જથ્થો ભરેલો છે, પણ તેની પાછળ દારૂની પેટીઓ છુપાવેલી છે...આવી ચોક્કસ બાતમી બંનેને મળતાં પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ અતુલ એસ. સોનારા, સમીરભાઇ, અજીતસિંહ, નિલેષભાઇ ડામોર સહિતે કુવાડવાના બેટીના પાટીયા પાસે વોચ રાખી હતી.

બાતમી મુજબનું આઇસર નં. યુપી૫૦બીટી-૯૯૧૪ આવતાં જ અટકાવીને તલાસી લેતાં રૂ. ૯૦ હજારના કપ રકાબીના બોકસ મળ્યા હતાં. પાછળના ભાગે તપાસ કરતાં દારૂની પેટીઓ મળી આવી હતી. મેકડોવેલ્સ નંબર વન વ્હીસ્કી, રમની બોટેલો તથા બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની બોટલો મળી કુલ રૂ. ૬,૦૧,૨૦૦નો ૧૪૮૮ બોટલ (૧૨૪ પેટી) દારૂ મળતાં તે, કપ રકાબી, આઇસર, મોબાઇલ ફોન  સહિત કબ્જે કરી ચાલક આજમ આસખાન છારોરા (રહે. હરિયાણા)ની ધરપકડ કરી હતી.

તેણે પ્રાથમિક પુછતાછમાં આ દારૂ રાજસ્થાનથી ધ્રોલ તરફ લઇ જવાનો હોવાનું અને ધ્રોલ પહોચ્યા પછી ફોન આવે તેને સોંપવાનો હોવાનું રટણ કર્યુ છે. તેની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ આર.વાય. રાવલની સુચના-રાહબરીમાં પીએસઆઇ અતુલ સોનારા અને ટીમે આ વધુ એક સફળ કામગીરી કરી હતી. ત્રણ દિવસ અગાઉ પણ આ ટીમે લાખોનો દારૂ ભરેલો ટ્રક પકડ્યો હતો.

(12:51 pm IST)