Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાજકોટમાં ઠાર સાથે ફૂંકાતા ઠંડા પવન : ૮.૫ ડિગ્રી

ઠંડીનો પારો સીંગલ ડીજીટમાં : હજુ પણ ઠંડીમાં વધારો થશેઃ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આજે પણ હિમવર્ષા જયારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડશે : દેશભરના અનેક રાજયોમાં ઠંડીનો પારો સડસડાટ ગગડશે : હવામાન ખાતુ

રાજકોટ, તા.૨૮ : પહાડી પ્રદેશોમાં થયેલ ભારે હિમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ ગઈકાલથી શરૂ થયો છે. આ આખુ અઠવાડીયુ ઠંડીનો માહોલ જોવા મળશે. દરમિયાન વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાત સહિત દેશભરના અનેક રાજયોમાં આગામી દિવસોમાં પણ કડકડતી ઠંડીની અસર જોવા મળશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે.

રાજકોટ શહેરમાં ઠંડીનો પારો આજે ૮.૫ ડિગ્રી નોંધાયો છે. પારો ૧૦ ડિગ્રીની નીચે સિંગલ ડીજીટમાં પહોંચી ગયો છે. ઠાર સાથે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. અસહ્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

દરમિયાન ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધતા આવનારા દિવસોમાં કોઈ રાહત મળે તેમ લાગતુ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભ કારણે દેશમાં હવામાન ફરી કથળી શકે છે. પર્વતીય રાજયોમાં હિમવર્ષા અને મેદાની રાજયોમાં હળવા વરસાદની સંભાવના છે. ધુમ્મસની અસર પણ દેખાઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે પશ્ચિમી વિક્ષોભને કારણે ગઈકાલની જેમ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ - હિમવર્ષાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદ - હિમવર્ષાની સંભાવના છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં હળવા વરસાદ - વાવાઝોડાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૯-૩૧ ડિસેમ્બર દરમિયાન ઉત્તરાખંડ - હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આગામી ૨૪ કલાકમાં પંજાબમાં ઠંડીનો પારો વધી શકે છે.

(11:08 am IST)