Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

મોજશોખ પુરા કરવા દિપેશ દરજીએ ચાર વાહનો ચોર્યા'તાઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

ઢાંકણા ચોરીમાં પકડાયા પછી એક ડગલું આગળ વધી ટુવ્હીલર ઉઠાવવાનું ચાલુ કર્યુ'તું : હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી કામગીરી

રાજકોટ તા. ૨૮: વાહન ચોરીના બનાવો અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ આપેલી સુચના અંતર્ગત પી.આઇ. એચ.એમ. ગઢવીની રાહબરીમાં હેડકોન્સ. રાજેશભાઇ બાળા, પ્રદિપસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રાજેશભાઇ, રઘુભા અને સિધ્ધરાજસિંહની બાતમી પરથી યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન નજીક આવાસ કવાર્ટર પાસેથી દિપેશ અરવિંદભાઇ જેઠવા (દરજી) (ઉ.૨૧-રહે. માલધારી સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લેવાયો હતો. આ શખ્સ વાહનોની ચોરમાં સંડોવાયાની પાક્કી બાતમી હોઇ વિશેષ પુછતાછ થતાં તેણે છેલ્લા બે-ત્રણ મહિનામાં મોરબીથી એક અને યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ત્રણ વાહનોની ચોરી કર્યાનું કબુલતાં તેની અટકાયત કરી ચાર ચોરાઉ વાહનો કબ્જે કરી ગુના ડિટેકટ કર્યા છે. છુટક ડ્રાઇવીંગ કરતો આ શખ્સ અગાઉ પ્ર.નગર પોલીસ મથકમાં ઢાંકણા ચોરીમાં પકડાયો હતો. હવે મોજશોખ પુરા કરવા વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. રાત્રીના સમયે જ આ શખ્સ વાહન ચોરી કરતો હતો. વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:55 pm IST)