Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

હનુમાન મઢી પાસેની તિરૂપતિ સોસાયટીમાં કડવા પટેલ વૃધ્ધાનો ગળાફાંસો ખાઇ આપઘાત

૧૬ વર્ષનો પોૈત્ર રાત્રે રડતાં અમરશીભાઇ જાગી ગયાઃ પત્નિ જોવા ન મળતાં તપાસ કરતાં લટકતાં મળ્યાઃ એકના એક પુત્રના મોત બાદ વિકલાંગ પોૈત્ર અને પતિ સાથે રહેતાં લીલાંવતીબેન માનસિક તકલીફથી કંટાળી ગયા'તા

રાજકોટ તા. ૨૮: રૈયા રોડ પર હનુમાન મઢી પાસે તિરૂપતિ સોસાયટી-૧માં રહેતાં લીલાવંતીબેન અમરશીભાઇ કકાણીયા (ઉ.૬૨) નામના કડવા પટેલ વૃધ્ધાએ છતના હુકમાં લોખંડની પાતળી સાંકળ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. માનસિક તકલીફોથી કંટાળીને આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ તિરૂપતિ સોસાયટી-૧માં રહેતાં અમરશીભાઇ ગોવિંદભાઇ કકાણીયા રાત્રે ૧૬ વર્ષના વિકલાંગ પુત્ર ભવ્યેશ ભાવેશભાઇ અને પત્નિ લીલાવંતીબેન સાથે ઘરના નીચેના રૂમમાં સુઇ ગયા હતાં. રાત્રે ત્રણેક વાગ્યે પોત્ર રડવા માંડતા અમરશીભાઇ જાગી ગયા હતાં. તેણે પત્નિને રૂમમાં ન જોતાં બહાર તપાસ કરી હતી. બાદમાં ઉપરના રૂમમાં જોવા જતાં ત્યાં છતના હુકમાં બાંધેલી સાંકળમાં મૃતદેહ લટકતો જોતાં હતપ્રભ થઇ ગયા હતાં.

ગાંધીગ્રામ પોલીસને બનાવની જાણ થતાં એએસઆઇ રવજીભાઇ પટેલ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. અમરશીભાઇ નિવૃત જીવન જીવે છે અને ભાઇઓની મદદથી તથા ખેતીની ઉપજથી ગુજરાન ચલાવે છે. લીલાવંતીબેન માનસિક તકલીફથી કંટાળી જતાં પગલું ભર્યાનું ખુલ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર ભાવેશભાઇ હતાં, જેનું સોળેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. તેણીના પત્નિએ બીજા લગ્ન કર્યા બાદ લીલાવંતીબેન પોૈત્ર ભવ્યેશ અને પતિ સાથે રહેતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(9:56 am IST)