Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

લોકમેળાના નામકરણમાં અધધધ ૧૯૦ એન્ટ્રીઃ રાજકોટના પત્રકારો પણ મેદાને

આજથી તા.૩૧ સુધી ૩૨૧ સ્ટોલ માટે બે સ્થળેથી ફોર્મનું વિતરણઃ રંગીલો-મોજીલો-નટખટ-ગોફણીયો-ધમાચકડી-ધમાલમસ્તી જેવા નામોની વધુ અરજીઓ વરસતો વરસાદ છતાં ૫૦ થી વધુ ફોર્મ ઉપડયા

રાજકોટ તા.૨૧: કલેકટરતંત્ર દ્વારા પવિત્ર સાતમ-આઠમના તહેવાર માટે તા. ૧ લી સપ્ટેમ્બરથી રેસકોર્ષ મેદાન ખાતે ભવ્યાતિભવ્ય લોકમેળો યોજાશે, પાંચ દિ'ના આ મેળામાં કુલ ૩૨૧ સ્ટોલ રખાયા છે, જે માટે આજથી તા. ૩૧ સુધી રૂ. ૫૦ નું એક એમ ફોર્મનું વિતરણ બે સ્થળેથી શરૂ થયું છે. જુની કલેકટર કચેરીમાં આવેલ સીટી પ્રાંત-૧ ઓફીસ અને શાસ્ત્રી મેદાન સામે ઇન્ડિયન બેન્ક તોરલ બિલ્ડીંગ ખાતેથી ફોર્મ મળશે.

આજે પ્રથમ દિવસે જ બંને સ્થળે થઇને ૫૦ થી વધુ ફોર્મ ઉપડી ગયા છે.

દરમિયાન લોકમેળોના સુંદર નામ માટે કલેકટર તંત્રે લોકો પાસેથી નામો મંગાવ્યા છે, આ માટે ઇનામ જાહેર કર્યુ છે, અને તેના પરિણામે રાજકોટ-કચ્છ-ભૂજ- જૂનાગઢ વિગેરે ગામોમાંથી કુલ ૧૯૦ જેટલી અરજીઓ આવી છે, મોટાભાગનાએ રંગીલોમેળો- મોજીલો મેળો- નટખટ-ગોફણીયો- ધમાલમસ્તી-ધમાચકડી જેવા નામો મોકલ્યાં છે.

લોકમેળાના નામ માટે રાજકોટના અખબારોમાંથી પત્રકારોએ પણ અરજીઓ-સુંદર નામો મોકલ્યા છે, ૩૧ મી સુધી નામો લેવાશે, બાદમાં તંત્રની કમીટી ફાઇનલ નામ જાહેર કરશે. (૧.૨૦)

(3:57 pm IST)