Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઓનલાઈન બાંધકામ પરવાનગીમાં ધાંધિયા યથાવતઃ મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ, તા. ૧૭ :. તાજેતરમાં રાજકોટ પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટાઉન પ્લાનીંગમાં ભ્રષ્ટાચાર બંધ કરાવવા ઓન લાઈન બિલ્ડીંગ પ્લાન મંજુરી શરૂ કરાઈ હોવાનું જાહેર કર્યુ હતું, પરંતુ આ 'ઓન-લાઈન બિલ્ડીંગ પરમીશન'ની પદ્ધતિમાં હજુ પણ ધાંધિયા યથાવત હોવાની અને અત્યાર સુધીમાં એક પણ બિલ્ડીંગ પ્લાન ભૂલ વગર મંજુર નહીં થવાની રજૂઆત રાજકોટના કન્સલ્ટીંગ સીવીલ ઈજનેરોએ મુખ્યમંત્રીશ્રીને કરી છે.આ અંગે એસોસીએશન ઓફ કન્સલ્ટીંગ સિવિલ ઇન્જિનિયર્સ દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે '' ૧મે થી ઓનલાઇન બિલ્ડીંગ પરમીશન શરૂ કરાઇ ત્યારથી આજ સુધીના એક પણ પ્લાન સંપૂર્ણ ડીટેઇલ્સ તથા ભુલ વગર મંજુર થયો નથી.'' આવેદનપત્રમાં એવો ઘટસ્ફોટ પણ કરાયો છે કે ''ગાંધીનગર ખાતે આ પધ્ધતિનાં લોકાર્પણમાં પણ જે સોૈ પ્રથમ પ્લાન મંજુર થયો તે પણ ભુલ સાથે મંજુર થયેલ કેમકે આ પધ્ધતિ  જી.ડી.સી.આર. સાથે સુશંગત નહી હોવાથી આ સમસ્યા સર્જાઇ છે.આમ, આ બધી સમસ્યા ઉકેલવા ખાસ અધિકારીને આ જવાબદારી સુપ્રત કરવા તથા આ પધ્ધતિમાં સોફટવેર કંપનીના પ્રતિનિધી ખાનગી પ્રેકટીસ કરતા હોવાથી ફરીયાદ પણ આવેદનપત્રમાં કરાઇ છે.આમ ઉપરોકત ક્ષતિઓ વહેલીતકે દૂર કરવાં એસોસીએશન દ્વારા માંગ ઉઠાવાઇ છે.

(4:34 pm IST)