Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

શાપરમાં રિપેરીંગ વખતે સિમેન્ટનું પતરૂ તુટતાં ભરવાડ વૃધ્ધ પટકાયાઃ મોત

વરસાદથી ટપકતું પાણી બંધ કરવા મકાનના છાપરે ગયા ને મોત ટપકયું : રઘુભાઇ રાતડીયા (ઉ.૬૨)એ રાજકોટ સિવિલમાં દમ તોડ્યોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: શાપર વેરાવળમાં સિમેન્ટના પતરાવાળા મકાનમાં રહેતાં ભરવાડ વૃધ્ધ વરસાદને લીધે પતરામાંથી ટપકતું પાણી બંધ કરવા પતરા ઉપર ચડી રિપેરીંગ કામ કરી રહ્યા હતાં ત્યારે પતરૂ તૂટી જતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજ્યું છે.

શાપર વેરાવળમાં શાંતિધામ સોસાયટી ડીસીએમ બેરીંગ સામે રહેતાં રઘુભાઇ પાતાભાઇ રાતડીયા (ઉ.૬૨) સવારે ઘરના પતરામાંથી પાણી ટપકતું હોઇ રિપેરીંગ કરવા માટે પતરા પર ચડતાં પતરૂ તૂટી જતાં પોતે નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે જરૂરી કાર્યવાહી કરી શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રઘુભાઇ પશુપાલનનું કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. પોતે ત્રણ ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૯)

(4:14 pm IST)