Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પાણી-પુરવઠા પ્રધાનના વતન વિંછીયા તાલુકા પંચાયતમાં તેમના જ ઉમેદવારનો અધ્યક્ષપદે ભૂંડો પરાજયઃ રાજકીય ભૂકંપ

રાજકોટ જિલ્લા પંચાયતમાં સતા પરિવર્તનના હાકલા-પડકારા વચ્ચે :કુંવરજીભાઇને પ્રથમ તમાચો

રાજકોટ તા.૧૭: રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના માદેર વતન વિંછીયા તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ તરીકે કુંવરજીભાઇનાં ટેકેદારનો ભુંડો પરાજય થતાં રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કુંવરજીભાઇના વતન વિંછીયા તાલુકા પંચાયતમાં બે દિવસ પહેલા સામાન્ય સભા મળી હતી જેમાં વર્તમાન કારોબારી અધ્યક્ષ હનુભાઇ ડેરવાળીયા કે જેઓ કુંવરજીભાઇના અત્યંત વિશ્વાસુ ગણાય છે અને કુંવરજીભાઇએ જ તેમને અગાઉ કારોબારી અધ્યક્ષપદે બસાડેલા તેમની મુદ્દત પુરી થતાં તાજેતરમાં સામાન્ય સભા મળી હતી જેમાં હનુભાઇ ડેરવાળીયાએ ફરી વખત ઉમેદવારી કરતાં ૬ સભ્યોનો ટેકો મળ્યો હતો જયારે તેમની સામેના ઉમેદવાર મંજુબેન રમેશભાઇ જાદવને ૧૦ મતો મળતાં તેમનો વિજય થતાં રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.

ઉલ્લેખનીય છે કે વિંછીયા તાલુકા પંચાયતમાં કુલ ૧૮ બેઠકો છે જેમાં કોંગ્રેસને ૧૫ ભાજપને ૨ અને ૧ અપક્ષને મળી છે.

કોંગ્રેસના બધા ઉમેદવારને કુંવરજીભાઇ બાવળીયાના કહેવાથીજ ટીકીટ મળી છે અને બધા તેમના ખાસ ટેકેદારો ગણાય છે. પરંતુ કારોબારી અધ્યક્ષ તરીકે તેમનાં જ વિશ્વાસુને વિજયી ન બનાવી શકતા જસદણ વિંછીયા પંથકમાં રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાઓઅ જોર પકડયું છે.

જોકે ભાજપના ૨ સભ્યો અને અપક્ષનાં ૧ સભ્યએ પણ મંજુબેનને ટેકો આપતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. જો ભાજપના ૨ અને અપક્ષના ૧ સભ્યએ હનુભાઇને ટેકો આપ્યો હોત તો પણ કુંવરજીભાઇનાં ટેકેદારનો  વિજય થયો હોત !!

કુલ ૧૮ સભ્યોમાંથી ૧ સભ્ય સરપંચ પદે ચૂંટાતા તેમણે રાજીનામુ આપ્યું છે. જયારે એક સભ્ય ગેરહાજર રહેતા કુલ ૧૬ સભ્યો હાજર રહ્યા હતાં.

આ અંગે વિરોધ પક્ષના નેતા અને ભાજપના સદસ્ય કિશોર ગોહિલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને અગાઉથી પાર્ટીમાંથી કે કુંવરજીભાઇ બાવળીયા તરફથી કોઇ જ સુચના લેખીત કે ટેલીફોનિક જાણ ન કરી હોય અમે મંજુબેનને ટેકો આપી દીધો હતો. જોકે તેમણે કહ્યું હતું કે, વિંછીયા પંથકમાં કુંવરજીભાઇના અંગત મદદનીશ જેવું કામ કરતા નીતિન રોજાસરા દ્વારા કારોબારીના દિવસે બપોરે ફોન આવ્યો હતો કે, 'તમો ગેરહાજર રહો પરંતુ અમે અગાઉથી મંજુબેનના સમર્થનમાં રહેવાની હા પાડી હોય અમો ગેરહાજર નહોતા રહ્યાં.'

જોકે આ અંગે પાર્ટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે કુંવરજીભાઇ બાવળીયા અને સ્થાનિક ભાજપના આગેવાનો વચ્ચે અગાઉથી સંકલન ન થયું હોય આવું બન્યું છે.

કુંવરજીભાઇ બાવળીયાના ભાજપ પ્રવેશ બાદ હજુ બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર કમલમ ખાતે કહેલુ કે રાજકોટ જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થશે. જોકે તેમનો ઇશારો કુંવરજીભાઇ બાવળીયાના સહકારથી જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન કરાવવાનો જ હતો, પરંતુ કુંવરજીભાઇ બાવળીયાના માદરે વતનમાં જ તેમના ટેકેદારની હાર થતા શું જીલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન કરાવી શકશે ?  

(4:08 pm IST)