Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અને, મનોજ શશીધર જયારે બીજી વખત રાજકોટ સીપી બનતા રહી ગ્યા

ર૦૧૯ની ચુંટણી ધ્યાને લઇ કડક હાથે કામ લેનાર મનોજ (શશીધર) ને બદલે પ્રેકટીકલ એવા મનોજ (અગ્રવાલ) પર પસંદગી ઉતારવામાં આવીઃ ભીંતરની કથા : સંવેદનશીલ વડોદરાને કંટ્રોલમાં રાખવા અનુપમસિંહ ગેહલોતના પોષ્ટીંગમાં ફેરફાર : સુરત રેન્જમાં અમિતભાઇના વિશ્વાસુઃ સુરતના પોલીસ કમિશ્નરના હાથ મજબુત બનાવવા ક્રાઇમ બ્રાન્ચનો બહોળો અનુભવ ધરાવતા એચ.આર.મુલીયાણાને મહત્વની જવાબદારીઃ દક્ષિણ સૌરાષ્ટ્રના 'હેડેક' ગામોને ધ્યાને લઇ એસપીઓ પાસેથી સારી રીતે કામ લઇ શકે તેવા નરસિંંહમ્મા કોમાર (ભાવનગર રેન્જ), સુભાષ ત્રિવેદીની જુનાગઢ રેન્જ માટે લાંબી વિચારણા બાદ પસંદગી

રાજકોટ, તા., ૧૭: રાજય પોલીસ તંત્રમાં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તેવા ચાર એસપીની બઢતી સાથે ૩૧ સિનીયર આઇપીએસઓની બદલીમાં રાજકોટમાં અભુતપુર્વ લોકપ્રિયતા મેળવનાર અનુપમસિંહ ગેહલોતના સ્થાને વડોદરાના કડક હાથે કામ લેવા ટેવાયેલા અને રાજકીય કાર્યકરોને બહુ મનમોહ ન આપે તેવા મનોજ શશીધરની પસંદગી લગભગ નક્કી હતી પરંતુ ર૦૧૯ની ચુંટણીને ધ્યાને લઇ પ્રેકટીકલ એવા ગૃહ ખાતાના બહોળા અનુભવી મનોજ અગ્રવાલની પસંદગી થઇ છે.

યોગાનુયોગ બાબત એ છે કે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશ્નર મોહન ઝાની બદલી થઇ ત્યારે એ સમયે પણ રાજકોટના પોલીસ કમિશ્નર પદે મનોજ શશીધરની જ પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેમના સંતાનો બોર્ડમાં અભ્યાસ કરતા હોવાથી તેમની વિનંતી માન્ય રાખવામાં આવી હતી. રાજકોટમાં લુખ્ખાતત્વો પર કંટ્રોલ કરી શકે અને સારા અને સજ્જન લોકો સાથે મિત્રતાથી વર્તે તેવા અનુપમસિંહ ગેહલોતની પસંદગી જે તે વખતે કરેલ. જે તેઓએ સાર્થક કરી બતાવી હતી. નવાઇની વાત એ છે કે દુધમાં સાકરની માફક ભળી ગયેલ અનુપમસિંહ ગેહલોતને રાજકોટથી બદલવા દેવા એક મોટો સમુહ તૈયાર ન હતો. આમ તો અનુપમસિંહ ગેહલોતનું નામ સુરત રેન્જ વડા તરીકે નિશ્ચિત હતું અને ખુદ વિજયભાઇ પણ તેમની શકિતથી પરીચીત હોવાથી સમગ્ર રેન્જ પર કંટ્રોલ કરવા તેમને મુકવાની ગણત્રી હતી પરંતુ વડોદરા દિવસે-દિવસે ખુબ જ સંવેદનશીલ બન્યું હોવાથી અને હાલતા કોમી છમકલા થતા હોવાથી વડોદરાના આવા તત્વોને કાબુમાં રાખી શકાય તે માટે તેમને વડોદરાના પોલીસ કમિશ્નર બનાવવાનું નક્કી થયું હતું. સુરત રેન્જમાં મુકાયેલા જુનાગઢ રેન્જના રાજકુમાર પાંડીયન અમિતભાઇ શાહની ગુડસ બુકમાં છે.

દક્ષિણ સૌરાષ્ટ્રની પોલીસ રેન્જની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર વિ. હેડેકસમા હોય ભાવનગર રેન્જ માટે રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા સીબીઆઇનો બહોળો અનુભવ ધરાવતા નરસિંહમ્મા કોમારની પસંદગી કરવામાં આવી છે. જયારે જુનાગઢ રેન્જ માટે કડક હાથે કામ લઇ શકે અને સમગ્ર રેન્જમાં નજર રાખી શકે તેવા સ્વચ્છ છબી ધરાવતા સુભાષ ત્રિવેદીને પસંદ કરી બંન્ને રેન્જના એસપીઓ આડે સ્પીડબ્રેકર મુકી દેવાયુ છે.

ચોક્કસ સિનીયર અધિકારી સાથે તાલમેલના અભાવે નારાજ બનેલા રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ એવા હસમુખ પટેલને એસીબી અને સ્ટેટ મોનીટરીંગ સેલમાંથી હટાવી પોલીસ હાઉસીંગ જેવી સાઇડ પોસ્ટમાં મુકી દેવાયા છે.  બોર્ડર રેન્જમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા લાંબા સમયથી દાવેદાર હતા, બીજી તરફ પિયુષ પટેલે સામેથી અમદાવાદ-ગાંધીનગર કોઇ પણ સ્થાને મુકવા વિનંતી કરેલી જેનો અમલ થયેલ છે. સુરતમાં લુખ્ખાતત્વો સામે અસરકારક ઝુંબેશ ચલાવતા સતીષ શર્માના હાથ મજબુત બનાવવા માટે સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક) તરીકે અમદાવાદ, વડોદરા વિ. ક્રાઇમ બ્રાન્ચનો બહોળો અનુભવ ધરાવતા મૂળ રાજકોટના વતની એવા એચ.આર.મુલીયાણાને ખાસ પસંદ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પોતે ભરૂચથી જઇ રહયા છે તેવુ મિત્રોને જણાવનાર ભરૂચના એસપી સંદીપસિંહને અપેક્ષા મુજબ રાજકોટ રેન્જ મળી છે. રાજકોટના જોઇન્ટ સીપી પદેથી એસીબીમાં મુકાયેલા દીપકભાઇ ભટ્ટ લાંબા સમયથી અમદાવાદમાં પોષ્ટીંગ ઇચ્છતા હતા. પંચમહાલ જીલ્લાના બુટલેગરો તથા અન્ય ગુન્હેગારો ઉપર અસરકારક સુપરવીઝન માટે મનોજ શશીધરને મુકવા સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો હવાલો સુપ્રત કરી તેઓ વડોદરાની પરિસ્થિતિથી વાકેફ રહી શકે અને જરૂર જણાયે તેમના મિત્ર અનુપમસિંહ ગેહલોતને મદદ કરી શકે તે દ્રષ્ટિએ પંચમહાલ રેન્જ આપવામાં આવી છે.

(8:16 pm IST)